ગુજરાતટ્રેન્ડિંગ

પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા યોજાશે કરૂણા અભિયાન, સૌને સહભાગી થવા સરકારનો અનુરોધ

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં તા.20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન-2023 યોજવામાં આવશે. અબોલ જીવોના રક્ષણ માટેનું આ અભિયાન દેશ અને દુનિયામાં ગુજરાત પ્રથમ રાજય છે ત્યારે આ અભિયાનમાં સૌને સહભાગી થવા તેમજ સવારે 9.00 વાગ્યા પહેલાં અને સાંજે 5.00 વાગ્યા પછી પતંગ ન ઉડાવવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અપીલ કરી છે.

અબોલ જીવના સંરક્ષણ માટે અનોખુ અભિયાન

દેશભરમાં અબોલ જીવના સંરક્ષણ માટે અનોખુ અભિયાન ગુજરાતમાં છેલ્લાં છ વર્ષથી ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉત્તરાયણ પર હેલ્પલાઈન નં. 1962 ઉપરથી કરુણા એમ્બ્યુલન્સની સેવા પ્રાપ્ત થશે તેમજ વૉટસએપ નંબર8320002000 ઉપર પણ સેવા ઉપલબ્ધ કરાવાઈ છે. રાજ્યભરમાં જરૂરીયાત મુજબ 865 થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો બનાવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો ઓનલાઈન મેપ પણ મૂકાયા છે.

કરુણા અભિયાન-HUMDEKHENGENEWS

છ વર્ષમાં અંદાજે 70 હજારથી વધુ પક્ષીઓને બચાવ્યા

રાજ્યમાં યોજાનાર આ અભિયાનની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017થી રાજ્યમાં કરૂણા અભિયાન શરૂ કરીને અબોલ જીવોના રક્ષણ માટે દેશભરમાં ગુજરાતે એક ઉત્તમ શરૂઆત કરીને સંવેદનશીલતાનો નવતર અભિગમ હાથ ધર્યો છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં અંદાજે 70 હજારથી વધુ પક્ષીઓને સમયસર સારવાર આપીને બચાવી શક્યા છીએ. આપણે સૌ ઉત્સવ પ્રિય નાગરિકો છીએ ત્યારે ઉત્તરાયણના પાવન પર્વમાં ઉત્સાહ સાથે અબોલ પશુ-પક્ષીઓને નુકસાન ન થાય એની સંપૂર્ણ તકેદારી રાખીએ તેમજ નાયલોન કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ.

પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઈન નંબર

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ આગામી તા. 20મી જાન્યુઆરી સુધી કાર્યરત આ કરૂણા અભિયાન-2023 દરમિયાન દરરોજ સવારે 7.00 કલાકથી સાંજે 6.00 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાશે. એટલું જ નહી, 33 જિલ્લાઓમાં ૩૩૩ એન.જી.ઓ આ સેવાયજ્ઞમાં જોડાઇ છે. ચાલુ વર્ષે રાજયમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધારે ડૉકટર તથા 8 હજારથી વધારે સ્વયંસેવકો કાર્યરત રહીને પક્ષી બચાવનું કામ કરી રહ્યા છે. આ માટે જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગત વોટસએપ નં.832000 2000 ઉપર કોલ કરવાથી લીંક મેળવી શકાશે તથા પશુપાલન વિભાગના હેલ્પલાઈન નંબર 1962 ઉપર સંપર્ક કરીને ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે.

કરુણા અભિયાન-HUMDEKHENGENEWS

ઋષિકેશ પટેલ કર્યો અનુરોધ

મંત્રીએ નાગરિકોને ઉત્તરાયણ પર્વ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસથી ઉજવવાની સાથે સાથે અબોલા પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ ન થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરી હતી અને કોઇપણ વ્યક્તિ ચાઇનીઝ દોરી વેચતો માલુમ પડે તો પોલીસ વિભાગને જાણ કરવા તેમજ જો કોઇ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો : સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, ભારત સહિત 19 દેશોના પતંગબાજો લેશે ભાગ

Back to top button