ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

જેલમાં બંધ ઈમરાન ખાનનો સનસનાટીભર્યો દાવો, બુશરા બીબીને ‘ટોયલેટ ક્લીનર’ ભેળવીને ખાવાનું આપ્યું

ઇસ્લામાબાદ (પાકિસ્તાન), 20 એપ્રિલ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, તેમની પત્ની બુશરા બીબીના ખોરાકમાં ‘ટોયલેટ ક્લીનર’ ભેળવવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, બુશરા બીબીની તબિયત ‘ઝેરી ખોરાક’ ખાધા પછી લથડી છે અને પેટના ઇન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, રાવલપિંડીની અદિલાયા જેલમાં બંધ ઈમરાન ખાને ભ્રષ્ટાચારના કેસની સુનાવણી દરમિયાન આ આક્ષેપો કર્યા હતા.

ઈમરાન ખાને લગાવ્યા ગંભીર આરોપો

49 વર્ષીય બુશરા બીબીને ભ્રષ્ટાચારના કેસમાં તેમજ 71 વર્ષીય ઈમરાન ખાન સાથેના ગેરકાયદેસર લગ્નના સંબંધમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હાલમાં તેમને ઇસ્લામાબાદ સ્થિત તેના બંગલા ‘બની ગાલા’માં નજરકેદ રખાયા છે. પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાને કહ્યું કે શૌકત ખાનુમ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. અસીમ યુસુફે બુશરા બીબીના ઇસ્લામાબાદની શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં ચેકઅપની ભલામણ કરી હતી. તેમણે એમ પણ આરોપ લગાવ્યો કે જેલ સત્તાવાળાઓ પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (PIMS) હોસ્પિટલમાં તપાસ કરવા પર જીદ પકડી હતી.

મારી પત્નીની કેદ માટે જનરલ અસીમ મુનીર જવાબદારઃ ઈમરાન

સુનાવણી દરમિયાન જજે ઈમરાન ખાનને કસ્ટડીમાં પ્રેસ કોન્ફરન્સ કરવાનું ટાળવા કહ્યું હતું. ત્યારે પૂર્વ પીએમ એ દલીલ કરી હતી કે તેઓ નિયમિતપણે પત્રકારોને મળે છે કારણ કે તેમના નિવેદનોને ખોટી રીતે દર્શાવવામાં આવી રહ્યા છે. ઘણા મામલામાં દોષિત ઠરેલા ઈમરાન ખાને ન્યાયાધીશને વિનંતી કરી હતી કે સુનાવણી બાદ તેમને 10 મિનિટ સુધી મીડિયા સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવે. 17 એપ્રિલના રોજ ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે બુશરા બીબીની કેદ માટે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સીધા જ જવાબદાર છે.

મારી પત્નીને કંઈ થશે તો હું અસીમ મુનીરને નહીં છોડુંઃ ઈમરાન

તેમણે કહ્યું હતું કે, ‘મારી પત્નીને મળેલી સજામાં જનરલ અસીમ મુનીર સીધી રીતે સંડોવાયેલા છે. જો મારી પત્નીને કંઈ પણ થશે તો જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું અસીમ મુનીરને નહીં છોડું. હું તેમના ગેરબંધારણીય અને ગેરકાયદેસર પગલાંનો પર્દાફાશ કરીશ. દેશમાં જંગલનો કાયદો છે અને બધું જ જંગલનો રાજા કરે છે. જંગલનો રાજા ઇચ્છે તો નવાઝ શરીફના તમામ કેસ માફ કરી દેવામાં આવે અને જ્યારે તે ઇચ્છે ત્યારે પાંચ દિવસમાં ત્રણ કેસમાં અમને સજા થાય. મહત્ત્વનું છે કે, ઈમરાન ખાન ગયા વર્ષે ઓગસ્ટથી અદિયાલા જેલમાં બંધ છે.

આ પણ વાંચો: ઈમરાન ખાનની જેલમાં પણ શાનદાર લાઇફસ્ટાઇલ, ખાવા-પીવાથી માંડીને સુરક્ષા સુધી અધધ ખર્ચ

Back to top button