વડોદરામાં સાયબર ક્રાઈમે શેરબજારમાં રોકાણ કરાવી ઠગતી ગેંગના 17 આરોપીઓ પકડ્યા
વડોદરા- 16 મે 2024, સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યાં છે. ઓનલાઈન ટ્રેડિંગના નામે ખૂબ મોટી ઠગાઈઓ આચરવામાં આવી રહી છે. અમદાવાદમાં એક સીએને વધુ નફાની લાલચ આપીને શેરબજારમાં 1.97 કરોડનું રોકાણ કરાવીને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો બન્યો છે. વડોદરાના તરસાલીમાં પણ શેરબજારમાં જંગી પ્રોફિટની લોભામણી જાહેરાતમાં ફસાવી ખાનગી કંપનીના સિનિયર મેનેજર પાસેથી ભેજાબાજોએ 7.50 લાખ પડાવ્યા હોવાની ઘટના બની છે. ત્યારે વડોદરા શહેર સાયબર ક્રાઇમે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 17 ઇસમોની ધરપકડ કરી છે.
વિશ્વાસમાં લઈને શેરમાર્કેટમાં રોકાણ કરાવડાવ્યું
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સનફાર્મ રોડ પર રહેતા ફરિયાદી રામક્રિષ્ણા રાજીવે 30 માર્ચ 2024ના રોજ ફરિયાદ કરી હતી કે, તેઓએ ફેસબુકમાં શેર માર્કેટ અંગેની એડ પર ક્લિક કરતા તેઓને C6-BLACKROCK STOCKS PULL UP નામનાં વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માંગતા હોવાની ફોર્મમાં વિગતો ભરી સબમિટ કરવા માટે કહેતા તેઓને એક ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને એન્જલ સિક્યોરિટીસ સર્વિસ નામની કંપનીના વ્યક્તિનો ફોન આવેલો કે ફોર્મ કન્ફર્મ થઈ ગયેલું છે. ત્યારબાદ તેઓને SEBI માન્ય કંપની રજિસ્ટ્રેશન સાથેનું ઇન્સ્ટિટ્યૂશનલ એકાઉંટ એપ્લિકેશન ફોર્મ મોકલી આપવામાં આવ્યું હતું. અને તેઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.
વિશ્વાસઘાત કરી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી
બાદમાં ગ્રુપમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા લિંક મોકલી આપી હતી. જેમાં તેઓનું એકાઉન્ટ બનાવી યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવ્યો હતો. જેમાં પોર્ટફોલિયોમાં અનેક ગણો પ્રોફિટ દેખાતો હતો. તેઓને વિશ્વાસમાં લઈને તેઓને શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને અલગ અલગ એકાઉન્ટમાં ટુકડે ટુકડે કુલ રકમ 94,18,000 જમા કરાવ્યા હતા. પોર્ટફોલિયોમાં દેખાતા પ્રોફિટને વિડ્રો કરવા જતાં વિડ્રો થયેલ નહીં અને તેઓ સાથે વિશ્વાસઘાત કરી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. જે અંતર્ગત 17 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃગુજરાત: મહુડી જિનાલયના હાલના બે ટ્રસ્ટીએ 130 કિલો સોનાની હેરાફેરી કરી