ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બંગાળમાં મહિલાઓ પર અમાનુષી અત્યાચારોથી દેશમાં ખળભળાટ

  • સંદેશખાલી હિંસામાં મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ  
  • તપાસ માટે DIG રેન્કની મહિલા અધિકારીના નેતૃત્વમાં 10 સભ્યોની ટીમ બનાવવામાં આવી
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું

કોલકતા, 13 ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળમાં હિંસાગ્રસ્ત સંદેશખાલીના મામલાને લઈને પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે ત્યાં હિંસાની ઘટનાઓની તપાસ માટે DIG રેન્કની મહિલા અધિકારીના નેતૃત્વમાં 10 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ સમગ્ર મામલાની તપાસ કરશે. સોમવારે, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પોલીસને હિંસા પ્રભાવિત સંદેશખાલીના લોકો તરફથી માત્ર ચાર ફરિયાદો મળી છે પરંતુ તેમાંથી કોઈપણ ફરિયાદમાં દુષ્કર્મ અથવા જાતીય સતામણી કે કોઈ સાંપ્રદાયિક મુદ્દાનો કોઈ ઉલ્લેખ નથી.’

મહિલાઓનો આરોપ છે કે, “તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓએ જાતીય સતામણી અને અત્યાચાર કર્યા છે. ફરાર TMC નેતા શેખ શાહજહાં અને તેના સહયોગીઓએ તેમનું યૌન શોષણ કર્યું છે.” આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ CM મમતા બેનર્જી પર આક્ષેપ મૂકતા શું કહ્યું?

 

મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, “બંગાળના સંદેશખાલીમાં કેટલીક મહિલાઓએ મીડિયાને સંબોધન કર્યું અને બંગાળીમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. હું આ બંગાળી સંબોધનમાં મહિલાઓએ ટીએમસીના ગુંડાઓ વિશે કહ્યું કે, “તેઓ ઘરે ઘરે જઈને જોતાં કે ક્યા ઘરની મહિલા સુંદર છે. ઉંમરમાં કોણ નાનું છે? મહિલાઓ બંગાળીમાં પત્રકારોને કહી રહી છે કે, તેમના પતિઓને TMCના ગુંડાઓએ કહ્યું હતું કે તમારી પત્ની પર તમારો કોઈ અધિકાર નથી. ટીએમસીના ગુંડા મહિલાઓને ઉપાડી જતા હતા અને પછી તેમને છોડતા ન હતા. બંગાળના સંદેશખાલીની દલિતો, ખેડૂતો, આદિવાસી અને માછીમાર મહિલાઓએ આજીજી કરતી વખતે આ બધી વાતો કહી છે.

સ્મૃતિ ઈરાનીએ દાવો કર્યો હતો કે, “TMC ચીફ મમતા બેનર્જી હિન્દુઓ પર અત્યાચાર કરવા માટે જાણીતા છે. ટીએમસી ઓફિસમાં પરિણીત હિન્દુ છોકરીઓને ઉઠાવીને દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. આ વાત શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી.” તેમણે વધુમાં કહ્યું કે, “સવાલ એ છે કે શું નાગરિકો અને નેતા તરીકે આપણે મૌન રહી શકીએ? અત્યાર સુધી બધા વિચારતા હતા કે શેખ શાહજહાં કોણ છે? હવે મમતા બેનર્જીએ આ સવાલનો જવાબ આપવો પડશે કે શેખ શાહજહાં ક્યાં છે?

તૃણમૂલે ભાજપ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર સાધ્યું નિશાન

તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર રાજ્યને સાંપ્રદાયિક ધોરણે વહેંચવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. ટીએમસીના નેતા અને મંત્રી બિરબાહા હંસદાએ કહ્યું કે, ‘અમે જાણીએ છીએ કે ભાજપ વિપક્ષ શાસિત રાજ્યોમાં દરેક ઘટનાનું રાજનીતિકરણ કરવા માંગે છે, પરંતુ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના રાજકીય ચશ્મા ઉતારવા જોઈએ. મણિપુરથી લઈને ઉત્તર પ્રદેશ અને દિલ્હી સુધી, જ્યાં વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને રસ્તા પર ઉતારવામાં આવ્યા હતા, પરંતુ કેન્દ્રીય મંત્રી આ મુદ્દાઓ પર બોલ્યા નહીં. બંગાળની મહિલાઓ તેમના ભાગલા પાડવાના કોઈપણ પ્રયાસને ફગાવી દેશે.’

અધિકારીઓએ આ મામલે શું કહ્યું?

અધિકારીઓએ મહિલાઓને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી અને જો તેઓ ફરિયાદ નોંધાવવા માંગતા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી. અધિકારીએ કહ્યું કે, એસપી સ્તરની એક મહિલા અધિકારીએ વિસ્તારના ઘરોની મુલાકાત લીધી છે અને મહિલાઓ સાથે વાત કરી છે. જો કોઈ ફરિયાદ હોય તો પોલીસમાં આવવું જોઈએ. તેની ફરિયાદને ધ્યાનમાં લેવામાં આવશે. રાજ્ય સરકાર આ મુદ્દાને લઈને ખૂબ જ ચિંતિત છે. આ પહેલા પશ્ચિમ બંગાળ મહિલા આયોગની ટીમે સંદેશખાલીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને મહિલાઓ સાથે વાત કરી હતી.”

મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસના ફરાર નેતા શાહજહાં શેખ અને તેમના સમર્થકો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. કમિશનના ચેરપર્સન લીના ગંગોપાધ્યાય અને અન્ય મહિલા સભ્યે સંદેશખાલી ખાતે ઘણી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ પશ્ચિમ બંગાળ સરકારને પત્ર લખીને સંદેશખાલીના આરોપો પર 48 કલાકની અંદર રિપોર્ટ સોંપવા કહ્યું છે.

શું છે આ મામલો?

સ્થાનિક TMC નેતા શેખ શાહજહાં અને તેની ટોળકીએ તેમની જાતીય સતામણી કરી હોવાનો આક્ષેપ કરીને તાજેતરમાં સંદેશખાલીમાં મહિલાઓએ વિરોધ શરૂ કર્યો હતો. તેમજ જમીનનો મોટો હિસ્સો બળજબરીથી કબજે કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. મહિલાઓએ ફરાર શાહજહાંની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. કથિત રાશન કૌભાંડમાં તેના ઘરે દરોડો પાડવા ગયેલી EDની ટીમ પર ટોળાએ હુમલો કર્યો ત્યારે શાહજહાં ફરાર થઈ ગયો હતો.

આ પણ જુઓ: હલ્દવાની હિંસાના મુખ્ય આરોપી સામે 2.44 કરોડની વસૂલાત માટે નોટિસ

Back to top button