ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: જાણો ભાવનગરની 7 બેઠક અંગે, શું ભાજપ પોતાનો ગઢ જાળવી રાખવામાં સફળ રહેશે કે આપ-કોંગ્રેસ બાજી મારશે?
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે ત્યારે દરેક પક્ષ પણ યોગ્ય મૂરતિયાઓની પસંદગી કરવા લાગ્યા છે. ગુજરાતમાં લગભગ છેલ્લાં ત્રણ દશકાથી ભાજપની જ સરકાર છે. મોટા ભાગે અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ જોવા મળે છે. ગુજરાતમાં આજ દિવસ સુધી તો ત્રીજા પક્ષનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. પરંતુ આ વખતની ચૂંટણી કંઈક અલગ છે. ભાજપ, કોંગ્રેસ બાદ હવે અહીં આમઆદમી પાર્ટી પણ સામે આવી છે, જે ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે.આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના સમીકરણ બદલાઈ શકે છે. ખાસ તો આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.
વાત કરીએ ભાવનગર જિલ્લાની…. આ જિલ્લામાં વિધાનસભાની 7 સીટ આવે છે. મહુવા, તાળાજા, ગારીયાધાર, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ આવે છે.
1) મહુવાઃ
મહુવા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 99 નંબરની બેઠક છે. ભાવનગર જિલ્લામાં આવતું મહુવા અમરેલી લોકસભા ક્ષેત્રમાં આવે છે. મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાય છે. મહુવામાં માલણ નદી વહે છે, મહુવા દરિયા કાંઠે વસેલું શહેર છે. ઔદ્યોગીક દ્રષ્ટિએ સારી એવી ગતિથી વિકસતા મહુવામાં ઘણાં ઉદ્યોગો સ્થપાયા છે અને ડુંગળી માટે જાણીતા મહુવામાં ડિહાઇડ્રેશનના કારખાના ઝડપભેર વિકસી રહ્યા છે. મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તેની વિશાળતમ ક્ષમતા માટે ગુજરાતભરમાં જાણીતું છે.
મહુવામાં આવેલ ભવાની માતાનું મંદિર પ્રખ્યાત છે. ઉપરાંત મહુવા તાલુકામાં આવેલુ બગદાણા ગામ બજરંગદાસ બાપુ જેવા સંતના આગમનથી એક મોટુ યાત્રા સ્થળ બન્યુ છે. બગદાણામાં આવેલા ગુરુ આશ્રમમાં રોજે હજારો લોકો જમે છે અને બજરંગદાસ બાપુની ચાંદીની મુર્તિની જ્યારે પ્રાણપ્રતિષ્ઠા હતી ત્યારે આશરે 35 લાખ લોકો આવ્યા હતા. મોરારીબાપુ રામાયણના કથાકાર છે. તેમનો જન્મ મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં થયો હતો. ફિલ્મ અભિનેત્રી આશા પારેખ પણ મહુવા સાથે સંબંધ ધરાવે છે. તેમજ ભારતીય ઉદ્યોગપતિ અને પિડિલાઇટ ઉદ્યોગ સમૂહના સ્થાપક બળવંત પારેખનો જન્મ મહુવામાં થયો હતો. તેઓ ઇન્ડિયાઝ ફેવિકોલ મેન તરીકે પ્રખ્યાત હતા. ગુજરાતના 9માં મુખ્યમંત્રી છબીલદાસ મહેતાનો જન્મ મહુવામાં થયો હતો.
રાજકીય સમીકરણ
ભાવનગર જીલ્લાની મહુવા વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 1998 બાદથી અહીં ભાજપે પોતાના મૂળ મજબૂત કરી લીધા છે. વર્ષ 1962માં અહીં યોજાયેલી પ્રથમ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં પીએસપીના જસવંતરાય મહેતાએ 21,407 મતો સાથે કોંગ્રેસના ઉમેદવાર રસીકલાલ શુક્લાને હરાવીને આ બેઠક જીતી હતી. કોંગ્રેસ હજુ પણ આ બેઠક પાછી ખેંચવાની મથામણમાં કરે છે. પરંતુ હવે આમ આદમી પાર્ટીના રાજ્યમાં પગપેસારા સાથે જ કોંગ્રેસ માટે સ્પર્ધા વધુ કઠિન બની રહી છે.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 5 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. આ બેઠક ભાજપના ગઢ સમાન છે. 1998થી આ બેઠક પર ક્યારેય ભાજપ હાર્યું નથી.
