ઓલિમ્પિક માટે પેરિસ જનાર ભારતીય અધિકારીઓએ કરી મહત્ત્વની જાહેરાત, જાણો શું કહ્યું?
- સાથે જનાર ટીમને ખેલાડીઓ કરતાં વધુ ડીએ મળતું હોવાથી એ નહીં લેવા નિર્ણય
- અધિકારીઓ પોતે લોકોની ટીકાનો ભોગ ન બને તે માટે આવો નિર્ણય લીધો હોવાની શક્યતા
નવી દિલ્હી, 1 જુલાઈ, 2024: આ મહિને પેરિસમાં યોજાઈ રહેલી ઓલિમ્પિક માટે ફ્રાન્સ જવા ભારતીય ટીમ સજ્જ થઈ રહી છે. ભારતીય ખેલાડીઓની સાથે ઓલિમ્પિક સમિતિની કારોબારીના સભ્યો પણ જશે. જોકે, આ સભ્યોએ આજે એક એવી જાહેરાત કરી છે જે સૌને માટે સુખદ આશ્ચર્યજનક છે.
IOA અર્થાત ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોએ ખેલાડીઓની સાથે પેરિસ ઓલિમ્પિક માટે તેમની ફ્રાન્સની મુલાકાત દરમિયાન ડીએ અર્થાત દૈનિક ભથ્થું નહીં લેવાનો નિર્ણય કર્યો છે. પીટીઆઈ સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર એક્ઝિક્યુટિવ કાઉન્સિલના આ અધિકારીઓએ આવો નિર્ણય એટલા માટે કર્યો છે કે ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને જે દૈનિક ભથ્થું મળવાનું છે તેના કરતાં તેમને (અધિકારીઓને) વધારે ભથ્થું મળવાનું છે અને એ કારણે તેમની ટીકા થઈ શકે છે. આ ટીકાથી બચવા એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોએ DA નહીં લેવાની જાહેરાત કરી છે.
આ અહેવાલ અનુસાર, ભારતીય ઓલિમ્પિક એસોશિયેશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે એવું પણ જણાવ્યું છે કે, વિદેશની મુલાકાતના ખર્ચ માટે તેમણે ભારત સરકાર ઉપર આધાર રાખવો પડે તેવી સ્થિતિ નથી કેમ કે તમામ સભ્યો સારી આર્થિક સ્થિતિ ધરાવે છે.
ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનની કારોબારી સમિતિના સભ્યોને નિયમ અનુસાર ઓલિમ્પિક દરમિયાન તેમના વિદેશ પ્રવાસા માટે પ્રતિદિન 300 ડૉલર (અર્થાત આશરે રૂપિયા 25,000) મળવાના હતા. આ સભ્યોને પાંચ દિવસની મુલાકાતના આ ગાળા દરમિયાન પ્રતિદિન વધારાના 1,000 ડૉલર (અર્થાત અંદાજે 90,000 રૂપિયા) તેમની રોકાણ વ્યવસ્થા માટે મળવાના હોય છે. જોકે, હાલ આ રકમ વિશે કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો ડીએ (દૈનિક ભથ્થાના 300 ડૉલર) નહીં લે તેવું સમાચાર સંસ્થાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ‘સારી સ્ટેન્ડઅપ કોમેડિયન એક્ટ કરી’: ભાજપ સાંસદ કંગના રનૌતે રાહુલ ગાંધીના ભાષણની કાઢી ઝાટકણી