વડોદરા પોલીસે પકડેલા નાઈજિરિયન ઠગોએ 900 લોકોને ફસાવી 15 કરોડ પડાવ્યા


- વડોદરાની યુવતીને કેમિકલ એન્જિનયર તરીકે ખોટી ઓળખ આપી છેતરી
- 2.62 લાખ પડાવી લેનાર સામે યુવતીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી
- નાઇઝિરિયન ગેંગના ત્રણ સાગરીતોને વડોદરા સાયબર સેલે દિલ્હીથી ઝડપી પાડયા
વડોદરાની યુવતી સાથે ફ્રેન્ડશિપ કરી 2.62 લાખની ઠગાઇ કરનાર નાઇઝિરિયન ગેંગના ત્રણ સાગરીતોને વડોદરા સાયબર સેલે દિલ્હીથી ઝડપી પાડયા બાદ તેમના રિમાન્ડ પુરા થતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
2.62 લાખ પડાવી લેનાર ઠગ સામે યુવતીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી
વડોદરાની યુવતીને કેમિકલ એન્જિનયર તરીકે ખોટી ઓળખ આપ્યા બાદ પાર્સલ છોડાવવા તેમજ મશીનરી ખરીદવાના નામે મદદ માંગી 2.62 લાખ પડાવી લેનાર ઠગ સામે યુવતીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે દિલ્હીમાંથી લેઝુઓ ઓબિઓમા જહોન, જિબ્રિલ મોહંમદ (બંને રહે. સંતનગર, બુરારી, દિલ્હી મૂળ નાઇઝિરિયા) અને એગબુલ્લે ઇકેન્ના (યુનિટેકહોરાઇઝન હાઉસ,ગ્રેટર નોઇડા,યુપી મૂળ નાઇઝિરિયા) ને ઝડપી ત્રણ મોબાઇલ કબજે લીધા હતા. જેમાં 500 જેટલા એકાઉન્ટ તેમજ આ એકાઉન્ટો માટે 900 જેટલી ફરિયાદો થઇ હોવાની તેમજ 15 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાની માહિતી બહાર આવી હતી.
નાઇઝિરિયન ઠગોને ઓળખવા દિલ્હીમાં બાતમીદાર ઉભા કર્યા
નાઇઝિરિયન ઠગોને ઓળખવા દિલ્હીમાં બાતમીદાર ઉભા કર્યા, સાદાવેશમાં વોચ રાખી વડોદરા સાયબર સેલે નાઇઝિરિયન ગેંગને પકડવા માટે બે મહિનાથી દિલ્હીમાં આંટાફેરા માર્યા હતા. વડોદરાની યુવતીના 2.62 લાખ જે બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા તે બેન્ક એકાઉન્ટનો ધારક દિલ્હીનો એક સ્ટુડન્ટ હતો. પોલીસે તેનો જ ઉપયોગ કર્યો હતો અને એક નાઇઝિરિયનને ઓળખી લીધો હતો.
12 કલાકની જહેમત બાદ ત્રણેય ઠગ ફ્લેટમાંથી નીચે ઉતરતાં ઝડપી પાડયા
ત્યારબાદ પોલીસે ઠગો ક્યાં રહે છે અને તેમની ઉઠકબેઠક ક્યાં છે, શું પ્રવૃત્તિ કરે છે જેવી માહિતી માટે બાતમીદારો ઉભા કર્યા હતા. છેલ્લા બે દિવસથી ઠગોની અવરજવરની માહિતી મળતાં પોલીસે વોચ રાખી હતી. 12 કલાકની જહેમત બાદ ત્રણેય ઠગ ફ્લેટમાંથી નીચે ઉતરતાં ઝડપી પાડયા હતા. આ પૈકી એક ઠગ છટકી જતાં પીઆઇ બીએન પટેલે 200 મીટર સુધી દોટ મુકીને તેને દબોચી લીધો હતો.
આ પણ વાંચો: ગાંધીનગર નજીક ગમખ્વાર અકસ્માત, કાર અને ટ્રકની ટક્કરમાં 2 યુવાનોના મૃત્યુ