ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ઈરાન અને ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે આવ્યું ભારત, ડૉ. જયશંકરે બંને દેશોને શું કહ્યું? જાણો

  • ડૉ. એસ.જયશંકરે બંને દેશોના વિદેશ મંત્રી સાથે ટેલિફોન પર વાત કરી 

નવી દિલ્હી, 15 એપ્રિલ: વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે રવિવારે તેમના ઇઝરાયેલી સમકક્ષ ઈઝરાયેલ કાત્ઝ અને ઈરાનના સમકક્ષ હોસેન અમીર-અબ્દોલ્લાહિયન સાથે ટેલિફોન પર વાત કરી હતી. ત્યારબાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને લખ્યું કે, ‘હમણાં જ ઇઝરાયેલી વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝ સાથે વાતચીત થઈ. મેં ગઈકાલના વિકાસ પર મારી ચિંતા વ્યક્ત કરી. વ્યાપક પ્રાદેશિક પરિસ્થિતિની ચર્ચા કરી. અમે બંને સંપર્કમાં રહેવા સંમત થયા.’ જયશંકરે વધુ કે ટ્વિટમાં લખ્યું કે, ‘આજે સાંજે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી. MSC એરિષના 17 ભારતીય ક્રૂ સભ્યોને મુક્ત કરવાનો મુદ્દો ઉઠાવ્યો તેમજ વિસ્તારની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી. વધતા તણાવને ટાળવા, સંયમ રાખવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાના મહત્વ પર ભાર મૂક્યો અને અમે બંને સંપર્કમાં રહેવા સંમત થયા.’

ઈરાન અને ઈઝરાયેલના યુદ્ધ પર ભારતીય મંત્રાલયે શું કહ્યું?

1 એપ્રિલના રોજ દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર શંકાસ્પદ ઈઝરાયેલ હવાઈ હુમલાના જવાબમાં શનિવારની મોડી રાત્રે ઈરાને સેંકડો ડ્રોન અને મિસાઈલો છોડ્યા હતા, જેમાં બે જનરલો સહિત સાત ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના કર્મચારીઓ માર્યા ગયા હતા. ભારતે આ ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી અને તાત્કાલિક તણાવ ઘટાડવાની અપીલ કરી. ભારતે કહ્યું કે, આ ક્ષેત્રમાં તેના દૂતાવાસો ભારતીય સમુદાયના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘અમે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટથી અત્યંત ચિંતિત છીએ. તેનાથી પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જોખમાય છે.’ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે તણાવને તાત્કાલિક ઘટાડવા, સંયમ રાખવા, હિંસાથી દૂર રહેવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ. ભારત આ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ ક્ષેત્રમાં અમારા દૂતાવાસ ભારતીય સમુદાયના સંપર્કમાં છે. તે મહત્વનું છે કે પ્રદેશમાં સુરક્ષા અને સ્થિરતા જળવાઈ રહે.’

ઈરાનની સેનાએ શનિવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈઝરાયેલ સાથે જોડાયેલા એક માલવાહક જહાજને કબજે કર્યું હતું. જહાજમાં 17 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. પોર્ટુગીઝ ફ્લેગવાળા જહાજ ‘MSC Aries’માં સવાર ભારતીયોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે ભારત ઈરાનના સંપર્કમાં છે. ઈરાનના હુમલા બાદ, ઈઝરાયેલી સૈન્યએ કહ્યું કે, તેમણે અને તેના સાથીઓએ ઈરાન દ્વારા છોડવામાં આવેલા 300થી વધુ ડ્રોન અને મિસાઈલોને અટકાવ્યા અને તેનો નાશ કર્યો.

ઈઝરાયેલ કે ઈરાન ન જવાની સલાહ

અહેવાલ અનુસાર, અગાઉ જયશંકરે સ્થિતિને તાત્કાલિક કાબુમાં લેવાની વાત કરી હતી. તેમણે તેને ‘ગંભીર ચિંતાનો વિષય’ પણ ગણાવ્યો હતો. જયશંકરે આ પ્રતિક્રિયા ઈરાનના પ્રથમ સૈન્ય હુમલા બાદ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આ ચિંતાનો વિષય છે, કારણ કે આવી પરિસ્થિતિમાં ચિંતામાં વધારો કરે છે. અમે કેટલાક સમયથી ચિંતિત છીએ કે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલા બાદ અન્ય વિસ્તારોમાં પણ સ્થિતિ તંગ બની રહી છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. ભારત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. હાલ માટે, અમે લોકોને સલાહ આપી છે કે, તેઓ ઇઝરાયલ અથવા ઈરાનનો પ્રવાસ ન કરે. અમે ત્યાં પહેલાથી જ હાજર લોકોને ખૂબ જ સાવધ રહેવાની સલાહ આપી છે. હમણાં માટે, આમ કરવું અર્થપૂર્ણ છે. અમે આગળ શું થાય છે તેના પર નજર રાખી રહ્યા છીએ અને જો અમારે કેટલાક પગલાં લેવાના હોય અથવા એડવાઇઝરી જારી કરવી હોય તો અમે તે કરીશું.

આ પણ જુઓ: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહ્યો છે તણાવ, જો બાઇડને નેતન્યાહુને આપી ચેતવણી

Back to top button