વર્ષ 1998માં કોંગ્રેસની સત્તાનો સૂર્ય આથમ્યો અને ભાજપે આ બેઠક પર સાશન જમાવ્યું હતું. ભાજપના ડો. કનુભાઇ કલસારિયાએ 37,686 મતો સાથે કોંગ્રેસના છબિલદાસ મહેતાને મ્હાત આપી હતી.
વર્ષ 2002માં ફરી ભાજપમાંથી ડો. કનુભાઇ કલસારિયાએ જીત નોંધાવી હતી. 2007માં યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર કનુભાઇ કલસારિયાનો વિજય થયો હતો.
જ્યારે વર્ષ 2012માં ભાજપના ભાવનાબેન મકવાણાએ જીત મેળવી હતી. જોકે, ગત ચૂંટણી એટલે કે વર્ષ 2017માં ભાજપના ઉમેદવાર રાઘવભાઇ મકવાણાએ જીત નોંધાવી હતી.
2017માં રાઘવભાઈ મકવાણાનો 5009 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 44410 મત મળ્યા હતા.
આ બેઠક પર મતદારોની સંખ્યા
મહુવા બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
બહુમત કોળી સમાજનો હોય છેલ્લા અમુક વર્ષોમાં વ્યાપક રાજકીય જાગૃતિનાં કારણે ચૂંટણીમાં પ્રભાવિક ભૂમિકા રહી છે.
2) તળાજાઃ
તળાજા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 100 નંબરની બેઠક છે. જે ભાવનગર લોકસભા ક્ષેત્રમાં આવે છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાવનગર જિલ્લામાં આવેલું એક નગર છે, જે સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે શેત્રુંજી અને તળાજી નદીને કાંઠે વસેલું છે જે પ્રાચીન સમયમાં તાલધ્વજના નામે પણ ઓળખાતું હતું.
તળાજા ગુજરાતના જાણીતા સંતકવિ ભક્ત નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે. પાછળથી તેઓ જૂનાગઢમાં સ્થાયી થયા હતાં.અહીં ટેકરીની ઉત્તર અને પશ્ચિમ બાજુએ બૌદ્ધ સ્પાથત્ય શૈલીમાં કંડારેલી તળાજા ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ ભારતનાં પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે રક્ષિત સ્મારક જાહેર કરાયેલા છે. આ ઉપરાંત અહીં આવેલા જૈન મંદિરની સ્થાપના કુમારપાળે ૧૨મી સદીમાં કરી હતી. આ જૈન મંદિર ભારતનાં પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે રક્ષિત સ્મારક જાહેર કરાયું છે. આ મંદિરની બાજુમાં ચિંતામણી પાર્શ્વનાથ, મહાવીર સ્વામીના મંદિરો અને ગુરૂમંદિર આવેલા છે.
વાંચોઃ ભાજપમાં ભડ્કો શાંત કરવાની જવાબદારી હવે શાહ પાસે, તો કેજરીવાલ અને ઔવેસીનું શું છે ગણિત ?
રાજકીય સમીકરણ
આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ જ કારણ છે કે 1995થી અત્યાર સુધી ભાજપ અહીં એક પણ ચૂંટણી હારી નથી. જો કે ગત ચૂંટણીમાં ભાજપના ગઢમાં કોંગ્રેસે ગત ચૂંટણીમાં મોટું ગાબડું પાડ્યું હતું. છેલ્લા વીસથી ભાજપની જીત સામે કોંગ્રેસે ગત ચૂંટણીમાં બ્રેક મારી હતી.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
આ બેઠક ભાજપના ગઢ સમાન હતી. 1995થી ભાજપ આ બેઠક પર જીતતું આવતું હતું પરંતુ 2017માં આ બેઠક પર કોંગ્રેસ જીતી હતી.
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કનુભાઈ બારૈયાનો 1779 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 66,862 મત મળ્યા હતા. જ્યારે કે ભાજપના ઉમેદવાર ગૌતમભાઈ ચૌહાણની હાર થઈ હતી.
