IPL-2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2024 : જાડેજા અને ધોનીની તોફાની ઈનિંગ, લખનૌને મળ્યો 177નો ટાર્ગેટ

Text To Speech

લખનૌ, 19 એપ્રિલ : આજે IPLની 34મી મેચમાં, પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) લખનૌ સુપરજાયન્ટ્સનો સામનો કરે છે. લખનૌના કેપ્ટન કેએલ રાહુલે આ મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને તેના બોલરોએ CSKને શરૂઆતના આંચકા આપીને કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કરવામાં વધુ સમય ન લીધો. જો કે, જાડેજા બીજા છેડેથી મક્કમ રહ્યો અને સ્થિર ઇનિંગ રમી, તેણે 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જાડેજાને મોઈન અલીનો પણ સારો સાથ મળ્યો જેણે 20 બોલમાં ત્રણ છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા. મોઈને રવિ બિશ્નોઈ પર સતત ત્રણ સિક્સર ફટકારી હતી, પરંતુ મોટો શોટ રમવાના પ્રયાસમાં આગલા જ બોલમાં તેની વિકેટ ગુમાવી દીધી હતી.

જાડેજાએ ફટકારી અડધી સદી

મોઈનના આઉટ થયા બાદ મેદાનમાં ઉતરેલા ધોનીએ ફરી એકવાર પોતાની બેટિંગ કૌશલ્ય સાબિત કરી હતી. તેણે 19મી ઓવર નાખવા આવેલા મોહસીન ખાન પર એક ફોર અને એક સિક્સર ફટકારી હતી, જ્યારે તેણે છેલ્લી ઓવરમાં બોલિંગ કરવા આવેલા યશ ઠાકુર પર બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને ટીમને પડકારજનક સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે એક સમયે ચેન્નાઈની બેટિંગ ખૂબ જ ધીમી ચાલી રહી હતી, પરંતુ અંતે CSKએ ગિયર્સ બદલ્યા અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની અણનમ અડધી સદી અને મહેન્દ્ર સિંહ ધોનીની શાનદાર ઈનિંગ્સની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપરજાયન્ટ્સ સામે જીતવા માટે 177 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

પંડ્યાએ 2 વિકેટ ઝડપી લીધી

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં છ વિકેટે 176 રન બનાવ્યા હતા. CSK માટે જાડેજાએ 40 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 57 રન બનાવ્યા હતા અને ધોનીએ નવ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 28 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી કૃણાલ પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી.

Back to top button