ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IPL પર કંટ્રોલ ઈચ્છતો દાઉદ ઇબ્રાહિમ? લલિત મોદીએ કર્યો ચોંકાવનારો દાવો

Lalit Modi Dawood Ibrahim: IPL ના પૂર્વ કમિશનર લલિત મોદીએ એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેના કારણે તેઓ અચાનક ભારે ચર્ચાઓમાં આવી ગયા છે. લલિત મોદીનો દાવો છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેની ડી-કંપની તરફથી મળેલી સતત ધમકીઓ, હત્યાના કાવતરાં અને ભારે દબાણ જ એ સૌથી મોટું કારણ હતું, જેના લીધે તેમણે ક્રિકેટ પ્રશાસન હંમેશા માટે છોડવું પડ્યું હતું.

ANI ને આપેલા ઇન્ટરવ્યુમાં લલિત મોદીએ દાવો કર્યો કે IPLને દુનિયાની સૌથી મોટી T20 લીગ બનાવવા માટે તેમણે પોતાની સુરક્ષાની કિંમત ચૂકવવી પડી છે. તેમણે કહ્યું કે સટ્ટાબાજી અને ફિક્સિંગ સાથે જોડાયેલા નેટવર્ક સામે કડક વલણ અપનાવ્યા બાદ તેઓ સીધા અંડરવર્લ્ડના નિશાના પર આવી ગયા હતા.

લંડનમાં રાત્રે 3:30 વાગ્યે દાઉદ સાથે કરાવાઈ હતી વાત

લલિત મોદીના જણાવ્યા મુજબ, દાઉદ ઇબ્રાહિમ આઈપીએલ પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ ઈચ્છતો હતો અને આ બાબતે સૌથી ભયાનક ઘટના વર્ષ 2012 માં લંડનમાં બની હતી. તેમણે દાવો કર્યો કે રાત્રે આશરે 3:30 વાગ્યે તેમને એક વચેટિયાના પેન્ટહાઉસમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં સેટેલાઇટ ફોન દ્વારા તેમની સીધી વાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે કરાવવામાં આવી હતી.

લલિત મોદીએ તે ભયાનક પળને યાદ કરતાં કહ્યું, “હું ડરના માર્યા ધ્રૂજી રહ્યો હતો અને મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. ત્યારે જ ફોન પરથી અવાજ આવ્યો- ‘હવેથી તારું બધું કામ ખતમ’ અને ફોન કટ થઈ ગયો.” તેમણે ઉમેર્યું કે તે સમયે તેમના ઘરની બહાર બ્રિટનની સુરક્ષા એજન્સીની પ્રોટેક્શન હોવા છતાં તેઓ અસુરક્ષિત અનુભવતા હતા.

વર્ષ 2009 માં IPL સાઉથ આફ્રિકા શિફ્ટ કરવું ભારે પડ્યું

લલિત મોદીના દાવા અનુસાર, અંડરવર્લ્ડ સાથે વિવાદની શરૂઆત આઈપીએલ 2009 દરમિયાન થઈ હતી. તે સમયે ભારતમાં લોકસભાની ચૂંટણીઓ હોવાના કારણે તેમણે આખી ટૂર્નામેન્ટને અચાનક સાઉથ આફ્રિકા શિફ્ટ કરી દીધી હતી. સટ્ટા બજારમાં મોટા પાયે એવો દાવ લાગ્યો હતો કે ચૂંટણીના લીધે આઈપીએલ રદ થઈ જશે. પરંતુ જ્યારે ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક સાઉથ આફ્રિકા પહોંચી, ત્યારે સટ્ટેબાજોને કરોડો રૂપિયાનું ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.

લલિત મોદીએ કહ્યું, “તેમનો આરોપ હતો કે મેં આઈપીએલ શિફ્ટ કરીને તેમનું કરોડોનું નુકસાન કર્યું છે. તેઓ ઈચ્છતા હતા કે હું તે નુકસાનીના પૈસા પાછા આપું, પરંતુ મેં સાફ ઈનકાર કરી દીધો હતો.” લલિત મોદીએ દાવો કર્યો કે કમિશનર તરીકે તેમણે ફિક્સિંગ અને સટ્ટાબાજી રોકવા માટે સ્ટેડિયમોમાં કડક દેખરેખ રાખી હતી અને કરોડો ડોલરની લાંચ પણ ઠુકરાવી દીધી હતી. જેના કારણે મુંબઈમાં તેમના ઘર પર ફાયરિંગ, જોહાનિસબર્ગમાં હુમલાનું પ્લાનિંગ અને લંડનમાં તેમના પુત્રના અપહરણ જેવા અનેક જીવલેણ કાવતરાં ઘડાયા હતા. આખરે અંડરવર્લ્ડના નિશાનામાંથી બચવા માટે તેમણે કોઈ સમજૂતી કરવાના બદલે ક્રિકેટ પ્રશાસન જ છોડી દીધું.

IPL ના આર્કિટેક્ટથી લઈને દેશ છોડવા સુધીની સફર

નોંધનીય છે કે લલિત મોદીને આઈપીએલના જનક (આર્કિટેક્ટ) માનવામાં આવે છે. વર્ષ 2008 માં શરૂ થયેલી આ લીગે ક્રિકેટની આખી તસવીર બદલી નાખી અને તે દુનિયાની સૌથી અમીર T20 લીગ બની ગઈ. પરંતુ વર્ષ 2010 માં આઈપીએલની ત્રીજી સિઝન પૂરી થયા બાદ જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેમના પર નાણાકીય ગેરરીતિઓ અને વહીવટી ખામીઓના ગંભીર આક્ષેપો લગાવીને સસ્પેન્ડ કર્યા હતા. બાદમાં બીસીસીઆઈએ તેમના પર આજીવન પ્રતિબંધ મૂકી દીધો હતો અને ત્યારથી તેઓ લંડનમાં વસવાટ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 8 વખત IVF ફેલ થયું છતાં ન ખોઈ આશા: સંભાવના સેઠના ઘરે આખરે ગૂંજી કિલકારીઓ

આ પણ વાંચોઃ “દીપક… સોરી” ભાભીના ત્રાસથી કંટાળી માતા-દીકરી-દોહિત્રીનો સામૂહિક આપઘાત

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button