આ બેઠક પર મતદારોની સંખ્યા
તળાજા બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
કોળી સમાજના 68 હજાર મતદારો તળાજા બેઠક પર વર્ચસ્વ ધરાવે છે. આ સાથે જ બ્રાહ્મણ મતદારોનુ પણ અહીં વર્ચસ્વ જોવા મળે છે. 30 હજાર બ્રાહ્મણ મતોનું આ બેઠક પર પ્રભુત્વ છે. ઉપરાંત 14 હજાર ક્ષત્રિય મતો 20 હજાર આહિર મતોનું આ બેઠક પર પ્રભુત્વ છે.
3) ગારીયાધારઃ
ગારીયાધાર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 101 નંબરની બેઠક છે. ભાવનગર જિલ્લામાં આવતું ગારીયાધાર અમરેલી લોકસભા ક્ષેત્રમાં આવે છે. ગારીયાધાર તાલુકામાં કૃષિલક્ષી વસ્તી વધારે આવેલી છે. આ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારથી ડેવલોપ થયેલો તાલુકો છે. . અહીના લોકો હીરા ઉધોગમાં સુરત શહેર સાથે સંકળાયેલા છે.
ગારીયાધાર તાલુકો સંતોની ભુમી તરીકે પ્રખ્યાત થયેલ છે. ગારીયાધાર તાલુકામાં આવેલા વિરડી ગામે જગતપીરની પવિત્ર જગ્યા આવેલી છે, જ્યાં ધુળેટીના દિવસે વિશાળ મેળો ભરાય છે. ગારીયાધાર તાલુકામાં વાલમપીર બાપાની પ્રખ્યાત જગ્યા આવેલી છે. ગારીયાધારમાં દર વર્ષે વાલમપીર બાપાની રથયાત્રા નીકળે છે. ગારીયાધાર તાલુકામાં આવેલુ રુપાવટી ગામ સંત શામળાબાપાનું જન્મસ્થળ છે.
રાજકીય સમીકરણ
ભાવનગર જિલ્લામાં સાત વિધાનસભા સીટ છે, જેમાંથી એક બેઠક ગારીયાધાર છે. આ સીટ વર્ષ 2008માં નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવી હતી. આ નવા સીમાંકન મુજબ, ગારીયાધાર સીટ હવે ગારીયાધાર જેસર બની ગઈ છે. ગારીયાધાર સીટમાં જેસર મહુવા પટ્ટીના અનેક ગામોને સામેલ કરવામાં આવ્યા છે.
વિધાનસભા ચૂંટણી 2022 માટે આમઆદમી પાર્ટી ઘણું જોર લગાવી રહી છે. અહીં આપના કાર્યકર્તાઓએ ખરાબ રસ્તાઓના આક્ષેપ કરી, જાતે જ રસ્તા બનાવ્યા હતા અને વિરોધ પણ કર્યો હતો. અહીં આપનો પ્રભાવ વધ્યો છે.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
ગારીયાધાર વિધાનસભા સીટ પર વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના કેશુભાઈ નાકરાણીની જીત થઈ હતી. તેમણે કુલ 50 હજાર 635 વોટ મળ્યા હતા. કેશુભાઈ વિરૂદ્ધ ઊભા રહેલા કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ખેની 1,876 વોટથી હાર્યા હતા. તેમણે 48 હજાર 759 વોટ મળ્યા હતા.
આ બેઠક પર મતદારોની સંખ્યા
ગારીયાધાર બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
ગારીયાધાર વિધાનસભા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ વધુ જોવા મળે છે.
4) પાલિતાણાઃ
પાલિતાણા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 102 નંબરની બેઠક છે. જે ભાવનગર લોકસભા ક્ષેત્રમાં આવે છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનું નગર છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. પાલિતાણા ગોહિલ રાજપુતોનું એક રજવાડું હતું. પાલિતાણા જૈનોનું શાશ્વત તિર્થ છે. જ્યાં આદિનાથ ભગવાન બિરાજમાન છે. ભાવનગર જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના કિનારે આવેલું હોવાથી તેને શેત્રુંજય તીર્થ પણ કહેવાય છે. પાલિતાણા અતિ પ્રાચીન નગર છે. જૈન આચાર્ય શ્રીપાદલિપ્તસૂરિના નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે પાલિતાણાના નામથી જગવિખ્યાત છે.
