રાજ્યમાં સૌથી દુ:ખદ એવી મોરબીના મચ્છુ નદી પર ઐતિહાસિક ઝૂલતો બ્રીજ તુટવાની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને રાજ્યમાં આવેલા તમામ રોપ-વે, ઓવર ક્રાઉડ જગ્યાઓ અને કેબલ બ્રીજની ફીટનેશ ચકાસણી માટે રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. જેની સાથે જ તહેવારો બાદ ફરી એકવાર રાજ્ય સરકારના આદેશના પગલે ફોરેન્સીક વિભાગથી લઈ મકાન વિભાગના અધિકારીઓ દોડતાં થયા છે.
આ પણ વાંચો : મોરબીઃ કઈ રીતે તૂટ્યો ઝૂલતો પુલ, CCTV ફુટેજથી સામે આવ્યા હ્રદયદ્રાવક દ્રશ્યો
આ માટે પોલીસ, માર્ગ અને મકાન વિભાગ અને ફોરેન્સીક વિભાગોને સ્થાનિક તંત્રના સંકલન સાથે ફીટનેશ સર્ટિફિકેટ સહિતની બાબતો તપાસવામાં આવશે. જે અનુસંધાનમાં દ્વારકામાં આવેલો કેબલ બ્રીજ સુદામાં બ્રીજ બંધ કરવામાં આવ્યો છે અને ફીટનેશ તપાસ્યા બાદ ફરીથી શરૂ કરવામાં આવશે. બીજી તરફ અટલબ્રીજ પર પ્રતિ કલાક ત્રણ હજાર લોકોને જ પ્રવેશ અપાશે.
દ્વારકાનો કેબલ બ્રીજ સુદામા સેતુ બંધ કરાયોઃ તમામ મહત્વના સ્થળના ફીટનેશ સર્ટિફિકેટ સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવશે. તેમજ જુનાગઢ, અંબાજી અને પાવાગઢમાં આવેલા રોપ વે, વિવિધ ફુટ ઓવર બ્રીજની ફીટનેશની ચકાસણી કરવા માટે જણાવવામાં આવ્યું છે. જેમાં તેની લોડીંગ ક્ષમતા, મજબુતાઇ, મટીરીયલ તપાસવા માટેની કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી છે. જે કામગીરીનો રિપોર્ટ પણ જે તે જિલ્લાના કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને સોંપવાનું કહેવામાં આવ્યું છે.
આ ઉપરાંત, દ્વારકા, પોરબંદરમાં બોટીંગ સમયે પણ ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડવામાં આવે છે. જેથી આ બોટીંગની કામગીરીનો રિપોર્ટ તૈયાર કરવા માટે સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી છે.ગુજરાતમાં પાવાગઢ, ડાકોર અને દ્વારકા અને સાંરંગપુર હનુમાન સહિતના અનેક મંદિરોમાં તહેવારો દરમિયાન મંદિરની ક્ષમતા કરતા વધારે લોકોને પ્રવેશ આપવામાં આવે છે. આવા સમયે ભાગદોડ થવાની શક્યતાને લઇને સ્થાનિક તંત્રએ અનેકવાર રિપોર્ટ પણ કર્યા છે. તેમ છંતાય, ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં ન આવતા મોટી દૂર્ઘટના બનવાની શક્યતા રહે છે.
આ પણ વાંચો : દુનિયાના 25 કરોડથી વધુ લોકોએ ગૂગલ પર “મોરબી” દુર્ઘટનાની માહિતી મેળવી