મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે શોર્ટ સર્કિટ થતા ઘરમાં આગ ફાટી નીકળી, 4 માસૂમો જીવતા ભૂંજાયા
મેરઠ (ઉત્તર પ્રદેશ), 24 માર્ચ: મેરઠના પલ્લવપુરમ વિસ્તારમાં એક ઘરમાં જ્યારે મોબાઈલ ચાર્જ થઈ રહ્યો હતો ત્યારે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ ફાટી નીકળી હતી. જેમાં ચાર માસૂમો જીવતા ભૂંજાયા હતા. તેમજ માતા-પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, શોટ સર્કિટના કારણે આગ એ થોડી જ વારમાં આટલું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં જોની, તેની પત્ની બબીતા અને ચાર બાળકો સારિકા (10), નિહારિકા (8), સંસ્કાર ઉર્ફે ગોલુ (6) અને કાલુ (4) ગંભીર રીતે દાઝી ગયા.
ચારેય બાળકોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો
દરેકને મેડિકલ કૉલેજમાં દાખલ કરાયા હતા, જ્યાં મોડી રાત્રે નિહારિકા અને ગોલુનું મૃત્યુ થયું હતું જ્યારે સારિકા અને કાલુનું રવિવારે સવારે મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર, જોનીની હાલત ખતરાની બહાર છે પરંતુ બબીતાની ગંભીર સ્થિતિને જોતા તેને દિલ્હી એઈમ્સમાં રીફર કરવામાં આવી છે. જોનીએ જણાવ્યું કે નિહારિકા, ગોલુ અને કાલુ મોબાઈલ પર ગેમ રમતા હતા અને આ દરમિયાન મોબાઈલ પણ ચાર્જ થઈ રહ્યો હતો. તેમણે જણાવ્યું કે આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
જાણો કેવી રીતે સર્જાઈ આ દુર્ઘટના
કહેવામાં આવ્યું હતું કે શનિવારે સાંજે રૂમમાં બાળકો રમી રહ્યા હતા. રૂમમાં પલંગ પર વાયરો વિખરાયેલા હતા અને બાળકો મોબાઈલ ચાર્જર ઈલેક્ટ્રીકલ બોર્ડમાં લગાવી રહ્યા હતા. ચાર્જર ઇન્સ્ટોલ કરતી વખતે શોર્ટ સર્કિટ થયું. આગ પકડતા વાયરને કારણે મોબાઈલ ફોન ફાટ્યો અને પલંગમાં આગ લાગી ગઈ. આગથી ઘેરાયેલા બાળકોએ બૂમો પાડવાનું શરૂ કર્યું. વિસ્ફોટ અને બાળકોનો અવાજ સાંભળીને જોની અને બબીતા રસોડામાંથી રૂમ તરફ દોડ્યા. બંનેએ બળેલી હાલતમાં બાળકોને આગમાંથી બહાર કાઢ્યા હતા. બાળકોને બચાવતી વખતે બબીતા અને જોની પણ ખરાબ રીતે દાઝી ગયા હતા. જો કે, હાલ બબીતા જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.
આ પણ વાંચો: દિલ્હીમાં છોકરી પર છરી વડે હુમલો, જૂઓ ભયાનક CCTV