પાલિતાણા એક બીજા વર્ગનું રજવાડું હતું જેની સ્થાપના વર્ષ 1194માં થઈ હતી. સૌરાષ્ટ્રમાં ઘણાં નાનાં નાનાં રજવાડાં હતાં તેમાંનાં થોડા મુખ્યમાંનું પાલિતણા એક હતું. મોટેભાગના જૈન સમેત શિખર, માઉન્ટ આબુ કે ગિરનાર કરતાં પણ પાલિતાણાને ખૂબ જ ધાર્મિક અને મહત્વનું તીર્થ માને છે. એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવનકાળ દરમ્યાન એકવાર તો પાલિતાણાની યાત્રા કરવી જ જોઇએ. શેત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીથી સુશોભિત 1616 આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીથઁકર આદિનાથ ઋષભદેવનું છે. ભગવાનને માટે જ બનાવેલા આ દેરાસરસંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇપણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી, પૂજારીને પણ નહીં.
રાજકીય સમીકરણ
પાલિતાણા વિધાનસભા સીટનું ગઠન 1962માં થયું હતું. અહીં અત્યારસુધીમાં 13 ચૂંટણીઓ થઈ છે. જેમાંથી 5 વખત ભાજપ અને 5 વખત કોંગ્રેસના ઉમેદવાર જીત નોંધાવી છે. વર્ષ 2012ની ચૂંટણીમાં આ સીટ કોંગ્રેસ પાસે હતી. તો વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીત્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં અહીં 1.80 ટકા મતદારોએ નોટાનુ બટન દબાવ્યું હતું.
વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાટનગરના મતદારો જાણો કોને આપે છે “એક મોકો”
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 15 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 13 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
પાલિતાણા બેઠક પર વિધાનસભાની વાત કરીએ તો વર્ષ 1995થી 2012 સુધી અહીં ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જો કે વર્ષ 2012માં ભારતીય જનતા પાર્ટીના આ ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું હતું.
જ્યારે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરથી કોંગ્રેસ પાસેથી આ સીટ આંચકી લીધી હતી.
ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયાએ કોંગ્રેસના પ્રવીણભાઈ રાઠોડને 14,189 મતોની સરસાઈથી હરાવ્યા હતા. ભીખાભાઈને 69,479 મત મળ્યા હતા. જ્યારે ગુજરાત જન ચેતના પાર્ટીના પ્રવીણભાઈ ગઢવીને 7,784 મત મળ્યા હતા.
આ બેઠક પર મતદારોની સંખ્યા
પાલિતાણા બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
પાલિતાણા બેઠક પરના જાતિગત આંકડા પર નજર કરીએ તો અહીં કોળી સમુદાયના 60 હજાર, લેઉવા પટેલ સમુદાયના 41 હજાર, ક્ષત્રિય સમાજના 19 હજાર, અનુસૂચિત જાતિના 17 હજાર વોટર્સ છે. પાલીતાણા બેઠક પર કોળી અને પાટીદાર સમુદાયનો દબદબો છે.
5) ભાવનગર ગ્રામીણઃ
ભાવનગર ગ્રામીણ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 103 નંબરની બેઠક છે. ભાવનગર ગ્રામીણ ભાવનગર લોકસભા વિસ્તારમાં આવે છે. ભાવનગર ગ્રામીણ વિધાનસભા બેઠકમાં ઘોઘા, બુધેલ, વરતેજ, સિહોર, માઢિયા ગામડાઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ઘોઘા રો-રો ફેરી સર્વિસ, સિહોરની સર્વોત્તમ ડેરી અને સિહોરની રોલિંગ મિલોની GIDC પણ આવેલી છે. આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. 2012 અને 2017ની ચૂંટણીમાં આ બેઠક પરથી પરસોત્તમ સોલંકીનો વિજય થયો હતો.
રાજકીય સમીકરણ
ભાવનગર ગ્રામીણ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. આ સીટ પર વર્ષો સુધી કોંગ્રેસનો કબજો પણ રહ્યો છે. જો કે આ સીટ પર છેલ્લાં પાંચ ટર્મથી ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે. 35 વર્ષથી અહીં ભાજપનો જ કબજો છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક જે ભૂતકાળનાં વર્ષોમાં ઘોઘા-56 ગણાતી હતી અને આ બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનો કબ્જો રહ્યો હતો.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 8 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પરસોત્તમ સોલંકીને ટીકીટ આપી હતી. તો કોંગ્રેસે ક્ષત્રિય સમાજના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલને ટીકીટ આપી હતી. આ ચૂંટણીમાં શક્તિસિંહને 65,426 મત અને પરસોત્તમ સોલંકીને 83,980 મતો મળ્યા હતા. આ પરસોત્તમ સોલંકીએ 18,554 મતોથી કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલને મ્હાત આપી હતી.
