એક નાના દેશે શોધ્યો હોર્મુઝનો વિકલ્પ, 10 અબજ ડોલરથી રેલ રૂટ બનાવી રહ્યું છે.. એશિયા સુધી સીધો માલ પહોંચશે

Kazakhstan Middle Corridor: મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને હોર્મુઝ સંકટ વચ્ચે કઝાકિસ્તાન એશિયા અને યુરોપ વચ્ચે નવો માર્ગ બનાવી રહ્યું છે. આ દેશ રેલ નેટવર્ક પર લગભગ 10 અબજ ડોલર ખર્ચ કરી રહ્યો છે, જેથી ચીનથી યુરોપ સુધી માલ વધુ ઝડપી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકાય. કઝાકિસ્તાનની સરકારી રેલ કંપની કઝાકિસ્તાન ટેમીર ઝોલીના CEO તાલગત અલ્દીબર્ગેનોવે જણાવ્યું કે હોર્મુઝ સંકટ વધ્યા પછી ચીની કંપનીઓ સમુદ્રી માર્ગને બદલે જમીન માર્ગથી માલ મોકલવામાં વધુ રસ બતાવી રહી છે. રેલ માર્ગ વધુ વિશ્વસનીય છે અને તેમાં ડિલિવરીનો સમય પણ નિશ્ચિત રહે છે.
આને ધ્યાનમાં રાખીને કઝાકિસ્તાન મિડલ કોરિડોર કે ટ્રાન્સ-કેસ્પિયન ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ રૂટ (TITR)ને ઝડપથી વિકસાવી રહ્યું છે. આ માર્ગ ચીનને યુરોપ સાથે જોડે છે. તેનો માર્ગ કઝાકિસ્તાન, કેસ્પિયન સમુદ્ર, અઝરબૈજાન, જ્યોર્જિયા અને તુર્કીમાંથી પસાર થાય છે. તુર્કીના બંદરો મારફતે આ માર્ગ મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા અને મધ્યસ્થ સાગર (મેડિટેરેનિયન) દેશો સુધી પણ પહોંચ આપે છે.
આ માર્ગથી લગભગ 15 દિવસનો સમય બચશે
આ સમગ્ર કોરિડોરની લંબાઈ 4,250 કિમીથી વધુ છે. તેમાં લગભગ 500 કિમીના સમુદ્રી ભાગનો પણ સમાવેશ થાય છે. આ માર્ગની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંથી માલ સમુદ્રી માર્ગની તુલનામાં લગભગ 15 દિવસ પહેલા પહોંચી શકે છે.
કઝાકિસ્તાન–EU વચ્ચે બેઠક
તાજેતરમાં કઝાકિસ્તાન અને યુરોપિયન યુનિયનના અધિકારીઓ વચ્ચે રાજધાની અસ્તાનામાં બેઠક યોજાઈ હતી. તેમાં મિડલ કોરિડોરને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષોએ સ્વીકાર્યું કે દુનિયામાં વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે દેશોને એવા વેપાર માર્ગોની જરૂર છે જે ઝડપી, સુરક્ષિત અને રાજકીય રીતે વધુ સ્થિર હોય.
બેઠકમાં કન્ટેનર પરિવહન વધારવા, રેલ નેટવર્ક મજબૂત કરવા અને કેસ્પિયન સમુદ્ર વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર પણ ચર્ચા કરવામાં આવી. કઝાકિસ્તાને જણાવ્યું કે અક્તાઉ બંદરનું મોટા પાયે આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટને યુરોપિયન યુનિયન અને યુરોપિયન બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (EBRD) તરફથી ફંડિંગ મળી રહ્યું છે. આ ઉપરાંત કેસ્પિયન સમુદ્રમાં નવા જહાજો અને ફેરી સેવા વધારવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે, જેથી માલ પરિવહન વધુ ઝડપી થઈ શકે.
કઝાકિસ્તાનમાં 12 સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા
રેલ નેટવર્કને મજબૂત બનાવવા માટે પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. મેની શરૂઆતમાં કઝાકિસ્તાનના અલ્ટિનકોલ-ઝેટીગેન રેલ સેક્શનનું આધુનિકીકરણ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ હેઠળ 293 કિમી રેલ લાઇનનું અપગ્રેડેશન કરવામાં આવ્યું અને 12 સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા. તેમાં 5 નવા સ્ટેશન અને 7 ફરીથી બનાવાયેલા સ્ટેશનનો સમાવેશ થાય છે.
કઝાકિસ્તાન આ સમયે દેશભરમાં લગભગ 3,000 કિમી રેલ નેટવર્કનું આધુનિકીકરણ કરી રહ્યું છે. તેમાંથી 900 કિમીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં ટ્રાન્ઝિટ કાર્ગો બમણું થઈને 2024માં 2.74 કરોડ ટન સુધી પહોંચી ગયું છે. કઝાકિસ્તાનને અપેક્ષા છે કે 2026 સુધી આ વધીને 5.4 કરોડ ટન અને 2029 સુધી 6.7 કરોડ ટન સુધી પહોંચી જશે.
આ પણ વાંચો: યુપી : બારાબંકીમાં માર્ગ અકસ્માત, ઈનોવા કારે ટ્રેલરને ટક્કર મારતા 4ના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત












