ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહિલા અનામત બિલઃ અરજીને ધ્યાનમાં લેવા હાઈકોર્ટેનો ઇનકાર

નવી દિલ્હી, 18 ડિસેમ્બર: દિલ્હી હાઈકોર્ટે 2024ની લોકસભા ચૂંટણી પહેલા મહિલા અનામત બિલ 2023ના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL)ને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો. બુધવારે એટલે 13 ડિસેમ્બરના રોજ આ અંગે રૂલિંગ આપતા એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મિની પુષ્કર્ણાની ડિવિઝન બેન્ચે એમ પણ કહ્યું કે સંસદે પહેલેથી જ કહ્યું છે કે સીમાંકન પ્રક્રિયા પછી એક્ટની જોગવાઈઓ અમલમાં આવશે અને તેથી કોર્ટ પણ કંઈ કરી શકે નહીં. આ બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત ફરજિયાત કરે છે.

અંતે અરજદારે અરજી પાછી લીધી

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આ કાયદો સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. કોર્ટ આની વિરુદ્ધ કેવી રીતે જઈ શકે? કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એએસજી ચેતન શર્માએ કહ્યું કે હવે આ બિલ કાયદો બની ગયો છે અને આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે તે સીમાંકન બાદ અમલમાં આવશે. ત્યારબાદ કોર્ટે કાયદાની જોગવાઈ પર વિચાર કરતા કહ્યું કે જો અરજદારો આ કાયદાને જલ્દી લાગુ કરવા ઈચ્છે છે તો આ માટે કાયદાકીય જોગવાઈમાં ફેરફાર કરવો પડશે. જો કે, કોર્ટ આ અધિનિયમની કલમ 334Aનું ઉલ્લંઘન કરી શકે નહીં. જે બાદ અરજદારે અરજી પાછી ખેંચી લીધી હતી.

અરજીમાં અનામત વહેલી તકે લાગુ કરવાની વાત

અગાઉ અરજદારે દિલ્હી હાઈકોર્ટની સિંગલ બેન્ચમાં અરજી કરી હતી. જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની સિંગલ બેન્ચે 15 ડિસેમ્બરે કહ્યું હતું કે અરજદારનો આમાં કોઈ અંગત હિત નથી અને તેણે આ અંગે PIL દાખલ કરવી જોઈએ. આ અરજી યોગમાયા MGએ દાખલ કરી હતી. અરજીમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા અનામત લાગુ કરવાના આદેશની માંગ કરાઈ હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રાજકારણમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે આ કાયદાને અસરકારક રીતે લાગુ કરવો જરૂરી છે. જો તેનો અમલ કરવામાં વિલંબ થશે તો તે લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ હશે.

લોકસભા ચૂંટણી પહેલા કાયદો અમલમાં મૂકવાની માગ

હકીકતમાં, 21 સપ્ટેમ્બરે સંસદે મહિલા અનામતને લઈને કાયદો પસાર કર્યો હતો. આ કાયદામાં સીમાંકન બાદ મહિલા અનામતનો અમલ કરવાની જોગવાઈ કરાઈ છે. જો સીમાંકન પછી આ કાયદો અમલમાં આવશે. ટૂંકમાં તે 2024 પછી લાગુ થશે. કોંગ્રેસ નેતા જયા ઠાકુરે આ માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. જયા ઠાકુરની અરજીમાં કહેવામાં આવ્યું છે કે સીમાંકન પછી નારી શક્તિ વંદન એક્ટ 2023 લાગુ કરવાની જોગવાઈ દૂર કરવામાં આવે અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ કાયદો અમલમાં મૂકીને તેની સાચી ભાવનાથી અમલ કરવામાં આવે.

આ પણ વાંચો: મહિલા અનામત બિલને લઈને નિર્મલા સીતારમણે આપ્યું અપડેટ, જાણો ક્યારે થશે લાગુ?

Back to top button