ભાજપે ફરી એકવાર આ બેઠક પર પરસોત્તમ સોલંકીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. તો વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ક્ષત્રિય સમાજના ઉમેદવારને બદલે કોળી સમાજના આગેવાન કાંતિભાઈ ચૌહાણને ટીકીટ આપી હતી. આ ચૂંટણીમાં પરસોત્તમ સોલંકીને 89,555 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના કાંતિભાઈ ચૌહાણને 58,562 મત મળ્યા હતા. આમ, આ ચૂંટણીમાં પણ ભાજપે બાજી મારી લીધી હતી.
આ બેઠક પર મતદારોની સંખ્યા
ભાવનગર ગ્રામીણ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
આ બેઠક પર મોટા ભાગે કોળી, પટેલ અને ક્ષત્રિય સમુદાયના વોટર્સનો દબદબો જોવા મળે છે.
6) ભાવનગર પૂર્વઃ
ભાવનગર પૂર્વ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 104 નંબરની બેઠક છે. ભાવનગર પૂર્વ ભાવનગર લોકસભા વિસ્તારમાં આવે છે. ભાવનગરની સ્થાપના 1723માં ભાવસિંહજી ગોહીલ દ્વારા કરવામાં આવી હતી. ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું.
ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક હેઠળ ભાવનગર તાલુકાના કેટલાક ભાગનો સમાવેશ થાય છે. જેમાં રૂવા, તરસીમિયા, માલાન્કા, અકવાડાને આવરી લેવામાં આવે છે. આ ઉપરાંત ભાવનગર મહાનગર પાલિકાના કેટલાક વોર્ડ પણ વિધાનસભા બેઠક હેઠળ આવે છે. ભાવનગરના પૂર્વ વિધાનસભા બેઠકમાં એરપોર્ટ, ઘોઘાસર્કલ, અકવાડા લેક સહિત યશવંતરાય નાટ્યગૃહ જેવા વિસ્તારો આવેલા છે. આ વિસ્તારમાં ખાસ કરીને નોકરિયાત, બિઝનેસમેન કક્ષાના લોકો વસવાટ કરે છે.
રાજકીય સમીકરણ
ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ ગણી શકાય છે. આ બેઠકમાં 1999થી પરીણામો ભાજપના પક્ષમાં રહ્યા છે.એકંદરે એમ કહી શકાય કે, લોકો ભાજપને મત આપતા આવ્યા છે. જેથી ભાજપની આ વોટબેંક તોડવી મુશ્કેલ છે. ભૂતકાળમાં મહેન્દ્ર ત્રિવેદી અહીંથી ભાજપને જીત અપાવતા હતા.એકરીતે જોઈએ તો ભાવનગર પૂર્વની બેઠક હંમેશાથી ભાજપની સુરક્ષિત બેઠક ગણામાં આવે છે. વર્ષોથી અહીંના લોકો ભાજપને જ મત આપતા આવ્યા છે.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 4 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 2 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
2007થી સતત ત્રણ ટર્મ સુધી વિભાવરીબેન દવે જીતતા આવ્યા છે. આ બેઠક પર કોંગ્રેસનો કોઈ મજબૂત નેતા વિભાવરીબેનને હરાવી શક્યા નથી. ગત 2017ની ચૂંટણીમાં વિભાવરીબેન સામે કોંગ્રેસે નીતાબેન રાઠોડને ઉભા રાખ્યા હતા. જેમાં વિભાવરીબેનને 87,323 વોટ મળ્યા હતા.જ્યારે નીતાબેનને 64,881 વોટ મળ્યા હતા. નીતાબેન કોળી સમાજમાંથી આવતા ઉમેદવાર હતા.
વર્ષ 2012માં વિભાવરીબેન દવેને 85,375 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેશ જોશીને 45,867 મત મળ્યા હતા. આ જીત બાદ રચાયેલી સરકારમાં વિભાવરીબેન દવેને શિક્ષણપ્રધાનનું પદ મળ્યું હતું.
