મધ્યપ્રદેશમાં ભાજપ નેતાની હત્યા, છાતીમાં ત્રણ ગોળી ધરબીને હત્યારા ફરાર
ઈન્દોર, 23 જૂનઃ ભાજપશાસિત રાજ્ય મધ્યપ્રદેશમાં પણ હવે ભાજપના નેતાઓની હત્યા થઈ રહી છે. અત્યાર સુધી કેરળ અને પશ્ચિમ બંગાળમાં ભાજપ અને સંઘના નેતાઓની હત્યા થવાના સમાચાર લગભગ નિયમિત બની ગયા છે ત્યારે હવે મધ્યપ્રદેશથી પણ ભાજપના નેતાઓ-કાર્યકરો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ઈન્દોરમાં શનિવારે મોડી રાત્રે ભાજપ યુવા મોરચાના શહેર ઉપાધ્યક્ષ મોનુ કલ્યાણેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મોનુ કલ્યાણે પક્ષના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયના વિશ્વાસુ નેતાઓ પૈકી એક હતા.
ભાજપના નેતાની હત્યા બાદ સમર્થકોએ આરોપીના ઘરને આગ ચાંપી દીધી હતી તેમજ વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી હતી. ઘટનાની જાણકારી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હત્યા બાદ ભાજપના ધારાસભ્ય ગોલુ શુક્લા સહિત અનેક કાર્યકરો અને નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે આપેલી માહિતી અનુસાર ભાજપના નેતા મોનુ કલ્યાણે ચિકન બાગના ચાર રસ્તા પાસે ઊભા હતા ત્યારે બે બાઇક સવાર અર્જુન અને પીયૂષ મોનુ કલ્યાણે પાસે પહોંચ્યા. તેઓ બંને મોનુ સાથે વાતચીત કરવાના બહાને તેની નજીક ઊભા રહ્યા હતા અને પૂછ્યું કે સવારે ભગવા રેલીનો સમય શું છે? આટલું પૂછ્યા બાદ તરત જ અર્જુને પાછળથી પોતાની પિસ્તોલ કાઢી અને ભાજપના નેતાની છાતી પર એક પછી એક ત્રણ ગોળીઓ ચલાવી. ગોળી વાગવાથી મોનુ કલ્યાણ ઘાયલ થયો હતો. ત્યાં હાજર તેના સમર્થકો તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા. જોકે હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે મોનુને મૃત જાહેર કર્યો હતો.
ઈન્દોરમાં ભાજપના નેતાની હત્યા બાદ કાર્યકરો અને કાઉન્સિલરોમાં રોષ જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકરોએ આરોપીના ઘરને આગ ચાંપી દીધી હતી. ઉપરાંત વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સ્થિતિ વણસતી જોઈને મોટી સંખ્યામાં પોલીસ દળો બોલાવવામાં આવ્યા હતા. પોલીસે મોનુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મોનુની હત્યા કરનારા બંને પણ ભાજપના કાર્યકરો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભાજપ નેતાની હત્યા કરનાર આરોપીઓ અર્જુન અને પીયૂષે જૂની અદાવતના કારણે આ હત્યા કરી છે. હત્યા થઈ તે સમયે ભાજપ નેતા મોનુ કલ્યાણે ભગવા યાત્રા માટેની તૈયારી કરી રહ્યા હતા. મોનુ ઘણા વર્ષથી આ યાત્રાનું આયોજન કરે છે. પરંતુ અર્જુન અને પીયૂષ બંને ભાજપ નેતાઓ એકબીજાના વિરોધી જૂથના છે અને પક્ષમાં વર્ચસ્વની હરીફાઈ કરી રહ્યા હતા. બંને આરોપીઓ ભૂતકાળમાં ગુનાઈત રેકોર્ડ પણ ધરાવે છે. પોલીસે મોનુની હત્યા કરનાર બંનેને શોધવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે.