જાપાનનું મૂન મિશન પાંચ મહિનાની યાત્રા પૂર્ણ કરીને આજે રાત્રે ચંદ્ર પર ઉતરશે
- જાપાનનું SLIM મૂન મિશન આજે રાત્રે લગભગ 8:50 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે
- SLIM મૂન મિશન ચંદ્ર પર ઉતરવામાંં સફળ થશે તો જાપાન સોફ્ટ લેન્ડિંગ કરનાર પાંચમો દેશ બની જશે
જાપાન, 19 જાન્યુઆરી: જાપાને 6 સપ્ટેમ્બર 2023ના રોજ તેનું મૂન મિશન SLIM ચંદ્ર પર મોકલ્યું હતું, જેને પાંચ મહિના થઈ ગયા છે ત્યારે હવે તે આજે રાત્રે એટલે કે 19 જાન્યુઆરી, 2024 ના રોજ રાત્રે 8:50 વાગ્યાની આસપાસ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે. જો તે સફળ થાય છે, તો જાપાન ચંદ્રની સપાટી પર ઉતરનાર પાંચમો દેશ બની જશે. આ જાણકારી જાપાની સ્પેસ એજન્સી JAXA દ્વારા આપવામાં આવી છે.
ચંદ્ર મિશનની તપાસ માટે જાપાનના SLIM એટલે કે સ્માર્ટ લેન્ડરે ઉતરાણ માટે 600×4000 કિમીનો વિસ્તાર શોધ્યો છે. આ વિસ્તાર ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રમાં સ્થિત છે. જાપાનને આશા છે કે આ વાહન ચંદ્રની સપાટી પર ઉતરવાના લક્ષ્યના 100 મીટરની અંદર ઉતરશે.
ઉતરાણ સ્થળ શિઓલી ક્રેટર છે. અગાઉ, જ્યારે રશિયાએ ઉતાવળ બતાવી ત્યારે તેનું લુના-25 મૂન મિશન ચંદ્ર પર ક્રેશ થયું હતું. ભારતના ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ થયું. જેની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી. જાપાને પણ 06 સપ્ટેમ્બર 2023ની સવારે તાંગેશિમા સ્પેસ સેન્ટરના યોશિનોબુ લોન્ચ કોમ્પ્લેક્સથી મૂન મિશન લોન્ચ કર્યું હતું. એક્સ-રે ઇમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપી મિશન (XRISM) પણ SLIM સાથે ગયું છે.
નીચે આપેલ વિડિયો લિંક પર તમે લાઈવ લેન્ડિંગ જોઈ શકો છો
લેન્ડિંગ થયા પછી તેનું કામ શું હશે?
જાપાનનું ચંદ્ર પર મોકલેલ મૂન મિશન લેન્ડિંગ પછી તે સ્લિમ ચંદ્રની સપાટી પર રહેલા ઓલિવિન પત્થરોની તપાસ કરશે, જેથી ચંદ્રની ઉત્પત્તિ જાણી શકાય. તેની સાથે કોઈ રોવર મોકલવામાં આવ્યું નથી, તેની સાથે XRISM સેટેલાઇટ મોકલવામાં આવ્યું છે, જે ચંદ્રની આસપાસ ફરશે. તે જાપાન, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. તે ચંદ્ર પર વહેતા પ્લાઝ્મા પવનોની તપાસ કરશે, જેથી કરીને બ્રહ્માંડમાં તારાઓ અને આકાશગંગાની ઉત્પત્તિ જાણી શકાશે.
આ પણ વાંચો: દુનિયાના કેટલાક અનોખા ઇંન્વેન્શન, જે ખૂબ જ રોચક છે