ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે ચાર આરોપીઓના જામીન મંજૂર કર્યા

Text To Speech

વડોદરા, 08 મે 2024, હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષક સહિત કુલ 14 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં વડોદરાના હરણી પોલીસ મથકે કુલ 18 આરોપી સામે ગુનો નોંધાયો હતો. એ પૈકી ચાર મહિલા આરોપી તેજલ દોશી, નેહા દોશી, નૂતન શાહ અને વૈશાખી શાહની જામીન અરજી વડોદરાની કોર્ટે ફગાવી દેતાં તેમણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને કોર્ટે આજે મંજૂરી આપી છે.ફરિયાદમાં નોંધાયેલા તમામ આરોપી વડોદરાના રહેવાસી છે.

2700 પાનાંની ચાર્જશીટ વડોદરાની કોર્ટમાં રજૂ કરાઈ
ફરિયાદમાં લખવામાં આવ્યું હતું કે ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડતાં બોટ પલટી ખાઈ જતાં દુર્ઘટના સર્જાઈ હતી. ન્યૂ સનરાઈઝ શાળાનાં 25 બાળક અને 4 શિક્ષક બોટ ઉપર સવાર હતાં. તેમાંથી ઘણા લોકો પાસે લાઇફ સેવિંગ જેકેટ નહોતાં. બોટ હાલકડોલક થઈને એમાં પાણી ભરાવા લાગતાં ડૂબી ગઈ હતી. 12 જેટલાં બાળકોનો બચાવ કરવામાં આવ્યો હતો. આરોપીઓમાં કોટિયા પ્રોજેક્ટના સંચાલકો, ભાગીદારો વગેરેનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે કોઈ ભયસૂચક સૂચના કે સેફ્ટીની તકેદારી રાખવામાં આવી નહોતી. આ કેસમાં 2700 પાનાંની ચાર્જશીટ વડોદરાની કોર્ટમાં રજૂ કરાઈ છે.

વધુ બાળકોને બોટમાં બેસતાં અટકાવ્યા નહોતા
બોટમાં બાળકો અને શિક્ષકો સેલ્ફી લેવા જતાં બોટ પલટી ખાઇ ગઇ હતી. શિક્ષિકાએ પણ વધુ બાળકોને બોટમાં બેસતાં અટકાવ્યા નહોતા. તળાવ ઉપર પિકનિક બસમાં 90 વ્યક્તિ આવી હતી. વર્તમાન ચાર મહિલા આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં 5 ટકા જેટલી ભાગીદારી ધરાવે છે. તેઓ સ્લીપિંગ પાર્ટનર્સ છે, જેથી અન્યનું ગુનાહિત કૃત્ય તેમની પર લાગુ પડે નહીં.સરકારી વકીલે ટ્રાયલ કોર્ટમાં ચારેય આરોપીના જામીન વિરુદ્ધ રજૂઆતો કરી હતી કે FSLના રિપોર્ટમાં દુર્ઘટના બોટ ડૂબવાથી થઈ હોવાનું સ્પષ્ટ થાય છે. તળાવ 24 ફૂટ ઊંડું હતું, પૂરતી સુરક્ષા નહોતી. કંપનીને અલગ વ્યક્તિ કહી શકાય, આ ભાગીદારી પેઢી હતી. ભાગીદાર તરીકે તેની પણ સુરક્ષાની જવાબદારી બને છે.

આ પણ વાંચોઃગુજરાત : રૂપિયા 1 કરોડના ડ્રગ્સ મામલે SOGએ ઉત્તર પ્રદેશ સુધી પીછો કરી આરોપીને પકડ્યો

Back to top button