IPL-2024વિશેષસ્પોર્ટસ

RCB અને CSK વચ્ચેની મેચમાં શું થશે તેની ભવિષ્યવાણી કરે છે પઠાણ

Text To Speech

17 મે, મુંબઈ: દેશભરના તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર જેના પર મંડાઈ ગઈ છે તે છે RCB અને CSK વચ્ચેની મેચ જે આવતીકાલે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં રમાશે. જેમ સામાન્ય ક્રિકેટ પ્રેમી આ મેચ  બાબતે અતિશય ઉત્સાહિત છે એવી જ રીતે પૂર્વ ક્રિકેટર અને હવે કોમેન્ટેટર ઈરફાન પઠાણ પણ એટલોજ ઉત્સાહિત છે.

પઠાણે IPLનું બ્રોડકાસ્ટ કરતી ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘RCB અને CSK વચ્ચેની મેચ સરળ નહીં હોય. કશું પણ સરળ નહીં હોય. બંને ટીમો માટે આ મેચ જીતવી અઘરી હશે. RCB અત્યારે ફોર્મમાં છે, ભરપૂર ફોર્મમાં છે. અને જો તેઓ આ ફોર્મને જાળવી રાખશે અને આ મેચ જીતીને પ્લેઓફ્સમાં ક્વોલીફાય થઇ જશે તો બાકીની ત્રણ ટીમો માટે તે ખતરારૂપ બનશે કારણકે આ પ્રકારની ટીમો જે ફોર્મ સાથે પ્લેઓફ્સમાં આવે છે તે કાયમ ખતરનાક બની જતી હોય છે.’

CSK વિશે પઠાણે કહ્યું હતું કે CSK એક એવી ટીમ છે જેને મુશ્કેલ પરિસ્થિતિઓમાં કેમ જીતવું તે આવડે છે અને તેને તેનો અનુભવ પણ છે. પરંતુ અત્યારે તેમને ઘણી બધી તકલીફો છે. ટીમના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે અને કેપ્ટન પણ નવો છે. ધોની આ વખતે કેપ્ટનને એક્ટિવ રહીને મદદ નથી કરતો.

ઈરફાન પઠાણનું માનવું છે કે આ વખતે ધોની કોઈક વખત ફિલ્ડ ગોઠવતો હોય તેવું જરૂર જોવા મળે છે, પરંતુ એવી રીતે નહીં જ્યારે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો ત્યારે ધોની સતત ફિલ્ડીંગ ઉપર નજર રાખતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત આ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે અને કદાચ ન પણ હોય. આમ આ રીતે આ મેચનો ડ્રામા વધુ હાઈવોલ્ટેજ બનશે તેવી ખાતરી ઈરફાન પઠાણે ઉચ્ચારી હતી.

ઈરફાન પઠાણે RCBના મોહમ્મદ સિરાજની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે છેલ્લી અમુક મેચોથી સિરાજ ખૂબ યોર્કર નાખી રહ્યો છે જે RCBના બોલિંગ એટેકને વધુ ધાર આપે છે.

છેવટે જ્યારે ઈરફાન પઠાણને પોતાની ઈચ્છા જાહેર કરવાનું કહેવામાં આવ્યું ત્યારે પઠાણે કહ્યું હતું કે મારી તો બે જ ઈચ્છા છે, એક વિરાટ કોહલી ઘણા બધા રન કરે અને ધોની થોડા ઉપરના ક્રમે આવીને બેટિંગ કરે. કારણકે પ્લેઓફ્સમાં ક્વોલીફાય થવા માટે આ બંને થવું અત્યંત જરૂરી છે.

Back to top button