ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

યુક્રેનમાંથી રેસ્કયૂ કરાયેલા ભારતીય MBBS વિદ્યાર્થીઓએ ઉઝબેકિસ્તાનમાં અભ્યાસ શરૂ કર્યો

સમરકંદ (ઉઝબેકિસ્તાન), 15 નવેમ્બર: યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય MBBS વિદ્યાર્થીઓએ ઉઝબેકિસ્તાનની મેડિકલ યુનિવર્સિટીમાં ફરી અભ્યાસ શરૂ કર્યો છે. 1000થી વધુ MBBS વિદ્યાર્થીઓએ ઉઝબેકિસ્તાનની અગ્રણી મેડિકલ કોલેજોમાં પ્રવેશ લીધો છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યું કે તેમની શૈક્ષણિક સફર પૂરી થઈ ગઈ છે. જો કે, એમ કહી શકાય કે ભારત સરકારના પ્રયાસોથી વિદ્યાર્થીઓને એક નવું જીવન મળ્યું છે.

ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ઘ ફાટી નીકળ્યું હતું. તે સમયે લગભગ 19 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરતા હતા. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારે ઑપરેશન ગંગા ચલાવ્યું હતું. આ ઓપરેશન હેઠળ કુલ 18,282 ભારતીય નાગરિકોને સ્વેદશ પાછા લવાયા હતા. ત્યારબાદ અભ્યાસ પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓ સતત ચિંતામાં હતા. જો કે, પરિસ્થિતિ થાળે પડતાં લગભગ 2 હજાર ભારતીય વિદ્યાર્થી ફરી યુક્રેન પાછા ગયા છે. નોંધનીય છે કે, ઘણા મેડિકલ સ્ટુડન્ટ્સે યુક્રેન છોડ્યા પછી તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે અન્ય દેશોની યુનિવર્સિટીમાં જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. હાલમાં આ બધા વિદ્યાર્થીઓ રશિયા, સર્બિયા અને યુરોપિયન દેશોમાં આગળનું શિક્ષણ પૂરું કરવા ગયા છે.

ઉઝબેકિસ્તાનમાં 30 ભારતીય પ્રોફેસરની ભરતી

ભારત સરકારના પ્રયાસોથી કેટલાક ભારતીય MBBS વિદ્યાર્થીઓએ ઉઝબેકિસ્તાનમાં તેમનો અભ્યાસ ફરી શરૂ કર્યો છે. સમરકંદ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. જાફર અમિનોવે જણાવ્યું હતું કે જ્યારે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ભારતીય દૂતાવાસે તેમનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે શું અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સ્થાનાંતરિત કરી શકાય છે. અમે આવા વિદ્યાર્થીઓની જરૂરિયાતોનું મૂલ્યાંકન કર્યું છે અને તેમના માટે વિશેષ સુવિધાઓની વ્યવસ્થા કરી છે. ભાષાની સમસ્યાઓ ટાળવા માટે અમે 30થી વધુ ભારતીય પ્રોફેસરોની ભરતી કરી છે. તેમણે કહ્યું કે, યુનિવર્સિટીએ યુક્રેનથી ટ્રાન્સફર કરાયેલા 1,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે.

કર્ણાટકની વિદ્યાર્થિની દીપિકા કૈદલા જયરામૈયા PTI સમાચાર સંસ્થા સાથે વાત કરતાં કહ્યું કે, યુદ્ધની સ્થિતિ જોયા બાદ શાંતિપૂર્ણ દેશમાં જવાની પ્રાથમિકતા છે. તેણે કહ્યું, મેં યુદ્ધ વિશે માત્ર ઇતિહાસના પુસ્તકોમાં વાંચ્યું છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આ પરિસ્થિતિને જાતે જોઈશ. જ્યારે તે સ્પષ્ટ થઈ ગયું કે યુક્રેન જવાનો હવે કોઈ વિકલ્પ નથી, ત્યારે મેં ઉઝબેકિસ્તાનમાં મારી મેડિકલની સ્ટડી ફરી શરૂ કરવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો: સુરતમાં માતા દૂધ ગરમ કરવા ગઈ અને ગેસમાં ભડકો થયો, ત્રણ બાળક સહિત પાંચ દાઝ્યા

Back to top button