ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

આઇફોન યુઝર્સ પર ફરી મંડરાયું જોખમ! પેગાસસ જેવા નવા સ્પાયવેર હુમલોનું એપલે આપ્યું એલર્ટ

  • નવા સ્પાયવેરના હુમલોથી ફોન થઈ જશે હેક: એપલ 
  • ભારત સિવાય અન્ય 91 દેશોના યુઝર્સને પેગાસસ સ્પાયવેર જેવા હુમલાની ચેતવણી 

HD ન્યૂઝ ડેસ્ક, 11 એપ્રિલ: એપલે (Apple) ભારતમાં તેના કેટલાક યુઝર્સને તેમના iPhonesમાં જોખમને લગતી નવી ચેતવણી જારી કરી છે. આ સિવાય અન્ય 91 દેશોના કેટલાક યુઝર્સને પણ આ નોટિફિકેશન મોકલાવીને પેગાસસ સ્પાયવેર જેવા હુમલાની ચેતવણી આપી છે. ક્યુપર્ટિનોની કંપનીએ પોતાના યુઝર્સને ચેતવણી આપતા કહ્યું છે કે, તેમના iPhones ઇઝરાયેલી NSO ગ્રુપના વિવાદાસ્પદ પેગાસસ માલવેરની જેમ ‘ભાડૂતી સ્પાયવેર’ (Mercenary Spyware) દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે.

 

એપલે તાજેતરના હુમલાઓ માટે કોઈ હિતધારકને જવાબદાર ઠેરવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, ઑક્ટોબર 2023માં એપલે ભારતના તમામ પક્ષોના વિપક્ષી નેતાઓને સમાન નોટિફિકેશન મોકલ્યું હતું. આ નોટિફિકેશન કોંગ્રેસના શશિ થરૂરથી લઈને આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા અને TMCના મહુઆ મોઇત્રા સુધી દરેકને મોકલવામાં આવી હતી. આ નોટિફિકેશન તેના iPhone પર “સંભવિત રાજ્ય-પ્રાયોજિત સ્પાયવેર હુમલા” (potential state-sponsored spyware attack)  વિશે ચેતવણી આપે છે. ત્યારબાદ સરકારના દબાણને પગલે, Appleએ પછીથી સ્પષ્ટતા કરી હતી કે તે ” કંપની ખતરાની સૂચનાઓ માટે કોઈ ચોક્કસ રાજ્ય-પ્રાયોજિત હુમલાખોરને જવાબદાર ઠેરવતી નથી.”

ઉલ્લેખનીય છે કે, એપલે ભારતમાં આજે સવારે 12.30 વાગ્યે એક નવું થ્રેટ નોટિફિકેશન(Threat Notification)નો ઈમેલ યુઝર્સને મોકલ્યો છે. આ ઈમેલ તે યુઝર્સને મોકલવામાં આવ્યો છે જેમને પેગાસસ જેવા સ્પાયવેરનું જોખમ છે. હાલમાં એ ખબર નથી કે, એપલ દ્વારા કેટલા લોકોને ખતરાની ચેતવણી આપવામાં આવી છે. આ ઈમેલમાં NSO-ગ્રૂપના પેગાસસ સ્પાયવેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે, આ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ વિશ્વભરના લોકોને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

એપલનું નવું થ્રેટ નોટિફિકેશન

અહેવાલ મુજબ, આ ઈમેલનો વિષય છે – “ચેતવણી: એપલે તમારા આઇફોન પર લક્ષિત ભાડૂતી સ્પાયવેર એટેક શોધી કાઢ્યો છે (ALERT: Apple detected a targeted mercenary spyware attack against your iPhone)”

આ નોટિફિકેશન ઈમેલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘એપલને જાણવા મળ્યું છે કે તમને ભાડૂતી સ્પાયવેર એટેક દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે જેના કારણે તમારા Apple ID XXX સાથે સંકળાયેલો iPhone હેક થઈ શકે છે. આ હુમલો ખાસ કરીને તમને નિશાન બનાવવા માટે થઈ રહ્યો છે અને તેનું કારણ તમારું નામ અને તમારું કામ બંને જાણવાનો હોઈ શકે છે. જ્યારે આવા હુમલાઓ શોધતી વખતે સંપૂર્ણ નિશ્ચિતતા સાથે કંઈપણ શક્ય નથી, એપલ સંપૂર્ણ વિશ્વાસ સાથે ચેતવણી આપે છે કે કૃપા કરીને આને ગંભીરતાથી લો.”

એપલે થ્રેટના ઇમેલમાં વધુમાં જણાવ્યું હતું કે, NSO ગ્રુપના પેગાસસનો ઉપયોગ કરીને થતો હુમલો જેવો જ “ભાડૂતી સ્પાયવેર” હુમલો કે જે અસાધારણ રૂપે ખૂબ જ ઓછા થાય છે  અને નિયમિત સાયબર ક્રિમિનલ પ્રવૃત્તિ અથવા ઉપભોક્તા માલવેર કરતાં વધુ અત્યાધુનિક(sophisticated) હોય છે. આવા હુમલાઓમાં લાખો ડોલરનો ખર્ચ થાય છે અને તેનો ઉપયોગ બહુ ઓછા લોકો વિરુદ્ધ કરવામાં આવે છે, પરંતુ આ ટાર્ગેટ કરવાનું ચાલુ રહે છે અને સમગ્ર વિશ્વમાં વપરાશકર્તાઓને નિશાન બનાવવામાં આવે છે.”

એપલે યુઝર્સને તકેદારી રાખવા માટે અપીલ 

અગ્રણી ટેક્નોલોજી કંપની એપલે યુઝર્સને સાવચેત રહેવાની સલાહ આપી છે. આ સાથે જ મળેલી તમામ લિંકને લઈને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. અજાણ્યા લોકો પાસેથી મળેલી કોઈપણ લિંક અથવા જોડાણને ન ખોલવાની પણ સલાહ આપવામાં આવે છે. જો કે, એપલે સ્પષ્ટ કર્યું નથી કે કંપનીને શા માટે થ્રેટ નોટિફિકેશન જારી કરવું પડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એપલે 2021માં આવા થ્રેટ નોટિફિકેશન મોકલવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી અત્યાર સુધી 150 દેશોમાં આવા ઈમેલ મળ્યા છે. ગયા વર્ષે (2023), ઓછામાં ઓછા 20 ભારતીય iPhone વપરાશકર્તાઓને આ નોટિફિકેશન મળ્યું હતું.

આ પણ જુઓ: ટેસ્લાની ભારતમાં એન્ટ્રી ફાઈનલ! ઇલોન મસ્ક આવશે ભારત, PM મોદી સાથે કરશે મુલાકાત

Back to top button