ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું દેશમાં આલ્કોહોલથી દોડશે કારો? તેલની અછત વચ્ચે સરકાર લાવી E85 પેટ્રોલનો પ્લાન

Ethanol Fuel: વિશ્વભરમાં તેલની અછત વચ્ચે સરકાર એક મોટું પગલું લેવા જઈ રહી છે. હવે દેશમાં આલ્કોહોલથી વાહનો ચલાવવાની તૈયારી ચાલી રહી છે. જોકે આ યોજના અમલમાં આવવામાં હજુ થોડા વર્ષો લાગી શકે છે, પરંતુ તેની તૈયારી ખૂબ જલ્દી શરૂ કરવામાં આવશે.

ઇથેનોલ-20 અથવા E20 બાદ હવે દેશમાં ઇથનોલ-85 એટલે કે E85 ફ્યુઅલથી વાહનો ચલાવવાની તૈયારી ચાલી રહી છે. E85 એવું ઇંધણ છે જેમાં 85 ટકા આલ્કોહોલ અને માત્ર 15 ટકા પેટ્રોલ હોય છે. આ પ્રસ્તાવ 2016માં રજૂ કરવામાં આવ્યો હતો અને હવે તેના પર ખૂબ જલ્દી કામ શરૂ કરવાની તૈયારી થઈ રહી છે.

ઘણા મીડિયા રિપોર્ટ્સ મુજબ, સરકારી અધિકારીઓના હવાલાથી ખબર મળી છે કે હાલ તેલની અછત વચ્ચે સરકાર આ યોજનાને અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે. એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે સરકાર ખૂબ જલ્દી E85 અંગે ડ્રાફ્ટ નિયમો જાહેર કરશે.

તેમણે વધુમાં કહ્યું કે સરકારમાં આ મુદ્દે સહમતિ બની ગઈ છે અને બજારમાં પણ આ માટે વ્યાપક સમર્થન મળી રહ્યું છે. સાથે જ E85નું પ્રારંભિક પરીક્ષણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

E85 અથવા ફ્લેક્સ ફ્યુઅલ માટે એન્જિનમાં કેટલાક ફેરફારો કરવા પડશે અને આગામી કેટલાક વર્ષોમાં તેને લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. નોન-ફ્લેક્સ ફ્યુઅલ વાહનોમાં E85નો ઉપયોગ કરવાથી કાટ લાગી શકે છે, સીલ અને નળીઓને નુકસાન થઈ શકે છે તેમજ વાહન સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી પડી શકે છે. આથી, તેનો ઉપયોગ માત્ર ખાસ ઉત્પાદિત ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં જ થશે.

રિપોર્ટ્સ અનુસાર E85ને E20થી અલગ ફ્યુઅલ ગ્રેડ તરીકે રજૂ કરવામાં આવશે. E20માં ઇથેનોલનું પ્રમાણ આશરે 20 થી 27 ટકા સુધી હોય છે. 1 એપ્રિલથી તમામ રાજ્યોમાં E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આ પગલું એવા સમયમાં લેવામાં આવી રહ્યું છે જ્યારે અમેરિકા-ઈરાન તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને ગેસના જહાજો અટવાઈ રહ્યા છે, જેના કારણે દેશમાં તેલ અને ગેસની અછત સર્જાઈ રહી છે.

આ પણ વાંચો: “આવા મિત્રોની જરૂર નથી”, PM મોદીના દોસ્તવાળા નિવેદન પર અખિલેશ યાદવનો જવાબ

Back to top button