દિલ્હીમાં કાળઝાળ ગરમી વચ્ચે LGનો મોટો નિર્ણય, બપોરે 12થી 3 વાગ્યા સુધી શ્રમિકોને મળશે આરામ
- કાળઝાળ ગરમીને જોતા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે શ્રમિકોને બપોરે ત્રણ કલાકની રજા આપવાનો આપ્યો નિર્દેશ
- શ્રમિકોને કાળઝાળ ગરમીમાં બપોરે ત્રણ કલાક પગાર કપાત વિના મળશે રજા
દિલ્હી, 29 મે: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) VK સક્સેનાએ દેશના મોટાભાગના મેદાની વિસ્તારોમાં આકરી ગરમી વચ્ચે મોટો નિર્ણય લીધો છે. એલજીએ નિર્દેશ આપ્યો છે કે આ કાળઝાળ ગરમીમાં શ્રમિકોને બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી કામમાં રાહત આપવામાં આવે. ઉપરાંત, શ્રમિકોને આપવામાં આવેલી આ રાહતના બદલામાં કોઈ તેમના પગારમાં કાપ કરી શકશે નહીં.
દિલ્હીના એલજી વીકે સક્સેનાની સૂચના અનુસાર શ્રમિકોએ બપોરે 12 થી 3 વાગ્યા સુધી પગાર કપાત વગર રજા મળશે. બાંધકામના સ્થળે શ્રમિકોને પાણી અને નાળિયેર પાણીનો પુરતો જથ્થો આપવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે લોકોને બસ સ્ટેન્ડ પર ઘડામાં પાણી રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે.
LGએ દિલ્હી સરકાર પર નારાજગી વ્યક્ત કરી
નિર્દેશ આપતાની સાથે જ LGએ ‘સમર હીટ એક્શન પ્લાન’ પર કોઈ પગલાં ન લેવા બદલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રીઓની પણ ટીકા કરી છે. વાસ્તવમાં, DDA 20 મેથી આ કરી રહ્યું છે, પરંતુ આમ આદમી પાર્ટીની સરકાર હેઠળના દિલ્હી જલ બોર્ડ (DJB), જાહેર બાંધકામ વિભાગ (PWD), દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ આના પર કોઈ પગલાં લીધા નથી. તેથી, લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવને આ મુદ્દે તાત્કાલિક બેઠક યોજવા સૂચના આપી છે.
આ પણ વાંચો: કેજરીવાલના વચગાળાના જામીન વધારવાનો SCનો ઇનકાર, 2 જૂને જ કરવું પડશે સરેન્ડર
કેટલાક વિસ્તારોમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોચ્યું
ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારો આગની ભઠ્ઠીની જેમ સળગી રહ્યા છે. દિલ્હીના કેટલાક ભાગોમાં પણ મંગળવારે પારો વધીને લગભગ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. દિલ્હી ઉપરાંત અડધું ભારત પણ સૂર્યની આગમાં બળી રહ્યું છે.
દિલ્હીમાં આટલી ગરમી કેમ?
દિલ્હીમાં ગરમીનું કારણ તેની આસપાસના રાજ્યો છે. દિલ્હીની ચારે બાજુ માત્ર જમીન છે, એટલે કે તેની નજીક ન તો કોઈ પહાડ છે કે ન કોઈ દરિયો, પરંતુ તેનાથી થોડે દૂર રાજસ્થાનનું રણ રાજ્ય છે, જ્યાં ગરમીને કારણે રેતી ગરમ થવા લાગે છે અને ત્યાંથી આવતા પવનો ગરમ હવા ખેચી લાવે છે અને દિલ્હીના તાપમાનમાં વધારો કરે છે. હાલમાં ગરમી પાછળનું એક કારણ પશ્ચિમ તરફથી આવતા ગરમ પવન છે. જેના કારણે રણની ગરમી ઉત્તર-પશ્ચિમના મેદાનોમાં વહી જાય છે. જેના કારણે દિલ્હી અને તેની આસપાસનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. તાપમાનનો પારો 50 પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીએ મેડિકલ ઇમરજન્સી વધારી, એક સપ્તાહમાં હિટસ્ટ્રોકના કેસ વધ્યા