ટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

ભારતીયો કેવી રીતે ખરીદી કરવાનું પસંદ કરે છે, ઑનલાઈન કે શો-રુમમાંથી? સર્વેમાં મોટો ખુલાસો

  • સર્વે પ્રમાણે કપડાં ખરીદીના વિકલ્પોની વિશાળ શ્રેણી ઓફર કરતી લોકપ્રિય વેબસાઇટ્સ સાથે ઑનલાઈન શોપિંગ ચોક્કસપણે વધ્યું છે, પરંતુ ખરીદીમાં મોલ્સ અને સ્ટોર્સનું પ્રભુત્વ વધારે

HD ન્યૂઝ ડેસ્ક, 22 એપ્રિલ: ભારતમાં કાપડ ઉદ્યોગનો વ્યાપ ઘણો મોટો છે અને વિશ્વભરની કપડાંની બ્રાન્ડ અહીં વેચાય છે. આ દરમિયાન, ખરીદીના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. કેટલાક લોકો દરજીઓ દ્વારા કપડાં સિલાઇ કરાવે છે, તો કેટલાક શોરૂમમાંથી કપડાં ખરીદવાનું પસંદ કરે છે, જ્યારે આજના સમયમાં કપડાંની ઓનલાઈન ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ એક સર્વેમાં કપડાંની ખરીદીને લઈને એક મોટી વાત પ્રકાશમાં આવી છે કે ભલે ઑનલાઈન શોપિંગ વધી ગયું હોય પણ લોકો કપડાંની વાત આવે ત્યારે મોલ્સ અને સ્ટોર્સમાં જવાનું વધુ સારું માને છે.

ઑનલાઈન શોપિંગ કરતાં મોલ અને સ્ટોર્સનું પ્રભુત્વ વધારે

બિઝનેસ ટુડે પર પ્રકાશિત લોકલસર્કલ્સના સર્વે મુજબ કપડાની ખરીદીના વિકલ્પોની વિશાળ શ્રેણી ઓફર કરતી લોકપ્રિય વેબસાઇટ્સ સાથે ઑનલાઈન શોપિંગમાં ચોક્કસપણે વધારો થયો છે, પરંતુ મોલ્સ અને સ્ટોર્સમાંથી કપડાંની ખરીદી કરતો વર્ગ હજુ પણ વધારે છે. જો આપણે સર્વેના પરિણામોને સંક્ષિપ્તમાં સમજીએ તો લગભગ અડધા ઉત્તરદાતાઓએ સ્વીકાર્યું કે તેઓ હજુ પણ કપડાં ખરીદતા પહેલા મોલ્સ અને દુકાનો પર આધાર રાખે છે.

શા માટે મોલ્સ અને સ્ટોર્સ હજુ પણ પ્રભુત્વ ધરાવે છે?

LocalCircles ના સર્વેક્ષણનાં પરિણામોને જોતા 47 ટકા ઉત્તરદાતાઓએ સૂચવ્યું કે તેઓ મુખ્યત્વે કપડાં ખરીદવા માટે મોલ અથવા સ્ટોરમાં જવાનું પસંદ કરે છે, જ્યાં તેઓને કપડાં ખરીદતા પહેલા તેને ચેક (ટ્રાય) કરવાની તક મળે છે. આ સિવાય 40 ટકા ઉત્તરદાતાઓએ કહ્યું કે કપડાંની ખરીદી એ સ્ટોરમાંથી તેમજ ઓનલાઈન બંને રીતે કરે છે.

ઈ-કોમર્સ બિઝનેસ ખૂબ જ મોટો, પરંતુ કપડાં ખરીદવામાં હજુ પણ પાછળ

ભલે ભારતમાં ઈ-કોમર્સ બિઝનેસ સતત વધી રહ્યો છે અને વિશ્વભરની બ્રાન્ડ્સના ઑનલાઈન સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આ સાથે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર શોપિંગ પર પણ ઘણી છૂટ આપવામાં આવી રહી છે. આ બધું હોવા છતાં દેશમાં કપડા ખરીદવાના મામલે ઑનલાઈન પ્લેટફોર્મ પાછળ છે. સર્વેક્ષણ મુજબ ફક્ત 4 ટકા પરિવારો હવે કપડાં ખરીદવા માટે તેમની વિશિષ્ટ ચેનલ તરીકે ઈ-કોમર્સનો ઉપયોગ કરે છે, જ્યારે 9 ટકા લોકોએ કહ્યું કે તેઓ તેમના કપડાંને કસ્ટમ-મેઇડ અથવા ટેલર-મેઇડ પસંદ કરે છે.

