ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીર ઘાટીમાં ‘ટાર્ગેટ કિલિંગ’: રાહુલ ભટ્ટ બાદ SPOની હત્યા, 24 કલાકમાં સેનાએ લીધો બદલો

Text To Speech

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે બડગામ જિલ્લામાં રાહુલ ભટ્ટની સરાજાહેર હત્યા બાદ આતંકીઓએ વધુ એક હત્યાને અંજામ આપ્યો છે. પુલવામામાં આતંકીઓએ સ્પેશિયલ પોલીસ ઓફિસર રિયાઝ અહમદ પર અંધાધૂંધ ગોળીબાર કરી ખૂની ખેલ ખેલ્યો. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા SPO અહદમ રિયાઝનું મોત નિપજ્યું છે.

સુરક્ષાદળોએ લીધો રાહુલની હત્યાનો બદલો
જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા બાદ તેમની પત્નીને કરેલો વાયદો ભારતીય સેનાએ પૂરો કર્યો છે. સુરક્ષાદળોએ રાહુલની પત્ની મીનાક્ષાને બે દિવસની અંદર આતંકીઓને ઠાર કરી દેવાની ખાતરી આપી હતી. ત્યારબાદ, શરૂ કરેલા ઓપરેશનમાં સેનાએ ઘટનાના 24 કલાકની અંદર જ રાહુલની હત્યામાં સામેલ ત્રણ આતંકીઓને બાંદીપોરામાં ઠાર કરી હત્યાનો બદલો લીધો છે.

24 કલાકમાં સેનાએ લીધો બદલો

હત્યારા આતંકીઓની થઈ ઓળખ
રાહુલ ભટ્ટની હત્યામાં સંડોવાયેલા બન્ને આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. ઠાર કરાયેલા બે આતંકીઓની ઓળખ ફૈસલ અને સિકંદર તરીકે થઈ છે. બન્ને આતંકી પાકિસ્તાની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનામાં સામેલ ત્રીજો આતંકી ગુલઝાર અહમદ છે. જેની ઓળખ 11મેના દિવસે જ થઈ ગઈ હતી. કાશ્મીરના આઈજીના કહેવા મુજબ, તાજેતરમાં આતંકી સંગઠન લશ્કરના બે આતંકવાદી ભારતમાં ઘુસ્યા હતા. બાંદીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. 11મેના દિવસે એન્ટી ટેરરિસ્ટ ઑપરેશન દરમિયાન બન્ને આતંકી ભાગીને સાલિંદર વનક્ષેત્રમાં છૂપાઈ ગયા હતા.

ગુરૂવારે રાહુલ ભટ્ટની કરાઈ હતી હત્યા
બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં આવેલી તહસીલ ઓફિસમાં ગુરૂવારના દિવસે કેટલાક આતંકીઓ હથિયારો સાથે ઘુસી ગયા અને રાહુલ ભટ્ટ વિશે પૂછપરછ કરી. તેની ઓળખ કર્યા બાદ આતંકીઓએ રાહુલ ભટ્ટ પર ગોળીબાર કર્યો. લોહી લુહાણ હાલતમાં રાહુલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ, તબીબો તેને બચાવી શક્યા નહીં. ઘટના બાદ રાહુલના પરિવારમાં માતમ છવાઈ ગયો. હૈયાફાટ રૂદન કરતી પત્ની, માતા અને પિતાએ ન્યાયની માંગણી કરી છે.

રાહુલના પરિવારમાં હૈયાફાટ રૂદન

રાહુલના પિતાએ લગાવ્યો આરોપ
રાહુલના પિતાએ ઘટનાની તપાસ કરવાની માગ સાથે આતંકીઓએ ષડયંત્ર રચીને તેમના પુત્રની હત્યા કર્યાનો આરોપ લગાવ્યો છે. રાહુલના પિતાએ કહ્યું કે, ઘટના સમયે રાહુલની ઓફિસમાં 100થી વધુ લોકો હતા. પરંતુ, તે બધા લોકોમાંથી માત્ર રાહુલની જ હત્યા કેમ થઈ ?

ઘટના બાદ ઘાટીના લોકોમાં રોષ
24 કલાકમાં બનેલી ‘ટાર્ગેટ કિલિંગ’ની બબ્બે ઘટનાઓ બાદ ઘાટીમાં રહેતા કાશ્મીરી પંડિતોમાં રોષનો માહોલ છે. કાશ્મીરી પંડિતોની સુરક્ષા અને ન્યાય મળે તે માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે માંગણી કરવામાં આવી છે.

Back to top button