ઝાંસીમાં ‘શ્રદ્ધા મર્ડર કેસ’ જેવી ક્રૂરતા: પતિએ ત્રીજી પત્નીની હત્યા કરી લાશના ટુકડા કર્યા, ટેક્સી ચાલકની સતર્કતાથી ખુલ્લો પડ્યો ભેદ

ઉત્તર પ્રદેશઃ 18 જાન્યુઆરી, 2026: ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી એક એવો ગુનો સામે આવ્યો છે જેણે માનવતાને શરમાવી દીધી છે. સંબંધોની મર્યાદા અને વિશ્વાસને કચડી નાખનારી આ ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે. એક શખ્સે તેની ત્રીજી પત્નીની નિર્મમ હત્યા કરી, ત્યારબાદ ઓળખ છુપાવવા માટે લાશના ટુકડા કરી તેને સળગાવવાનો પ્રયાસ કર્યો. જોકે, ટેક્સી ચાલકની સતર્કતાને કારણે આ ખૌફનાક પાપનો પર્દાફાશ થયો છે.
અધધધ ક્રૂરતા: અડધી રાત્રે રહસ્યમય વાદળી પેટી આ સનસનાટીભરી ઘટના સીપરી બજાર વિસ્તારના બ્રહ્મ નગરની છે. મોડી રાત્રે મિનર્વા ચોક પર તૈનાત પોલીસને એક ટેક્સી ચાલકે ચોંકાવનારી માહિતી આપી. ચાલકે જણાવ્યું કે, બ્રહ્મ નગરમાંથી એક વ્યક્તિએ તેની ટેક્સી બુક કરાવી હતી અને એક વાદળી રંગનું બોક્સ (પેટી) મિનર્વા ચોક સુધી પહોંચાડવા કહ્યું હતું. ચોંકાવનારી વાત એ હતી કે, બોક્સ મોકલનાર વ્યક્તિ પોતે ટેક્સીમાં બેસવાને બદલે પાછળ-પાછળ ચાલતો આવતો હતો, પરંતુ રસ્તામાં તે અચાનક ગાયબ થઈ ગયો. થોડે દૂર ગયા બાદ ટેક્સી ચાલકે જોયું કે પેટીમાંથી પાણી ટપકી રહ્યું હતું અને અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. શંકા જતાં તેણે તરત જ પોલીસને જાણ કરી.
પેટી ખોલતા જ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ
પોલીસે જ્યારે ઘટનાસ્થળે પહોંચીને એ વાદળી પેટી ખોલી, ત્યારે ત્યાં હાજર દરેક વ્યક્તિના હોશ ઉડી ગયા. પેટીની અંદર એક મહિલાના શરીરના કપાયેલા ટુકડા ભરેલા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીએ લાશના અન્ય ભાગોને પહેલા જ સળગાવીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પતિએ તેની ત્રીજી પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા માટે આ ખૌફનાક કાવતરું ઘડ્યું હતું. હાલમાં પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે અને ફોરેન્સિક ટીમ પુરાવા એકત્ર કરી રહી છે.












