ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ રેકોર્ડ, પહેલી વાર આ કરિશ્મા કરી દેખાડ્યો

નવી દિલ્હી, 31 ઓકટોબર 2025: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ધમાકેદાર અંદાજમાં ઓસ્ટ્રેલિયાની ટીમને મહિલા વર્લ્ડ કપ 2025ના સેમિફાઇનલમાં 5 વિકેટથી હરાવી દીધી. આ જીત સાથે જ ભારતે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો. આ મેચમાં જેમિમા રોડ્રિગ્ઝે શાનદાર બેટિંગનો નમૂનો રજુ કર્યો. તેણે નોટઆઉટ રહીને 127 રન બનાવ્યા અને ટીમને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
જેમિમાની દમદાર બેટિંગ ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ફોબી લિચફિલ્ડના શતકની મદદથી કંગારૂ ટીમે 338 રનનો હિમાલય જેવો મોટો ટાર્ગેટ ઊભો કર્યો. એવું લાગી રહ્યું હતું કે ભારત માટે આ લક્ષ્ય હાંસલ કરવું સરળ નહીં હોય, પરંતુ ભારતીય ટીમ માટે જેમિમા રોડ્રિગ્ઝ (127 રન), હરમનપ્રીત કૌર (89 રન), ઋચા ઘોષ અને દીપ્તિ શર્માએ સારી ઇનિંગ્સ રમી. આ ખેલાડીઓના દમ પર ભારતે મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમને ધૂળ ચટાડી દીધી.
ભારતે બનાવ્યો નવો કીર્તિમાન બેટ્સમેનોના દમ પર 339 રનનો ટાર્ગેટ હાંસલ કરીને ભારતીય ટીમે ઇતિહાસ રચી દીધો છે. ભારતે મહિલા વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો છે અને ઓસ્ટ્રેલિયાનો કીર્તિમાન ધ્વસ્ત કરી દીધો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ મહિલા વનડે મેચમાં ભારત સામે 331 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. પરંતુ ભારતે ઓસ્ટ્રેલિયાનો આ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો.
મહિલા વનડે ક્રિકેટમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરનારી ટીમો:
| ટાર્ગેટ ચેઝ કરનારી ટીમ | વિરોધી ટીમ | ચેઝ કરેલો ટાર્ગેટ |
|---|---|---|
| ભારત | ઓસ્ટ્રેલિયા | 339 |
| ઓસ્ટ્રેલિયા | ભારત | 331 |
| શ્રીલંકા | સાઉથ આફ્રિકા | 302 |
| ઓસ્ટ્રેલિયા | ન્યુઝીલેન્ડ | 289 |
વનડે વર્લ્ડ કપના નોકઆઉટ મેચોમાં પહેલી વાર થયું આવું કરિશ્મા આવું પહેલી વાર બન્યું છે, જ્યારે કોઈપણ વનડે વિશ્વ કપ (પુરુષ કે મહિલા બંને)ના નોકઆઉટ મેચમાં 300થી વધુ રનનો ટાર્ગેટ ચેઝ થયો હોય અને એ કામ ભારતે કરી બતાવ્યું છે. આ પહેલા વનડે વર્લ્ડ કપ 2015ના સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ પુરુષ ટીમે સાઉથ આફ્રિકા સામે 298 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો, જે નોકઆઉટમાં સૌથી વધુ સ્કોર ચેઝ હતો. પરંતુ હવે ભારતીય ટીમે આ કીર્તિમાનને પાછળ છોડી દીધો છે.
આ પણ વાંચો : આ એક ચીજે ટેરિફ કિંગ ટ્રમ્પને ચીને કર્યા નતમસ્તક, વેપાર સોદામાં ગેમચેન્જર












