અમેરિકા સાથેના કરારને લઈને ઈરાનમાં બળવો, “અરાઘચી રાજીનામું આપો”ના નારા સાથે રસ્તા પર ઉતર્યા લોકો

Iran Peace Deal: અમેરિકા સાથે પ્રસ્તાવિત શાંતિ કરારને લઈને ઈરાનમાં રાજકીય વિવાદ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના એક ટીવી ઇન્ટરવ્યુ બાદ દેશના કટ્ટરપંથી જૂથોનો વિરોધ ખુલ્લેઆમ સામે આવ્યો છે. ઉત્તર-પૂર્વના શહેર મશહદમાં ડઝનો પ્રદર્શનકારીઓએ વિદેશ મંત્રાલયના કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને “અરાઘચી રાજીનામું આપો” તેમજ “અરાઘચી મુર્દાબાદ” જેવા નારા લગાવ્યા. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પ્રસ્તાવિત કરાર ઈરાનના વ્યૂહાત્મક હિતો વિરુદ્ધ છે અને સરકારે અમેરિકાને જરૂર કરતાં વધુ છૂટછાટો આપી દીધી છે.
વિદેશ મંત્રાલયના કાર્યાલયની બહાર હિંસક વિરોધ પ્રદર્શન
ફાર્સ ન્યૂઝ એજન્સી દ્વારા શેર કરાયેલા એક વિડીયોમાં મહિલાઓ કાળી ચાદર પહેરીને અને લાલ અને કાળા ઝંડા લહેરાવીને વિદેશ મંત્રાલયના કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન, ભીડે વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તેમના રાજીનામાની માંગ કરી.
Hardline Iranians have been protesting throughout the day against Foreign Minister Abbas Araghchi and Parliament Speaker Ghalibaf over the emerging U.S.-Iran deal. Demonstrators chanted “Death to Araghchi, the dishonorable compromiser,” “Araghchi, have shame, stop giving in,” and… pic.twitter.com/PRQrYfTxno
— Open Source Intel (@Osint613) June 13, 2026
શાંતિ કરારનો કટ્ટરપંથી જૂથો કરી રહ્યા છે વિરોધ
ઈરાનના કટ્ટરપંથી રાજકીય જૂથોનું કહેવું છે કે અમેરિકા સાથે પ્રસ્તાવિત શાંતિ કરારની હાલની શરતો તેહરાનના વ્યૂહાત્મક હિતોને નબળા પાડે છે. આ કરારના કારણે ઈરાનની હોર્મુઝ સ્ટ્રેટ પરની પકડ નબળી થઈ શકે છે, જે દેશની સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક શક્તિઓમાંની એક છે.
વિરોધી જૂથોનું માનવું છે કે સરકારે અમેરિકા સામે વધુ પડતી નરમાઈ દાખવી છે અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કર્યું છે. આ મુદ્દે ઈરાનમાં રાજકીય તણાવ સતત વધી રહ્યો છે અને સરકારને પોતાના જ સમર્થક વર્ગમાંથી કડક વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
ટીવી ઇન્ટરવ્યૂ બાદ વિવાદ વધુ ઘેરાયો
વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે રાજ્ય સંચાલિત ટીવી પર પ્રસારિત એક ઇન્ટરવ્યૂમાં વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે પ્રસ્તાવિત શાંતિ કરારમાં અમેરિકાની નૌકાદળ દ્વારા લગાવવામાં આવેલી નાકાબંધી હટાવવાનો પણ સમાવેશ છે. અમેરિકા દ્વારા આ નાકાબંધી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં કરેલી કાર્યવાહી બાદ લાગુ કરવામાં આવી હતી.
અરાઘચીએ વધુમાં કહ્યું કે, “હોર્મુઝ સ્ટ્રેટનું સંચાલન હવે પહેલાની જેમ નહીં રહે,” જોકે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ વિસ્તાર હજુ પણ ઈરાનની મુખ્ય પ્રતિરોધક અને વ્યૂહાત્મક રણનીતિનો મહત્વપૂર્ણ ભાગ રહેશે. તેમના આ નિવેદન બાદ કટ્ટરપંથી જૂથોમાં વધુ નારાજગી ફેલાઈ છે અને સરકાર પર અમેરિકા સામે વધુ પડતી છૂટછાટ આપવાનો આરોપ વધુ તેજ બન્યો છે.
તેહરાનમાં પણ વિરોધ પ્રદર્શનના સમાચાર
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયોમાં રાજધાની તેહરાન સ્થિત વિદેશ મંત્રાલયના મુખ્યાલય બહાર પણ લોકો ભેગા થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાતા પ્રદર્શનકારીઓ “અરાઘચી રાજીનામું આપો” ના નારા લગાવતા અને સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફના પણ રાજીનામાની માંગ કરતા જોવા મળ્યા.
પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સરકાર અમેરિકા સાથેની વાટાઘાટોમાં ઈરાનના હિતો સાથે સમાધાન કરી રહી છે. નોંધનીય છે કે ગાલિબાફ આ શાંતિ વાટાઘાટ પ્રક્રિયામાં મુખ્ય વાટાઘાટકાર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે, જેના કારણે તેઓ પણ વિરોધીઓના નિશાને આવ્યા છે.
સમજૂતીની સમયરેખા અંગે હજુ પણ અનિશ્ચિતતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના અધિકારીઓએ દાવો કર્યો છે કે આ શાંતિ કરારને રવિવાર સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. આ માટે ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર સમારોહની તૈયારીઓ પણ ચાલી રહી છે. જોકે, ઈરાન સરકાર આ સમયમર્યાદાને લઈને હજુ સાવચેત દેખાય છે. તેહરાન તરફથી કોઈ સ્પષ્ટ પુષ્ટિ કરવામાં આવી નથી અને સરકારના વલણ પરથી એવું લાગી રહ્યું છે કે કરારની કેટલીક મહત્વપૂર્ણ શરતો અંગે હજુ ચર્ચા અને સહમતિની પ્રક્રિયા ચાલુ છે.
ઈરાનના વિદેશ મંત્રાલયે તાત્કાલિક કરારની શક્યતા નકારી
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઈએ તાત્કાલિક શાંતિ કરાર થવાની શક્યતાને નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “આવતીકાલે આ કરાર નહીં થાય.” જોકે, તેમણે એ સંકેત પણ આપ્યો કે આગામી થોડા દિવસોમાં વાટાઘાટો પૂર્ણ થયા બાદ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેની ચર્ચાઓ આગળ વધી રહી છે, પરંતુ હજુ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બાકી છે.
આ પણ વાંચો: દુનિયાનું એવું ગામ જ્યાં દરેક ઘરમાં છે ટ્વિન બાળકો, કારણ જાણીને ચોંકી જશો












