આજથી શરૂ થશે કાવડ યાત્રાઃ શું છે તેનું મહત્ત્વ? કોણે કરી હતી શરૂઆત?
- અધિકમાસના લીધે કાવડિયાઓને પણ યાત્રા કરવા માટે વધુ સમય મળશે
- શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળને પોતાના ખભે લઈને જ્યોતિર્લિંગો સુધી જાય છે
- ભગવાન પરશુરામે શિવજીને પ્રસન્ન કરવા કાડવ યાત્રાની શરૂઆત કરી હતી
શ્રાવણ મહિનો નજીક આવતા જ ભોલેનાથના ભક્તો શિવભક્તિમાં લીન થવા લાગે છે. ગુજરાતમાં શ્રાવણ માસના પ્રારંભને હજુ વાર છે. પરંતુ, ઉત્તર ભારતમાં શ્રાવણ માસ આજે એટલે કે 4 જુલાઈથી શરૂ થશે. સાથે સાથે આજે મંગળા ગૌરીનું વ્રત પણ કરવામાં આવશે. અધિકમાસના કારણે આ વખતે શિવજીનો પ્રિય મહિનો બે મહિના ચાલશે. અધિકમાસના લીધે કાવડિયાઓને પણ યાત્રા કરવા માટે વધુ સમય મળશે. અધિકમાસના સ્વામી ભગવાન વિષ્ણુ છે અને શ્રાવણ મહિનાના સ્વામી ભગવાન શિવ છે, તેથી આ વખતે શ્રદ્ધાળુઓને શ્રાવણમાં ભગવાન વિષ્ણુ અને શિવ બંનેની કૃપા પ્રાપ્ત થશે.
કાવડ યાત્રા ક્યાં સુધી ચાલશે?
કાવડ યાત્રાનો પ્રારંભ 4 જુલાઇથી થશે અને તે શ્રાવણની શિવરાત્રિ સુધી ચાલશે. જો કોઇ વ્યક્તિ વ્યક્તિગત રીતે કાવડ લાવવા ઇચ્છે તો તે શ્રાવણ માસમાં લાવી શકે છે, પરંતુ કાવડ યાત્રા તો 16 જુલાઇ સુધી જ ચાલશે.
કાવડ યાત્રા શું છે?
કાડવ યાત્રા એટલે ખભા ઉપર લાકડી કે વાંસ રાખીને તેના બન્ને છેડે જોળી બનાવી તેમા માટલી મુકીએ તેને કાવડ કહેવાય. જે રીતે શ્રવણ કુમારે તેના અંઘ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવી હતી. તે કાવડ યાત્રા હતી.
શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળને પોતાના ખભા પર લઈને જ્યોતિર્લિંગો સુધી પહોંચે છે અને તે શિવજીને અર્પણ કરે છે. ઉલ્લેખનીય છે કે યાત્રા દરમિયાન ભક્તો કાવડને જમીન પર રાખતા નથી. કાવડને ઉંચકનારા કાવડિયા તરીકે ઓળખાય છે. મોટાભાગના કાવડિયાઓ કેસરી રંગના કપડાં પહેરે છે. તેઓ મોટાભાગે ગંગોત્રી, ગૌમુખ, પ્રયાગરાજ, હરિદ્વાર જેવાં તીર્થ સ્થળોથી ગંગાજળ ભરે છે. આ પછી, તેઓ પગપાળા પ્રવાસ કરીને જળ શિવલિંગ પર ચઢાવે છે.
ભગવાન પરશુરામે કરી કાવડ યાત્રાની શરૂઆત
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ જ સર્વ પ્રથમ કાવડ લાવ્યા હતા અને ગંગાજળથી શિવલિંગનો અભિષેક કર્યો હતો. પરશુરામજી ગઢમુક્તેશ્વરથી ગંગાજળ લાવ્યા અને શિવલિંગને તે અર્પણ કર્યું. ત્યારબાદ શ્રાવણ મહિનામાં કાવડમાં ગંગાજળ ભરીને લાવવાની અને શિવલિંગને તે અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ. માન્યતા અનુસાર જે લોકો શ્રાવણ માસમાં કાવડ યાત્રા કરી શિવજીને ગંગાજળ અર્પણ કરે છે તેની બધી જ ઈચ્છાઓ ભોલેનાથ પૂર્ણ કરે છે
ભગવાન પરશુરામે શિવજીને પ્રસન્ન કરવા કાડવ યાત્રાની શરૂઆત કરી હતી. ઉત્તરપ્રદેશમાં બાગપત જીલ્લામાં શિવલિંગની તેઓ નિત્ય પૂજા કરતા. શ્રાવણ માસના દર સોમવારે ગઢમુક્તેશ્વરથી કાવડમાં જળ ભરીને આ પુરાતન શિવ મંદિરના શિવલિંગ પર અભિષેક કરતા હતા. આ યાત્રાસ્થાનનું હાલનું નામ વ્રજઘાટ છે. કાડવ યાત્રા શિવ આરાધનાનું સ્વરૂપ છે.
ઉત્તર ભારતમાં કાવડ યાત્રાનું ખુબ મહત્ત્વ
ખાસ કરીને ઉત્તર ભારતમાં ગંગાજીના કિનારાનાં ક્ષેત્રમાં કાડવ યાત્રાનું ખૂબ જ મહત્વ છે. રાજસ્થાનના મારવાડી લોકો, ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથથી જળ લઈ (ગૌમુખીથી જળ લઈ) રામેશ્વર જઈને ભગવાન શિવનો અભિષેક કરતા હતા. આ એક પ્રચલિત પરંપરા છે. લોકો ખુલ્લા પગે આ યાત્રા કરીને ખભા પર કાવડમાં જળ ભરીને શિવને અભિષેક કરી પોતાની માનતા પૂર્ણ કરે છે. આજે આ પરિસ્થિતીમાં થોડું પરિવર્તન આવ્યું છે. લોકો ગૌમુખમાંથી જળભરીને લાવવાના બદલે આસપાસની નદીઓમાંથી જળ ભરીને શિવ મંદિરના શિવલિંગ પર અભિષેક કરી ધન્યતા અનુભવે છે. ઝારખંડના બૈજનાથધામ સ્થિત શિવલિંગ પર લાખો શ્રદ્ધાળુઓ કાવડ યાત્રાથી અભિષેક કરે છે. લોકો આ દિવસે કેસરી રંગના વસ્ત્રો ધારણ કરે છે. કાવડને પણ ફૂલોથી શણગારે છે.
આ પણ વાંચોઃ સાસુને ખુશ રાખવા ઇચ્છો છો? દરેક વહુ ખાસ વાંચે