અચાનક હાર્ટબીટ વધી જાય છે તો ચેતો, આ કારણો હોઈ શકે છે જવાબદાર
- ઘણી વખત હૃદયના ધબકારા (હાર્ટબીટ) અચાનક વધવા લાગે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ જો આવું સતત થવા લાગે તો તે ચિંતાનો વિષય હોઈ શકે છે
HD ન્યુઝ ડેસ્કઃ જો તમે તમારી જાતને ફિટ રાખવા ઈચ્છતા હોવ તો હાર્ટ હેલ્થનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત હૃદયના ધબકારા (હાર્ટબીટ) અચાનક વધવા લાગે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ જો આવું સતત થવા લાગે તો તે ચિંતાનો વિષય બની શકે છે. વધેલા ધબકારાને અવગણવું મોંઘુ પડી શકે છે. ઘણા કિસ્સાઓમાં ઝડપી ધબકારા કેટલાક હૃદય રોગની નિશાની હોઈ શકે છે. હ્રદયના ધબકારા ક્યારેક-ક્યારેક વધી જાય તો તે સામાન્ય છે, પરંતુ જો તે વારંવાર થાય તો તેના પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહો. ચાલો જાણીએ ઝડપી ધબકારાના 5 મોટા કારણો.
ઝડપી હૃદયના ધબકારા માટે જવાબદાર છે આ 5 કારણો
તણાવ, ચિંતા
ઝડપી ધબકારા પાછળનું સૌથી મોટું કારણ હંમેશા તણાવ અને ચિંતામાં રહેવું છે. જ્યારે તમે કોઈ વાતને કારણે સ્ટ્રેસ લો છો તો બ્લડ સર્ક્યુલેશન વધવા લાગે છે, જેના કારણે બીપી હાઈ થાય છે અને તેનાથી હાર્ટ પર અસર થાય છે અને ધબકારા વધી જાય છે. જો તમે વધુ પડતો સ્ટ્રેસ લેશો અથવા કોઈ ચીજ-વસ્તુની ચિંતા કરશો તો હ્રદય રોગનું જોખમ વધી શકે છે.
ધૂમ્રપાન
જે લોકો સિગારેટ પીવે છે, તેમના હૃદયના ધબકારા વધવા લાગે છે. ચેઈન સ્મોકર્સમાં આ સમસ્યા સામાન્ય છે. ચા, કોફી અને સિગારેટમાં જોવા મળતા નિકોટીનમાં રહેલું કેફીન હૃદયના ધબકારા વધવા માટેનું કારણ હોઈ શકે છે. કેફીન અને નિકોટિન નર્વસ સિસ્ટમમાં ઉત્તેજનાનું કારણ બને છે અને તેનાથી હૃદયના ધબકારા વધે છે.
હૃદય રોગ
જે લોકોને હૃદયની ગંભીર સમસ્યા હોય છે, તેમના હૃદયના ધબકારા પણ ગમે ત્યારે અચાનક વધવા લાગે છે. વારંવાર ધબકારા વધવાના કિસ્સામાં તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
ડાયાબિટીસ
જે લોકો ડાયાબિટીસથી પીડાય છે તેમના ધબકારા પણ અચાનક તેજ થઈ શકે છે. આ સ્થિતિ બ્લડ સુગર લેવલમાં ફેરફારને કારણે થઈ શકે છે. વાસ્તવમાં, જ્યારે બ્લડ સુગર ઓછુ અથવા વધુ હોય, ત્યારે હૃદયને વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે હૃદયના ધબકારા વધી જાય છે.
એનિમિયા
એનિમિયા એ એક હેલ્થ કન્ડીશન છે, જેમાં લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ હોય છે. આ કારણે, હૃદયને આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડવા માટે વધુ મહેનત કરવી પડે છે. આ કારણે હૃદયના ધબકારા વધી શકે છે. હૃદયના ધબકારા વારંવાર વધવાના કિસ્સામાં ડોક્ટરની સલાહ પર બ્લડ ટેસ્ટ કરાવી શકાય છે. આ સિવાય અન્ય ઘણા કારણોસર હૃદયના ધબકારા અચાનક વધી શકે છે.
આ પણ વાંચોઃ વરસાદી સિઝનમાં માટલાનું પીવો છો પાણી? તો જાણો તેના ફાયદા છે કે નુકસાન