આ બેઠક પર મતદારોની સંખ્યા
ભાવનગર પૂર્વ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
ભાવનગર પૂર્વ બેઠક પર વણિક સમાજ અને હવે બ્રાહ્મણ સમાજના પ્રતિનિધિ ચૂંટાઈ છે. તેથી કહી શકાય કે આ બેઠક પર ઉચ્ચ વર્ગનું વર્ચસ્વ વધુ છે. અહીં કોળી સમુદાયની જનસંખ્યા પણ વધુ છે. જે બાદ પટેલ અને ક્ષત્રિય સમાજના લોકો આવે છે.
7) ભાવનગર પશ્ચિમઃ
ભાવનગર વેસ્ટ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 105 નંબરની બેઠક છે. આ બેઠક ભાવનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક ભાવનગર છે. આ બેઠકમાં નારી ચોકડી, મસ્તરામ બાપા મંદિર, યાર્ડ, દેસાઈનગર, લાલટાંકી, બોરતળાવ, શાસ્ત્રીનગર અને નિલમબાગ તેમજ કુંભારવાડા જેવા પછાત વિસ્તારનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ચિત્રા GIDC પણ આવેલી છે. હીરાના કારખાનાઓ, પ્લાસ્ટિકના કારખાનાઓ હજારો લોકોને રોજીરોટી પૂરી પાડે છે.
રાજકીય સમીકરણ
ભાવનગર જિલ્લામાં વર્ષોથી ભાજપનું પ્રભુત્વ રહેલું છે. આ બેઠક પર 2012 અને 2017માં જીતુભાઈ વાઘાણીનો વિજય થયો હતો. આ બેઠક પર પટેલ અથવા ક્ષત્રિય સમાજના ઉમેદવારો જીત મેળવતા આવ્યા છે. 2012 પહેલા શક્તિસિંહ ગોહિલ ઉમેદવાર રહ્યાં હતાં.
કોળી અને પટેલ સમુદાયના મતદાતાઓનો પણ ભાજપને આશીર્વાદ મળતા રહે છે. ભાવનગર જિલ્લામાં ભાજપનો દબદબો છે. કોંગ્રેસમાં શહેર અને જિલ્લા સ્તરે મજબૂત નેતૃત્વની ખોટને કારણે પણ ભાજપ બાજી મારતું આવ્યું છે. જો કે આમઆદમી પાર્ટીની એન્ટ્રી પછી રાજકીય સમીકરણ બદલાતા જોવા મળી રહ્યાં છે.
છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 8 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
2012માં મનસુખભાઇ કોંગ્રેસમાંથી ઉભા રહેતા 38,691 મત મળ્યા જ્યારે ભાજપના જીતુ વાઘાણીને 92,584 મત મળ્યા હતા. આમ જીતુભાઇએ 53,893 મતોથી જીત મેળવી હતી. જિલ્લાનું મતદાન 2012માં 69.12 ટકા રહ્યું હતું.
ભાવનગર પશ્ચિમ બેઠક પર 2017માં ભાજપે ફરી જીતુ વાઘાણીને ટિકિટ આપી હતી. કોંગ્રેસે પટેલના બદલે ક્ષત્રિય સમાજના આગેવાન દિલીપસિંહ ગોહિલને ટિકીટ આપી હતી. મતદાન બાદ પરિણામ આવતા જીતુ વાઘાણીને 83,701 મત મળ્યાં જ્યારે કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલને 56,516 મત મળ્યા હતાં. કોંગ્રેસની સ્થિતિ 2012 કરતા સુધરી હતી. આ બેઠક પર કુલ 62.59 ટકા મતદાન થયું હતું.
આ બેઠક પર મતદારોની સંખ્યા
ભાવનગર પશ્ચિમ બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર કોળી સમાજ,પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. 2012થી આ વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ ભાજપ તરફ રહ્યો છે. ભાજપ 2012થી સત્તામાં મતદારોના કારણે આવ્યું છે. જો કે કોળી સમાજના નેતા પરસોતમભાઈ સોલંકીનો સમાજ પર રહેલા પ્રભુત્વને કારણે કોળી સમાજનું પલડું ભાજપ તરફ રહ્યું છે. જ્યારે પટેલ સમાજના પણ મતો પણ ભાજપી વલણ ધરાવે છે.