લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના કયા નેતાઓના બેફામ નિવેદનો ચર્ચામાં રહ્યાં?
અમદાવાદ, 5 મે 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન મંગળવારે થવાનું છે. આજે સાંજે પ્રચાર શાંત થઈ જશે. મતદાન સારી રીતે થાય એ માટે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. ત્યારે સમગ્ર ચૂંટણીમાં કેટલાક નેતાઓ એવા છે જેમના નિવેદનો ચર્ચામાં રહ્યાં છે અને આ નિવેદનોથી કેટલાક સમાજો વિરોધ કરી રહ્યાં છે. ગુજરાતમાં સામાજિક અને જાતિ આધારિત મુદ્દાઓ સતત સંભળાતા રહ્યાં છે. ચૂંટણી આવે ત્યારે નેતાઓ પોતાની નૈતિકતા ભૂલી જાય છે. એક સમાજને આકર્ષવા માટે બીજા સમાજને નીચો દેખાડાય છે. નેતા વાણી વિલાસ કરે અને સમાજ આમને સામને આવી જાય છે.
સ્થાનિક એક પણ મુદ્દાને કોઈ પણ નેતાઓ ઉઠાવ્યો નહીં
રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વાયરલ નિવેદનને કારણે ક્ષત્રિયો નારાજગી હજી ઓછી નથી થઈ. ઉમેદવાર બદલવાની માંગ ભાજપે ન સ્વીકારી તો કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારીને સમીકરણ પોતાની તરફે બનાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાં નાણામંત્રી કનુભાઇ દેસાઈના એક નિવેદનથી કોળી સમાજ નારાજ થયો છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરીએ ચૂંટણીજંગને સામાજિક રીત રિવાજમાં બદલી નાખ્યો. મામેરા અને બનાસની દીકરી જેવી વાતોથી સમાજને નજીક લાવવાનો પ્રયાસ કર્યો. ચૂંટણીના માહોલમાં ન તો મોંઘવારી વિશે ચર્ચા થઇ, ન રોજગારી વિશે વાત થઇ. સ્થાનિક સ્તરના એક પણ મુદ્દાને કોઈ પણ નેતાઓ ઉઠાવ્યો નહીં. આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક કહ્યા હતાં. તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીને ધમકી આપીને કહ્યું હતું કે, કાંતો સુરતમાં હું રહીશ કાં તો કુંભાણી રહેશે.
ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને હરખપદુડા કહ્યા
રૂપાલાના નિવેદન પછી ક્ષત્રિયોનો ગુસ્સો કેમ શાંત ન થયો? પરેશ ધાનાણીના પાટીદાર-ક્ષત્રિયોના નિવેદન પછી વિવાદ થયો? કેમ કોળી સમાજ મંત્રી કનુ દેસાઈ પર કેમ નારાજ થયો? પરેશ ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને હરખપદુડા કહ્યા છે. સાબરકાંઠામાં ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરની ડામોર અટકને લઇ વિવાદ થયો હતો. રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓને ગરીબની જમીનના લૂંટારા ગણાવ્યા હતા. આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે “રાજા મહારાજાઓ અફિણના નશામાં પડ્યા રહ્યા” તો ગેનીબેન ઠાકોરનું એક જ સમાજનો બનાસ ડેરી પર કબ્જો હોવાનું નિવેદન ચર્ચામાં રહ્યું. ગેનીબેન મામેરાની પ્રથા લાવ્યા અને બનાસની બેન તરીકે ગેનીબેનને ઓળખાવ્યા હતાં. તો રેખાબેને પોતાને શિક્ષિત ઉમેદવાર તેમજ બનાસની દીકરી તરીકે ઓળખાવ્યા હતા. છેલ્લે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ ગાંધીજીમાં પણ લુચ્ચાઈ હતી એવું નિવેદન કરતો વીડિયો વાયરલ થયો હતો અને તેમણે આ વીડિયોને લઈને સ્પષ્ટતા કરી કે, મારો મતલબ ગાંધીજીમાં ચતુરાઈ હોવાનો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતના પાંચ શહેરમાં 7મી મેએ મતદાન કરનારને ચૂંટણીપંચ આપશે આ વિશેષ સુવિધા