
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબિહાર વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ અન્ય લોકોની શોધમાં ઓપરેશન શરૂ કર્યું છે. બંનેની ઓળખ કરવામાં આવી રહી છે. સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક પોલીસને જિલ્લાના થાજીવારા વિસ્તારમાં શંકાસ્પદ લોકોની હાજરીની માહિતી મળી હતી. જે બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસને એક છુપાયેલા સ્થળ પાસે થોડી હિલચાલ જોવા મળી. જે બાદ ગોળીબાર શરૂ થયો હતો. પોલીસે જવાબી કાર્યવાહી કરીને બે આતંકીઓને ઠાર કર્યા હતા.
ગઈકાલે પણ બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા
આ પહેલા ગઈકાલે મંગળવારે જ અનંતનાગ જિલ્લામાં જ સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ સુરક્ષા દળો પર હુમલા અને નાગરિકો પર અત્યાચારના અનેક કેસમાં સામેલ હતા, જેમાં બે ટેરિટોરિયલ આર્મીના જવાનોની હત્યાનો સમાવેશ થાય છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, અનંતનાગના પોશ્કરી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી હતી.
બંને આતંકવાદીઓ સ્થાનિક હોવાનું ખુલ્યું
સુરક્ષા દળો દ્વારા તેઓની ઓળખ મેળવવામાં આવી હતી જેમાં તેમની ઓળખ જબલીપોરા બિજબિહારના દાનિશ અહેમદ ભટ ઉર્ફે કોકબ અને ફતેહપોરા અનંતનાગના બશરત નબી લોન તરીકે થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા બંને આતંકવાદીઓ 2019થી સક્રિય હતા. તેઓ 6 જૂન, 2019 ના રોજ ટેરિટોરિયલ આર્મી જવાન સદૂરા અનંતનાગ નિવાસી મંજૂર અહેમદ અને 9 એપ્રિલ, 2021 ના રોજ બિજબિહારના મોહમ્મદ સલીમની હત્યામાં સામેલ હતા. આ સાથે, 29 મે 2021 ના રોજ, જબલીપોરા બિજબિહારમાં બે નાગરિકોની હત્યામાં પણ સામેલ હતો. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક એકે 56 રાઈફલ, 35 ગોળીઓ, બે મેગેઝીન, એક પિસ્તોલ અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી.
સફરજનના બગીચામાં IED છુપાવવામાં આવ્યો હતો
આતંકવાદીઓની હાજરીની માહિતી પર શ્રીનગરના બહારના ભાગમાં ખોનમોહમાં સફરજનના બગીચામાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તલાશી દરમિયાન આતંકવાદીઓ દ્વારા છુપાયેલો 30-35 કિલો વજનનો IED મળી આવ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવ્યા બાદ તરત જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે આ રિકવરીથી IED હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે. સૂત્રોનું કહેવું છે કે સુરક્ષા દળોને નિશાન બનાવવાના કાવતરાના ભાગરૂપે આઈઈડી છુપાવવામાં આવી હતી.












