ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

મારો ચૂંટણીનો ખર્ચો લોકોએ જ ઉપાડી લીધો છે, 50 લાખ જેટલો ફાળો આવશેઃ ગેનીબેન ઠાકોર

પાલનપુર, 12 એપ્રિલ 2024, બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. સામે ભાજપના રેખાબેન પણ પ્રચારમાં જામ્યા છે. ત્યારે આજે એક કાર્યક્રમમાં એક મહિલા દ્વારા ગેનીબેનને 51 હજારની મદદ કરવામાં આવી હતી. આ દરમિયાન ગેનીબેને જાહેરમાં કહ્યું હતું કે, મારો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે, લાખ-દોઢ લાખ રૂપિયાનો ફાળો ન થયો હોય. ગેનીબેન દ્વારા રોકડની સાથે સાથે ઓનલાઈન મદદ પણ મેળવવામાં આવી રહી છે. તેમણે એક QR કોડ દ્વારા લોકો પાસે ડિપોઝિટ ભરવા માટે મદદ માંગી છે.

લોકો નાણાંકીય મદદ કરતા પણ જોવા મળી રહ્યા છે
બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. બંને ઉમેદવારો હાલ લોકોની વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને પ્રચાર દરમિયાન લોકો નાણાંકીય મદદ કરતા પણ જોવા મળી રહ્યા છે. ખડોસણમાં યોજાયેલી એક સભા દરમિયાન એક મહિલા દ્વારા ગેનીબેનને 51 હજાર રૂપિયાની મદદ કરવામાં આવી હતી.ગેનીબેને ચૂંટણી પ્રચારમાં મંડપ, માઈક, ચા, પાણી સહિતની તમામ વ્યવસ્થા અઢારે વર્ણના લોકો કરતા હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, પ્રચાર દરમિયાન એક દિવસ એવો નથી ગયો કે, જે દિવસે લાખ-દોઢ લાખનો ફાળો ન થયો હોય. આ વખતે ચૂંટણી લાંબી છે, એટલે રોજના લાખ લાખ રૂપિયા ગણો તો 50 લાખ રૂપિયા તો ફાળો જ ગણી લેવાનો.

‘ફોર્મ ભરવાના દિવસનો ખર્ચો પણ લોકોએ ઉપાડી લીધો છે’
ગેનીબેને કહ્યું હતું કે, ફોર્મ ભરવા જવાના દિવસે ખર્ચો થાય, જમવાની વ્યવસ્થા કરવી પડે, મંડપની વ્યવસ્થા કરવી પડે. બધા લોકોએ એડવાન્સમાં 25-30 લાખનો ખર્ચ થાય એ પણ ઉપાડી લીધો છે. બનાસકાંઠા બેઠક પર પોતાને ઉમેદવાર જાહેર કર્યા બાદ ગેનીબેન દ્વારા મતક્ષેત્રના લોકો પાસે ઓછામાં ઓછા 11 રૂપિયાની મદદ માગી હતી. લોકો ઓનલાઈન મદદ કરી શકે તે માટે ગેનીબેન દ્વારા UPI નંબર અને ક્યુઆર કોડ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. ઉમેદવારે ચૂંટણી લડવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે. 2024 લોકસભા ચૂંટણી માટે 95 લાખના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ જે તે ઉમેદવારે કરેલા ખર્ચની વિગત ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવાની થતી હોય છે.

આ પણ વાંચોઃકોંગ્રેસના ગેનીબેન ભૂવાજીના શરણેઃ માતાજીની રમેલમાં નારિયેળ ઘર તરફ ફેંકવા કર્યું આહ્વાન

Back to top button