જમ્મુ-કાશ્મીર: પૂંછમાં બે પાકિસ્તાની ડ્રોન ઉડતા જોવા મળ્યા, સેનાએ ગોળીબાર કર્યો
- આજે વહેલી સવારે લગભગ 6:30 વાગે બાલનોઈ-મેંધાર વિસ્તારમાં બે પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા
- ડ્રોન દેખાતા જ હાજર સૈનિકોએ ગોળીબાર કરી ડ્રોનને પાછા ભગાડ્યા
જમ્મુ, 16 ફેબ્રુઆરી: જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં બે અલગ-અલગ સ્થળોએ નિયંત્રણ રેખા (એલઓસી) ની રક્ષા કરતા સૈનિકોએ શુક્રવારે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવા માટે ગોળીબાર કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય ક્ષેત્રના બાલનોઈ-મેંધાર અને ગુલપુર વિસ્તારમાં ડ્રોન ઉડતા જોવા મળ્યા બાદ સેનાએ ગોળીબાર કર્યો, ત્યારબાદ તેઓ પાકિસ્તાનની સરહદ તરફ પાછા ફર્યા.
સેનાએ ડ્રોન પર ગોળીઓ વરસાવી
અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે સવારે લગભગ 6.30 વાગે મેંધરના બાલનોઈ વિસ્તારમાં બે ડ્રોનને પ્રવેશતા જોઈને સૈનિકોએ ગોળીબાર કર્યો, ત્યારબાદ દૂરથી ઉડતા ડ્રોન પાછા ફર્યા, પરંતુ ત્યાર બાદ ડ્રોન દ્વારા કોઈ હથિયારો કે કોઈ પણ પ્રકારનો માદક પદાર્થતો નથી છોડીને ગયાને તે ચેક કરવા સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ગુલપુર વિસ્તારમાં પણ બે ડ્રોન પણ ઉડતા જોવા મળ્યા
અધિકારીઓએ જણાવ્યું કે તે જ સમયે ભારતીય સેનાના જવાનોએ ગુલપુર વિસ્તારમાં બે ડ્રોનને ઉડતા જોઈને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સ અને હથિયારો છોડવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે તાજેતરમાં શસ્ત્રો અને માદક દ્રવ્યોને છોડવાના ઉદ્દેશ્ય સાથે સરહદ પારથી ઉડેલા ડ્રોન વિશે માહિતી આપનાર માટે 3 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.
રવિવારે પણ પાક ડ્રોન ઘુસ્યા હતા
એક અઠવાડિયા પહેલા પણ સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પાસે પાકિસ્તાની ડ્રોન પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ડ્રોન થોડા સમય માટે ભારતીય વિસ્તારમાં ફર્યા બાદ રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન પરત ફર્યું હતું. તેમણે કહ્યું કે મેંધરના નાર માનકોટ વિસ્તારમાં દુશ્મન ડ્રોનની પ્રવૃત્તિ જોવા મળી હતી, જેના પગલે નિયંત્રણ રેખા પર તૈનાત સૈનિકોએ તેને નીચે લાવવા માટે તેના પર ઓછામાં ઓછી ત્રણ ગોળીઓ ચલાવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય સૈનિકો દ્વારા ફાયરિંગ કર્યા બાદ ડ્રોન પાકિસ્તાન તરફ પરત ફર્યું હતું.
આ પણ વાંચો: ભારતીય વિદ્યાર્થીઓ પર થતા હુમલાથી US સરકાર ચિંતિત હોવાનો વ્હાઈટ હાઉસનો દાવો