ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

હું ભાગેડુ નથી, મારો પાસપોર્ટ સસ્પેન્ડ થયો હોવાથી ભારત પરત ફરી શકતો નથી: મેહુલ ચોક્સી

  • પંજાબ નેશનલ બેંક સાથે 13,400 કરોડની કથિત છેતરપિંડીમાં આરોપી મેહુલ ચોક્સીએ મોટું નિવેદન આપ્યું 

નવી દિલ્હી, 24 મે: પંજાબ નેશનલ બેંક સાથે 13,400 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીના આરોપી અને દેશ છોડીને ગયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીનું આજે શુક્રવારે મોટું નિવેદન સામે આવ્યું છે. તેનું કહેવું છે કે, તેને ‘ભાગેડુ’ કહી શકાય નહીં, કારણ કે તે ભારત આવવા ઇચ્છુક છે, પરંતુ ઘણા કારણોસર તે ભારત પરત ફરી શકતો નથી. તેનું એક મોટું કારણ એ પણ છે કે, તેનો પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મેહુલ ચોક્સીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં પોતાના વકીલ મારફતે આ વાત કહી છે.

મેહુલ ચોક્સી ભારતમાં વોન્ટેડ આર્થિક અપરાધી છે. મેહુલ ચોક્સી પર, તેના ભત્રીજા અને ગીતાંજલિના સ્થાપક નીરવ મોદી સાથે મળીને પંજાબ નેશનલ બેંક (PNB) સાથે રૂ. 13,400 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. નીરવ મોદી પણ હાલ લંડનમાં જ છે અને ત્યાં ભારત પ્રત્યાર્પણ કેસમાં કોર્ટ કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે.

‘મારો પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, હું ભાગેડુ નથી’

મેહુલ ચોક્સીએ મની લોન્ડરિંગના કેસની સુનાવણી કરતી વિશેષ અદાલતને જણાવ્યું હતું કે, તેણે ફોજદારી સુનાવણીને ટાળવા માટે ભારત છોડ્યું નથી તેમજ તે દેશમાં પરત ફરવાની ના પાડી રહ્યો નથી. તેનું કહેવું છે કે, ભારતીય સત્તાવાળાઓએ તેનો પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધો છે, તેથી તે ભારત પરત ફરી શકતો નહીં. તેથી તેને ‘ભાગેડુ આર્થિક અપરાધી’ જાહેર કરી શકાય નહીં.

મેહુલ ચોક્સીએ કોર્ટમાં અરજી દાખલ કરીને તેના પાસપોર્ટ સસ્પેન્શન સાથે સંબંધિત દસ્તાવેજો માંગ્યા છે. આ જ સમયે, તેની સામે ચાલી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ED) તપાસ સાથે સંબંધિત કાગળો મંગાવવાની સૂચના આપવા માટે વિનંતી કરી છે. મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કોર્ટને જણાવ્યું કે, તેમના ક્લાઈન્ટ સામે હાલની કાર્યવાહી તેમને ભાગેડુ આર્થિક ગુનેગાર (FEO) જાહેર કરવાની EDની અરજી સાથે સંબંધિત છે. તેથી, કેસમાં ન્યાયી નિર્ણય માટે, કોર્ટે સંબંધિત દસ્તાવેજો મંગાવવાની જરૂર છે.

‘ભાગેડુ આર્થિક અપરાધી’ કોને કહેવાય છે?

દેશમાં કોઈને ભાગેડુ આર્થિક અપરાધી(Fugitive Economic Offender) જાહેર કરવા સંબંધિત સ્પષ્ટ કાયદો છે. જેનું નામ ફ્યુજીટિવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ 2018 છે. આ મુજબ, એવી વ્યક્તિને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરી શકાય છે જેની સામે ભારતીય અદાલત દ્વારા નિર્ધારિત ગુના પર ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોય અને તેણે ફોજદારી કાર્યવાહીથી બચવા માટે ભારત છોડી દીધું છે અથવા ફોજદારી કાર્યવાહીનો સામનો કરવાનું ટાળવા માટે તે દેશમાં પરત ફર્યો ન હોય.

મેહુલ ચોક્સીના વકીલનું કહેવું છે કે, EDની અરજી દર્શાવે છે કે ચોક્સીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા માટે બેમાંથી કોઈ પણ શરત પૂરી થતી નથી. મેહુલ ચોક્સીએ દાવો કર્યો હતો કે, ફેબ્રુઆરી 2018માં તેણે તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે તેની સામે જારી કરાયેલા સમન્સનો જવાબ EDને આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, તે ભારત પરત ફરી શકશે નહીં કારણ કે ભારતીય સત્તાવાળાઓ દ્વારા તેનો પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોતાની અરજીમાં તેણે પાસપોર્ટ ઓફિસ તરફથી જારી કરાયેલી નોટિસ પણ શેર કરી છે. મેહુલ ચોક્સીની અરજી પર કેસની સુનાવણી કરી રહેલી PMLA વિશેષ અદાલતે ED પાસે જવાબ માંગ્યો છે. હવે આ કેસની સુનાવણી 3 જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે.

આ પણ જુઓ: OBC સર્ટિફિકેટ રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના ચુકાદાને ગુજરાત ભાજપે આવકાર્યો

Back to top button