
11 જૂન, લાહોર: આવતે વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાનાર છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અત્યારથી જ તેના વેન્યુ નક્કી કરી લીધા છે. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઇન્ડિયાનો બેઝ કેમ્પ અત્યારથી જ નક્કી કરી લેવામાં આવ્યો છે. જોકે આ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ભારત પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે કેમ એ બાબતે હજી કોઈજ સ્પષ્ટતા નથી.
ICC અને PCB દ્વારા નક્કી કરવામાં આવેલા વેન્યુઝ અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 લાહોર, કરાચી અને રાવલપીંડી ખાતે રમાશે. એક સમાચાર અનુસાર આ ICC ટ્રોફીના સ્તર અનુસાર આ ત્રણેય શહેરોના ક્રિકેટ સ્ટેડિયમોને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. પરંતુ અહીં વાત છે ટીમ ઇન્ડિયાના બેઝ કેમ્પ વિશે.
PCB એટલેકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર સમગ્ર ચેમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન ટીમ ઇન્ડિયા લાહોર ખાતે સ્થિત રહેશે. લાહોર એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રાજધાની છે અને ભારતની સરહદથી ખૂબ નજીક છે. ભારત આ ટુર્નામેન્ટની પોતાની તમામ મેચો લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમશે. અત્રે એ નોંધનીય છે કે પાકિસ્તાનમાં મોટાભાગની ફાઈનલ્સ આ જ સ્ટેડિયમમાં રમાડવામાં આવેછે.
એક સમાચાર અનુસાર ટુર્નામેન્ટની ફાઈનલ તો લાહોરમાં જ રમાશે પરંતુ જો ટીમ ઇન્ડિયા તેની સેમીફાઈનલમાં આવ્યું તો તે મેચ પણ લાહોર ખાતે જ રમાડવામાં આવશે. આ રીતે PCBએ ચેમ્પિયન્સ ટ્રોફીના વેન્યુના નામ વહેલા જાહેર કરીને BCCIને પોતાનો નિર્ણય જાહેર કરવા પર દબાણ કર્યું છે એમ કહી શકાય.
પાકિસ્તાની બોર્ડ દ્વારા ટીમ ઇન્ડિયાને અભૂતપૂર્વ સિક્યોરીટી આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે.
પરંતુ સહુથી મોટો પ્રશ્ન એ છે કે શું BCCI ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન મોકલવા રાજી થશે કે કેમ? ગયા વર્ષે એશિયા કપ પણ પાકિસ્તાનની યજમાનીમાં આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ BCCIએ કડક સ્ટેન્ડ લઈને ટીમને ન મોકલવાનો નિર્ણય લીધો હતો. એ સમયે PCBના બે-બે ચેરમેન અનુક્રમે રમીઝ રાજા અને નજમ સેઠી બંને ધમકી આપી ચૂક્યા હતા કે જો ટીમ ઇન્ડિયા એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન પણ વર્લ્ડ કપ રમવા ભારત નહીં આવે.
ભારત તો પાકિસ્તાન રમવા ન ગયું અને એશિયા કપ શ્રીલંકામાં રમાડવામાં આવ્યો, પણ પાકિસ્તાન જરૂર વર્લ્ડ કપ રમવા ભારત આવ્યું હતું. જાણકારોનું માનીએ તો પાકિસ્તાનને છેલ્લી ઘડીએ ચેમ્પિયન્સ ટ્રોફી કોઈ ન્યુટ્રલ વેન્યુ પર ખસેડવાની ફરજ પાડવામાં આવે તેની ભરપૂર શક્યતાઓ છે.