કચ્છની ખાનગી કંપનીના બોઈલરમાં બ્લાસ્ટથી બે શ્રમિકના ઘટના સ્થળે મૃત્યુ

ગાંધીધામ, તા. 4 ઓક્ટોબર, 2025: કચ્છના ગાંધીધામ નજીક આવેલા પડાણા વિસ્તારમાં શનિવારે (4 ઓક્ટોબર) એક ખાનગી કંપનીમાં ભયંકર બોઈલર બ્લાસ્ટ થતાં ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં બે શ્રમિકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા.
વેલ્ડિંગ કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના
પ્રાથમિક માહિતી મુજબ, કંપનીમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક બોઈલર ધડાકાભેર ફાટ્યું હતું. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેમાં પ્રણવ અને ચંદન નામના બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.
દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે.
સુરક્ષાના નિયમોની અનદેખીની આશંકા, તપાસ શરૂ
પોલીસે આ દુર્ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ શરૂ કરી છે. સૂત્રો દ્વારા આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે કંપનીમાં સુરક્ષાના નિયમોનું પૂરતું પાલન ન થવાના કારણે આ અકસ્માત થયો હોઈ શકે છે. જોકે, બોઇલર બ્લાસ્ટનું ચોક્કસ કારણ અને કંપનીની બેદરકારી અંગે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સામે આવશે. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