આ સર્વેમાં 11,632 લોકોના મંતવ્યો સામેલ કરવામાં આવ્યા હતા અને 4 ટકા ઉત્તરદાતાઓ જેમણે કપડાંની ઑનલાઈન શોપિંગને વધુ મહત્વ આપ્યું હતું તેમણે પણ તેની પાછળના ઘણાં કારણો દર્શાવ્યા હતા. 37 ટકા લોકોએ કહ્યું કે તેઓ સારા ડિસ્કાઉન્ટને કારણે ઓનલાઈન કપડા ખરીદે છે, જ્યારે 29 ટકા લોકોએ કહ્યું કે ખરીદી કર્યા બાદ રિટર્ન અને રિફંડની સુવિધાને કારણે ઑનલાઈન ખરીદી વધુ સારી છે. આ સિવાય 26 ટકા લોકોએ કહ્યું કે ઑનલાઈન શોપિંગ દરમિયાન કપડાંની વિવિધ રેન્જ ઉપલબ્ધ છે, જેમાં જૂનીથી લઈને લેટેસ્ટ ડિઝાઈનનો સમાવેશ થાય છે, તેથી તે એક સારો વિકલ્પ છે.

લોકો હજુ પણ કેમ મોલ અને સ્ટોર્સને વધુ મહત્ત્વ આપે છે?

ઑનલાઈન શોપિંગ પર ડિસ્કાઉન્ટથી લઈને રિટર્ન અને રિફંડ સુધીની સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં સર્વેમાં કુલ ઉત્તરદાતાઓએ કપડાં ખરીદવા માટે મોલ્સ અને સ્ટોર્સમાં જવાને વધુ મહત્વ આપ્યું છે. જો આપણે તેની પાછળના મુખ્ય કારણો વિશે વાત કરીએ તો 81 ટકા લોકોએ સ્ટોર્સ અને મોલમાં કપડાં ચેક (ટ્રાય) કરવાની સુવિધાને મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમાંથી 28 ટકા લોકોએ કહ્યું કે તેઓ આ રીતે ખરીદી કરવાનું પસંદ કરે છે કારણ કે તેઓ બજારની દુકાનો પર સારી રીતે સોદાબાજી કરીને કપડાં ખરીદી શકે છે.

ઑનલાઈન કપડાની ખરીદીથી કેમ દૂર રહેવું?

રિપોર્ટ અનુસાર, આ સર્વેના પરિણામોમાં પ્રકાશમાં આવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન ઑનલાઈન કપડાં ખરીદવાના ચલણમાં ઝડપથી વધારો થયો હતો, પરંતુ જેમ જેમ પ્રકોપ ઓછો થયો ગ્રાહકો ફરીથી મોલ અને દુકાનો તરફ વળ્યા છે. કપડાંની ખરીદી સ્થાનિક દુકાનો અને મોલમાં હાજર વિવિધ બ્રાન્ડની દુકાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. રિપોર્ટમાં પ્રકાશમાં આવ્યું છે કે ઑનલાઈન કપડાં ખરીદતી વખતે સૌથી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ડિલિવરી ચાર્જ અને ઑનલાઈન પ્લેટફોર્મ દ્વારા રિટર્ન ચાર્જ જેવાં કારણો સૌથી વધુ હતા.

જીડીપીમાં કાપડ ઉદ્યોગનો આટલો મોટો ફાળો

ભારતીય કાપડ અને વસ્ત્રો ઉદ્યોગ ભારતના જીડીપીમાં લગભગ બે ટકા યોગદાન આપે છે અને ઔદ્યોગિક ઉત્પાદનમાં તેનો હિસ્સો 14 ટકા છે. ઈન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સ (ICC)ના એક અહેવાલ મુજબ, દેશના વિદેશી મુદ્રા પ્રવાહમાં તેનું યોગદાન 27 ટકા અને દેશની નિકાસ આવકમાં 13 ટકા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2024માં કુલ ભારતીય વસ્ત્રોના વપરાશનો ખર્ચ વધીને રૂ. 9.35 લાખ કરોડ થવાની ધારણા છે.

આ પણ વાંચો: ઝોમેટોના આ પગલાંથી તમારા ખિસ્સા પર કેટલો ભાર વધશે?

Back to top button