
01/08/2026: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરોની નામ અને ઓળખ પૂછ્યા બાદ ગોળી મારી હત્યા કરતા સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે. આ કાયરતાપૂર્ણ હુમલાની તમામ રાજકીય પક્ષોના નેતાઓએ કડક શબ્દોમાં નિંદા કરી છે. સાથે જ સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ખામી રહી તે અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. રાજ્યમાં અમરનાથ યાત્રા દરમિયાન સમગ્ર સુરક્ષા તંત્ર હાઈ એલર્ટ પર હોવા છતાં આતંકીઓએ હુમલો કેવી રીતે કર્યો તે હવે સૌથી મોટો સવાલ બની ગયો છે.
ઉમર અબ્દુલ્લા: રોજી-રોટી માટે આવેલા લોકોને નિશાન બનાવવું શરમજનક
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ઘટનાને અત્યંત શરમજનક ગણાવી હતી. તેમણે કહ્યું કે જે લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રાજ્યમાં આવ્યા હતા, તેમને નિર્દયતાથી નિશાન બનાવવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે આર્થિક સહાયથી પરિવારનું દુઃખ ઓછું નહીં થાય, પરંતુ સરકાર તેમની તમામ શક્ય મદદ કરશે.
ફારૂક અબ્દુલ્લાની નિષ્પક્ષ તપાસની માંગ
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ હુમલા પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે હજુ સુધી સ્પષ્ટ નથી કે હુમલો કોણે કર્યો અને કેવી રીતે થયો. તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી. સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે પણ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો (સ્ટેટહૂડ) પરત આપવાની માંગ તેજ બને છે, ત્યારે આવા આતંકી હુમલા કેમ થાય છે?
ઉપમુખ્યમંત્રીનો સવાલ: હાઈ એલર્ટ છતાં આતંકી કેવી રીતે પહોંચ્યા?
જમ્મુ-કાશ્મીરના ઉપમુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે અમરનાથ યાત્રા દરમિયાન સમગ્ર સુરક્ષા તંત્ર સતર્ક હોવા છતાં આતંકવાદીઓ ખુલ્લેઆમ હુમલો કરીને ફરાર થઈ ગયા. તેમણે કહ્યું કે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ કરવું જોઈએ કે સુરક્ષામાં ચૂક ક્યાં થઈ.
તેમણે વધુમાં કહ્યું કે માત્ર નામ કે જાતિ પૂછીને ગોળી મારી એ મુદ્દો નથી, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આતંકીઓ હુમલો કરવામાં સફળ કેવી રીતે થયા. તેમણે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીને સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ માટે સમિતિ રચવાની માંગ કરી.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હુમલાની નિંદા કરી અને કહ્યું કે નિર્દોષ મજૂરોની હત્યા અત્યંત દુઃખદ છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.
जम्मू-कश्मीर के कुलगाम में हुए दुस्साहसी आतंकी हमले में देश के दो श्रमिकों की हत्या अत्यंत दुखद है। शोकाकुल परिवारों को अपनी संवेदनाएं व्यक्त करता हूं।
आतंकियों के ऊपर इस कायराना हमले के लिए सख्त कार्रवाई हो और उन्हें कड़ी से कड़ी सजा मिले। आतंकवाद के खिलाफ देश हमेशा एकजुट है।
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2026
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ હુમલાને શરમજનક અને અમાનવીય ગણાવ્યો. તેમણે જણાવ્યું કે ઈંટ ભઠ્ઠા પર કામ કરતા ગરીબ મજૂરોને ઓળખના આધારે મારી નાખવાની ઘટના અત્યંત નિંદનીય છે અને આરોપીઓને કડક સજા મળવી જોઈએ.
વન મંત્રી જાવેદ રાણાનું નિવેદન
જમ્મુ-કાશ્મીરના વન મંત્રી જાવેદ રાણાએ હુમલાની નિંદા કરતાં કહ્યું કે નિર્દોષ નાગરિકોની હત્યા કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. તેમણે કેન્દ્ર સરકારને આવી ઘટનાઓ રોકવા માટે વધુ અસરકારક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની અપીલ કરી.
મીરવાઈઝ ઉમર ફારૂક: નિર્દોષોની હત્યા ઇસ્લામ વિરુદ્ધ
મીરવાઈઝ-એ-કાશ્મીર મૌલવી મોહમ્મદ ઉમર ફારૂકે પણ હુમલાની કડક નિંદા કરી. તેમણે જણાવ્યું કે ઇસ્લામ દરેક નિર્દોષ વ્યક્તિના જીવનને મહત્વ આપે છે અને બેગુનાહ લોકોની હત્યાને સંપૂર્ણપણે ખોટી ગણાવે છે. રોજી-રોટી કમાવવા આવેલા ગરીબ મજૂરોને નિશાન બનાવવું માનવતા અને ઇસ્લામ બંનેના સિદ્ધાંતો વિરુદ્ધ હોવાનું તેમણે જણાવ્યું.
દેશભરમાં રોષ, સુરક્ષા પર ગંભીર સવાલ
કુલગામની આ ઘટનાએ ફરી એકવાર જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર ચર્ચા શરૂ કરી છે. ખાસ કરીને અમરનાથ યાત્રા દરમિયાન સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આતંકીઓ દ્વારા બે નિર્દોષ મજૂરોની હત્યા થવાથી સુરક્ષા એજન્સીઓની કામગીરી પર સવાલો ઉભા થયા છે. હવે સમગ્ર દેશની નજર સરકાર દ્વારા થનારી તપાસ અને આતંકવાદીઓ સામે લેવાતી કાર્યવાહી પર છે.












