ટ્રેન્ડિંગનેશનલ

કાનપુરમાં દારૂના નશામાં પત્નીએ પતિની કરી હત્યા: પથ્થર અને કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધો, પુરાવા ભૂંસતા ઝડપાઈ

ઉત્તર પ્રદેશ: 4 જાન્યુઆરી, 2026: ​ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલાએ દારૂના નશામાં થયેલા ઝઘડા બાદ તેના પતિની નિર્મમ હત્યા કરી નાખી છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​શું હતી ઘટના?

કાનપુરના કલ્યાણપુર વિસ્તારના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર આશુતોષ કુમારે જણાવ્યું કે, આ ઘટના બિઠૂરના ટિકરા ગામમાં બુધવારે રાત્રે બની હતી. આરોપી મહિલા વીરાંગનાએ તેના 45 વર્ષીય પતિ પપ્પુ પર પહેલા પથ્થરથી હુમલો કર્યો અને ત્યારબાદ કુહાડી વડે માથામાં ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પપ્પુનું ગુરુવારે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

​નશાની લત બની કાળ

પોલીસ પૂછપરછમાં મહિલાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે જણાવ્યું કે તેનો પતિ અવારનવાર દારૂ પીને ઝઘડો કરતો હતો. ઘટનાની રાત્રે પણ બંને દારૂના નશામાં ધૂત હતા. દરમિયાન, મૃતકની માતા (સાસુ) એ આરોપ લગાવ્યો છે કે વીરાંગના લગ્ન પહેલાથી જ દારૂ પીવાની આદત ધરાવતી હતી અને અવારનવાર નશામાં રહેતી હતી.

​અકસ્માત બતાવવાનો નિષ્ફળ પ્રયાસ

હત્યા કર્યા બાદ આરોપી મહિલાએ આ ઘટનાને અકસ્માત તરીકે દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે તેના સાસુ-સસરાને જાણ કરી કે પપ્પુ ઘાયલ થયો છે. જોકે, જ્યારે સાસુ-સસરા ઘરે પહોંચ્યા ત્યારે તેમણે વીરાંગનાને ફ્લોર પરથી લોહી સાફ કરતા રંગેહાથ પકડી પાડી હતી.

​પોલીસ કાર્યવાહી

મૃતકના ભાઈ સંતોષની ફરિયાદના આધારે પોલીસે BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ ૧૦૫ હેઠળ ગુનો નોંધી શુક્રવારે વીરાંગનાની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Back to top button