મેં જાતે રાજીનામું આપ્યું હતું: ગંભીર આરોપોમાં પદમાંથી હટાવવાના બિલ પર અમિત શાહનું નિવેદન

નવી દિલ્હી, 20 ઓગસ્ટ 2025: જો કોઈ વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રી પર 5 વર્ષથી વધુ સજાના જોગવાઈ ધરાવતા કેસમાં આરોપ લાગે, તો તેમણે પદ છોડવું પડશે. આવા જોગવાઈ ધરાવતું બિલ ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રજૂ કર્યું છે. આ બિલને લઈને લોકસભામાં ભારે હંગામો થયો છે. કોંગ્રેસ, સપા અને આરજેડીના નેતાઓએ આ બિલનો વિરોધ કર્યો છે અને આને લોકશાહીની વિરુદ્ધ ગણાવ્યું છે. આ ઉપરાંત, AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ બિલનો વિરોધ કર્યો છે. આ દરમિયાન અમિત શાહે પોતાનું જ ઉદાહરણ આપ્યું અને જણાવ્યું કે રાજનીતિમાં શુદ્ધતા જાળવવા માટે આ બિલ જરૂરી છે અને આપણે આપણી જવાબદારીથી ભાગી શકીએ નહીં.
અમિત શાહે આપ્યું પોતાનું ઉદાહરણ
અમિત શાહે પોતાનું ઉદાહરણ આપતાં કહ્યું, “જ્યારે હું ગુજરાતમાં મંત્રી હતો, ત્યારે મારા પર આરોપ લાગ્યા હતા. મેં તે સમયે પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કોર્ટના આદેશોનું પાલન કર્યું. આરોપોમાંથી મુક્ત થયા બાદ અને સંવિધાન હેઠળ પદ ગ્રહણ કરવાનો અધિકાર મળ્યા બાદ જ મેં ફરીથી જવાબદારી સ્વીકારી.” તેમણે વધુમાં કહ્યું કે આ બિલ દેશમાં ભ્રષ્ટાચાર રોકવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે અને રાજનીતિમાં શુદ્ધતાને પ્રોત્સાહન આપશે.
બિલને લઈને વિપક્ષનો વિરોધ
કેટલાક વિપક્ષી સાંસદોએ આ બિલને ઉતાવળમાં લાવવામાં આવ્યું હોવાનું ગણાવ્યું. આના જવાબમાં અમિત શાહે ચર્ચા દરમિયાન ઊભા થઈને કહ્યું, “જો આવી વાત છે, તો હું તમને જણાવું છું કે આ બિલને સંયુક્ત સમિતિ (JPC)ને મોકલવામાં આવશે.” આ બિલોમાં સંવિધાન (130મો સુધારો) બિલ 2025, કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સુધારો) બિલ 2025, અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ 2025નો સમાવેશ થાય છે.
મમતા બેનર્જીનો વિરોધ: ‘સુપર ઈમરજન્સી’
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ બિલનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે આવું બિલ વિપક્ષી સરકારો સામે હથિયાર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. મમતા બેનર્જીએ કહ્યું, “આવું બિલ દેશમાં લોકશાહીને હંમેશા માટે ખતમ કરી દેશે અને આ સુપર ઈમરજન્સી તરફ એક મોટું પગલું છે.” આ દરમિયાન, લોકસભામાં કેટલાક વિપક્ષી સાંસદોએ બિલની નકલો ફાડી નાખી હોવાના સમાચાર છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ કયા સાંસદોએ કર્યું. હાલમાં લોકસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી માટે સ્થગિત કરવામાં આવી છે.
આ પણ વાંચો : દિલ્હીના મુખ્યપ્રધાન રેખા ગુપ્તા પર હુમલો કરનારા રાજકોટના યુવકની માતાએ શું કર્યો મોટો ખુલાસો? જુઓ વીડિયો












