ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

બૉયકોટની અસર: માલદીવ પોતાના પ્રવાસનને પ્રોત્સાહન આપવા ભારતમાં કરશે રોડ શો

  • ભારતીય પ્રવાસીઓના બૉયકોટની અસર માલદીવમાં વિવિધ ક્ષેત્રો પર પડી રહી છે

નવી દિલ્હી, 12 એપ્રિલ: ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે, માલદીવે ભારતના મુખ્ય શહેરોમાં રોડ શોનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડા વચ્ચે, માલદીવ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ (MATATO)એ અહીં ભારતના હાઈ કમિશનર મુનુ મહાવર(Munu Mahawar) સાથે બંને દેશો વચ્ચે પ્રવાસ અને પ્રવાસન સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી. ભારતીય પ્રવાસીઓના બૉયકોટની અસર માલદીવમાં વિવિધ ક્ષેત્રો પર પડી રહી છે, ખાસ કરીને પર્યટન ક્ષેત્ર, જે માલદીવની અર્થવ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

 

માલદીવ્સ માટે ભારત એક મહત્વપૂર્ણ પ્રવાસી બજાર હોવાથી, MATATO કહે છે કે, તેઓ માલદીવને પ્રીમિયર ટ્રાવેલ ડેસ્ટિનેશન તરીકે પ્રોત્સાહિત કરવા માટે ભારતભરના મોટા ટ્રાવેલ એસોસિએશનો અને ઉદ્યોગના હિતધારકો સાથે ભાગીદારી કરવા આતુર છે.

માલદીવની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં ભારત નંબર વન પર હતું

એક સમય હતો જ્યારે માલદીવની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં ભારત નંબર વન હતું. આવી સ્થિતિમાં ભારતીય પ્રવાસીઓ આ દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આંકડાઓ દર્શાવે છે કે, ટોચનો પ્રવાસી દેશ હોવાને કારણે ભારતનું સ્થાન જાન્યુઆરી પછી, પહેલા પાંચમા સ્થાને અને હવે છઠ્ઠા સ્થાને આવી ગયું છે. માલદીવના પર્યટન મંત્રાલયના આંકડા અનુસાર, આ વર્ષે 10 એપ્રિલ સુધી, કુલ 6,63,269 પ્રવાસીઓના આગમનમાંથી, ચીન 71,995 સાથે ટોચ પર છે, ત્યારબાદ યુનાઇટેડ કિંગડમ (66,999) બીજા, રશિયા (66,803) ત્રીજા, ઇટાલી (61,379) ચોથા સ્થાને છે, જર્મની (52,256) પાંચમા સ્થાને અને ભારત (37,417) છઠ્ઠા સ્થાને છે.

Sun.mv ન્યૂઝ પોર્ટલના અહેવાલ અનુસાર, માલેમાં ભારતીય હાઈ કમિશન ખાતે યોજાયેલી બેઠકમાં ચર્ચાઓ બાદ, MATATOએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓએ પ્રવાસન પહેલને પ્રોત્સાહન આપવા માટે માલદીવમાં ભારતીય હાઈ કમિશન સાથે નજીકથી સહયોગ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. જેથી હવે માલદીવ દ્વારા ભારતના મુખ્ય શહેરોમાં રોડ શો શરૂ કરવામાં આવશે. આગામી મહિનાઓમાં માલદીવમાં ઇન્ફ્લુએન્સર્સ અને મીડિયાના પરિચિતોની મદદથી માલદીવને પ્રમોટ કરવામાં આવશે.

 

ઉલ્લેખનીય છે કે,  માલદીવના એક મંત્રી અને અન્ય કેટલાક નેતાઓએ લક્ષદ્વીપના નૈસર્ગિક બીચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા કરીને તેમની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જોકે, આ વિવાદ વધતો જોઈને રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝઝૂએ ત્રણ મંત્રીઓને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સસ્પેન્ડ કરી દીધા હતા. આ ઘટનાથી બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા અને રાજદ્વારી વિવાદ સર્જાયો.

આ પણ જુઓ: રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા, બંને મુખ્ય આરોપીઓની ધરપકડ

Back to top button