ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

સેમસંગને 4400 કરોડનો કર ભરવાનો આદેશ, કંપનીએ મુક્યો રિલાયન્સ જિયો પર આરોપ, જાણો શું છે મામલો!

નવી દિલ્હી, 5 એપ્રિલ, 2025: સેમસંગ કંપની હાલમાં ભારતમાં મોટી નાણાંકીય મુશ્કેલીનો સામનો કરી રહી છે. ભારત સરકારે સેમસંગને 520 મિલીયન ડોલર (આશરે રૂ. 4400 કરોડ)નો કર ભરવાનો આદેશ કર્યો છે. કંપની આ આદેશ સામે લડી રહી છે. તેની પર આરોપ છે તેણે બહારથી મંગાવેલ નેટવર્કીંગ ઉપકરણોને ખોટી રીતે દેખાડ્યા હતા.

સેમસંગનું કહેવુ છે કે ભારતીય અધિકારીઓને આ બાબતે પહેલેથી જ ખબર હતી. એટલુ જ નહી સેમસંગ આરોપ લગાવતા એમ પણ કહ્યુ હતુ કે રિલાયન્સ જિયોએ પણ આવા જ ઉપકરણો કર ભર્યા વિના મંગાવ્યા હતા. સેમસંગનો આરોપ છે કે રિલાયન્સે તેને ટેકસ સંબંધિત મળેલી ચેતવણી વિશે જણાવ્યુ ન હતું. જો સેમસંગ કેસ હારી જાય તો કર અને દંડ બન્ને મળીને સેમસંગને 601 મિલીયન ડોલર ચૂકવવા પડી શકે છે.

સેમસંગે કરી અપીલ

સેમસંગે ભારતીય ટ્રિબ્યુનલમાં 520 મિલિયન ડોલરની કર માંગણી રદ કરવા માટે અપીલ કરી છે. સેમસંગ કહે છે કે તેણે જે ઉપકરણોનો ઓર્ડર આપ્યો હતો તે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ અધિકારીઓને આ વાતની જાણ હતી કારણ કે રિલાયન્સ પણ વર્ષોથી આવા જ સાધનોનો ઓર્ડર આપી રહી હતી.

સેમસંગ બીજી મોટી વિદેશી કંપની છે જેણે તાજેતરમાં ભારત સરકારની કર માંગને પડકારી છે. અગાઉ, ફોક્સવેગને પણ સરકાર પર દાવો માંડ્યો હતો. ફોક્સવેગનને તેના સાધનોની ખોટી રજૂઆત કરવા બદલ 1.4 અબજ ડોલર કર ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.

શું છે આખો મામલો?

સેમસંગના કિસ્સામાં, કર અધિકારીઓએ જાન્યુઆરીમાં સેમસંગને 520 મિલિયન ડોલર ચૂકવવા કહ્યું હતુ. અધિકારીઓનું કહેવું છે કે સેમસંગે મોબાઇલ ટાવર સાધનોના ચોક્કસ ભાગને ખોટી રીતે રજૂ કરીને 10-20% કર બચાવ્યો. સેમસંગે 2018થી 2021ની વચ્ચે મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોને આ ઉપકરણો વેચ્યા હતા.

સેમસંગનો શું છે જવાબ?

સેમસંગે મુંબઈ સ્થિત કસ્ટમ્સ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં 281 પાનાની અરજી દાખલ કરી છે. આમાં સેમસંગે ભારતીય અધિકારીઓની ટીકા કરી છે. સેમસંગ કહે છે કે અધિકારીઓ તેના બિઝનેસ મોડેલથી સંપૂર્ણપણે વાકેફ હતા. રિલાયન્સે પણ ત્રણ વર્ષ સુધી કર ચૂકવ્યા વિના સમાન સાધનોની આયાત કરવાનું ચાલુ રાખ્યું હતુ, પરંતુ કોઈએ કંઈ કહ્યું નહીં.

સેમસંગના ભારતીય એકમનું કહેવું છે કે તેમને ભારતીય કર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રિલાયન્સને 2017માં જ આ અંગે ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ રિલાયન્સે સેમસંગને આ વિશે જણાવ્યું ન હતું. કર અધિકારીઓએ પણ આ અંગે ક્યારેય સેમસંગને પૂછપરછ કરી નથી.

સેમસંગે તેની અરજીમાં કહ્યું છે કે અધિકારીઓ સેમસંગ ઉપકરણો કેવી રીતે પ્રદર્શિત કરી રહ્યા હતા તેનાથી વાકેફ હતા પરંતુ તેમણે ક્યારેય તેના પર પ્રશ્ન ઉઠાવ્યો નથી. વિભાગ પાસે સંપૂર્ણ માહિતી હતી. સેમસંગે એમ પણ કહ્યું કે રિલાયન્સ જિયોના અધિકારીઓએ સેમસંગને 2017ની ટેક્સ ચેતવણી વિશે જાણ કરી ન હતી.

આ પણ વાંચોઃ 5 મે, સોમવાર, 2025: મીન રાશિના લોકો રોકાણ કરવાનું હાલ મુલતવી રાખો

Back to top button