સુરતમાં ભાડાની તકરારમાં મકાન માલિકે યુવતીને માર માર્યો, છરી બતાવી ધમકી આપી
સુરત, 08 જુલાઈ 2024, ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે અનેક વખત સવાલો ઉભા થયાં છે. રોજગાર અર્થે મહિલાઓ એક રાજ્યમાંથી બીજા રાજયમાં જઈને રૂમ શેર કરીને રહે છે. ત્યારે સુરતમાં પણ ઈવેન્ટનું કામ કરતી મહિલા મુંબઈથી આવીને રહેતી હતી. આ યુવતીને ભાડાની તકરારમાં મકાન માલિક અને અન્ય ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો પણ ફરતો થઈ ગયો છે. પોલીસે યુવતીઓની ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીના વાળ ખેંચીને મુક્કા મારવાનું શરૂ કર્યું
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મુંબઈની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ઘણા સમયથી સુરતમાં રહે છે. છેલ્લા બે મહિનાનુ ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત ત્રણથી ચાર શખશો ઘરમાં ઘૂસી આવ્યા હતા. ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થયો કે, તેણે મકાનમાં રહેતી ત્રણ યુવતીઓને મારવાનું શરૂ કર્યું હતું. જેમાંથી બે યુવતી ડરીને ભાગી ગઈ હતી અને એક યુવતી તેઓના હાથમાં આવી ગઈ હતી. મકાન માલિકે યુવતીના વાળ ખેંચીને આડેધડ ઢીકા અને મુક્કા મારવાનું શરૂ કર્યું હતું.
પોલીસે ત્રણ શખસો સામે ગુનો દાખલ કર્યો
પીડિતાને ચપ્પુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મારામારીની ઘટનામાં યુવતીને હાથ-પગ અને માથા સહિતના ભાગે ઈજાઓ પહોંચી હતી.જે બાદ યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ યુવતીઓ પોતાના સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં સમગ્ર મામલે લેખિત અરજી આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેમાં પોલીસે તેઓની પહેલાં લેખિત અરજી લીધી હતી અને બાદમાં ત્રણ શખસો સામે ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં માતાએ જ ૧૦ મહિનાની દીકરીની બ્લેડ વડે ગળું કાપી કરી હત્યા