25 મે, ચેન્નાઈ: આજકાલ રાહુલ દ્રવિડના સ્થાને ટીમ ઇન્ડિયાના આગલા કોચ કોણ હશે તે અંગે જબરી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં ઘણા બધા દેશી અને વિદેશી પૂર્વ ખેલાડીઓના નામો પણ ઉછળી રહ્યા છે. આવામાં ટીમ ઇન્ડિયાના કોચ બાબતે BCCIના સેક્રેટરી જય શાહની એક મહત્વની સ્પષ્ટતા સામે આવી છે.
જય શાહે કહ્યું હતું કે, ‘મેં અથવા BCCIએ ભારતીય ટીમના આગામી કોચ બનવા માટે એક પણ પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીનો સંપર્ક સાધ્યો નથી.’ આ સ્પષ્તા કરવા સાથે જય શાહે એ બાબત ઉપર પણ ધ્યાન દોર્યું હતું કે BCCI કેવી રીતે ટીમ ઇન્ડિયાના કોચ બાબતે અને તેની પસંદગી બાબતે ધ્યાન રાખતું હોય છે.
જય શાહનું કહેવું હતું કે, ‘આપણી નેશનલ ટીમ માટે યોગ્ય કોચ શોધવાની જે પ્રક્રિયા છે તે અત્યંત ઝીણવટભરી હોય છે. આ ઉપરાંત જે પણ વ્યક્તિએ ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે અરજી કરી હોય છે તેના વિશે સંપૂર્ણ માહિતી પણ એકઠી કરવામાં આવતી હોય છે. આ માટે અમે એવા વ્યક્તિઓને શોર્ટ લિસ્ટ કરતા હોઈએ છીએ જેમને ભારતીય ક્રિકેટના માળખા અંગે ઊંડું જ્ઞાન હોય છે અને જેઓ સફળતાના પગથિયાં એક પછી એક ચડ્યા હોય છે.’
જય શાહે એમ પણ કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાના કોચ માટે એ જરૂરી છે કે તેને સ્થાનિક ભારતીય ક્રિકેટનું ઊંડું જ્ઞાન હોય અને તેમાં રમતા ખેલાડીઓમાંથી કયા ખેલાડીને નેશનલ ટીમમાં લઇ આવવો એ બાબતે નિર્ણય લેવાની શક્તિ પણ તેનામાં હોવી જરૂરી છે. અમે એવા વ્યક્તિને પસંદ કરીએ છીએ જેનામાં ટીમ ઈન્ડિયાને નેક્સ્ટ લેવલ પર લઇ જવાની ક્ષમતા હોય.’
છેલ્લા અમુક દિવસોથી ટીમ ઇન્ડિયાના કોચ તરીકે પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ રિકી પોન્ટિંગ અને જસ્ટિન લેંગરના નામ ખૂબ ચર્ચામાં રહ્યા છે. જો કે રિકી પોન્ટિંગે સ્પષ્ટતા કરી હતી કે IPL દરમ્યાન તેની BCCIના ઉચ્ચ અધિકારીઓ સાથે આ બાબતે કોઈ ગંભીર ચર્ચા નથી થઇ, પરંતુ તેઓ આ પદ માટે હું કેટલો ઉત્સાહિત છું તેની તપાસ કરી રહ્યા હતા એવું હું માનું છું.
રિકી પોન્ટિંગે ટીમ ઇન્ડિયાના કોચ માટે પોતે પોતાની હાલની લાઈફસ્ટાઈલ બદલી શકે તેમ નથી તેમ જણાવ્યું હતું જ્યારે જસ્ટિન લેંગરે એમ કહીને ના પાડી દીધી હતી કે આ એક અત્યંત થકવી નાખતી જોબ છે.