ઈમરાન ખાનની જેલમાં પણ શાનદાર લાઇફસ્ટાઇલ, ખાવા-પીવાથી માંડીને સુરક્ષા સુધી અધધ ખર્ચ
ઈસ્લામાબાદ (પાકિસ્તાન), 09 એપ્રિલ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની સુરક્ષાને લઈને જેલ અધિકારીઓએ મોટો ખુલાસો કર્યો છે. રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાનની સુરક્ષા પર લગભગ 1.2 મિલિયન રૂપિયા એટલે કે 12 લાખ રૂપિયાથી વધુનું માસિક બિલ ખર્ચવામાં આવી રહ્યું છે. જેલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા લાહોર હાઈકોર્ટ (LHC)ને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, 71 વર્ષીય ઈમરાન ખાનને જેલમાં શાન-ઓ-શૌકતથી રહી રહ્યા છે. તેમને ઘણી VIP સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. તેમાં 50 હજાર રૂપિયાનો એક અલગ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જે 7 હજાર અન્ય કેદીઓ પર નજર રાખે છે.
ઈમરાન ખાનનું ખાવાનું સહાયક અધિક્ષકની દેખરેખ હેઠળ એક અલગ સ્વચ્છ રસોડામાં તૈયાર કરવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ, ખાનને ભોજન પીરસવામાં આવે તે પહેલાં તબીબી અધિકારી અથવા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. હોલી ફેમિલી હોસ્પિટલના છ કરતાં વધુ ડૉકટર્સની એક ટીમ ભૂતપૂર્વ વડા પ્રધાનને તબીબી સંભાળ પૂરી પાડવા માટે તૈનાત છે, વધારાની નિષ્ણાત ટીમો નિયમિત તપાસ કરે છે.
ઈમરાન ખાનને 7 સેલ ફાળવવામાં આવ્યા
ઈમરાન ખાનને કુલ 7 સેલ ફાળવવામાં આવ્યા છે, જેમાંથી તે 2માં રહે છે. બાકીના 5ને સુરક્ષાના કારણોસર બંધ રાખવામાં આવ્યા છે. જો કે, આ સેલમાં સામાન્ય રીતે 35 કેદીઓને રાખવામાં આવે છે. કડક નિયંત્રણોને લીધે ખાનની કોટડીમાં કોઈ સરળતાથી પ્રવેશી શકતું નથી. ખાનને મળવું હોય તો પરવાનગી લેવી ખૂબ જ જરૂરી છે. આ સેલની સુરક્ષા માટે પ્રશિક્ષિત કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.
સુરક્ષા માટે 15 સુરક્ષાકર્મીઓ ખડેપગે
મહત્ત્વનું છે કે, સામાન્ય રીતે અદિયાલા જેલમાં દર 10 કેદીઓ માટે એક કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ ખાનની સુરક્ષામાં બે સુરક્ષા અધિકારીઓ અને તેમની અંગત સુરક્ષાના ત્રણ સહિત 15 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જેલ પરિસરમાં મનોરંજન માટે એક્સરસાઇઝ મશીન સહિત અન્ય ઘણી વ્યવસ્થાઓ સામેલ કરવામાં આવી છે. મુલાકાતીઓ માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કોર્ટની કાર્યવાહી દરમિયાન વ્યાપક સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવામાં આવે છે. ઈમરાન ખાન અને તમામ કેદીઓ માટે સલામત વાતાવરણ જાળવવા માટે અદિયાલા જેલ અને તેની આસપાસ વધારાના પોલીસ દળો, રેન્જર્સ અને વિશિષ્ટ કર્મચારીઓ ખડેપગે છે.
આ પણ વાંચો: ઈમરાન અને બુશરા બીબીને રાહતઃ તોશાખાના કેસમાં ઇસ્લામાબાદ હાઈકોર્ટે સજા રદ કરી