અમદાવાદગુજરાત

રખડતાં ઢોર અંગે હાઇકોર્ટમાં સુનાવણી, પશુ માલિકોની રજૂઆતો સ્વીકારવા કોર્ટનો ઈન્કાર

Text To Speech

અમદાવાદ, 1 ડિસેમ્બર, આજથી AMCએ આજથી ઢોર પોલિસીનો ચૂસ્ત અમલ શરૂ કર્યો છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં રખડતાં ઢોર અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. હાઇકોર્ટે સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી પાસે એક અલગ રિપોર્ટ મંગાવ્યો હતો. આ રિપોર્ટમાં સ્થિતિ જૈસે થે હોવાનું જણાવાયું હતું. હાઈકોર્ટેમાં AMC અને રાજ્ય સરકારે સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી રિપોર્ટ ઉપર થયેલી કામગીરી અંગે એફિડેવિટ ફાઈલ કરી હતી. હાઇકોર્ટે ઓથોરિટીએ કરેલા કામની પ્રશંસા કરી હતી. આ સુનાવણી દરમિયાન અરજદારે પણ ઓથોરિટીના કામની પ્રશંસા કરી હતી. કોર્ટે પણ નોંધ્યુ હતું કે, ઓથોરિટી ખરેખર હવે સાચી રીતે કામ કરી રહી છે. ઉચ્ચ અધિકારીઓએ ગ્રાઉન્ડ લેવલે વ્યવસ્થાઓને એક્ટિવ કરી છે.

કામગીરીનો અહેવાલ એફિડેવિટ ઉપર આપવા હુકમ
સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, દરેક જગ્યાએ પોલીસને આ સમસ્યાઓ સંદર્ભે કડક હાથે કામ લેવા સૂચના અપાઈ છે. જ્યારે કોર્ટે આ પ્રમાણે કામગીરી ચાલુ રાખવામાં સૂચના આપી હતી. છેલ્લી સુનાવણી બાદ થયેલી કામગીરીનો અહેવાલ એફિડેવિટ ઉપર આપવા કોર્ટે સરકારને હુકમ કર્યો હતો. આજે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાવાની હતી પરંતુ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી રજા ઉપર હોવાથી કોર્ટે આગળ કાર્યવાહી ન કરાતા અગાઉના હુકમ મુજબ થયેલી કામગીરીનો પિરીયોડિક રિપોર્ટ માંગ્યો હતો. જે મુદ્દે AMCએ જણાવ્યું હતું કે, ગઈકાલે કામગીરીનો રિપોર્ટ હાઇકોર્ટમાં એફિડેવિટ ઉપર ફાઈલ કરી દેવાયો છે.

વધુ સુનાવણી 12મી ડિસેમ્બરે થશે
માલધારીઓ વતી વકીલે ત્રણ મુખ્ય સમસ્યા વર્ણવતા જણાવ્યું હતું કે, ઓથોરિટી જે પશુઓ પકડે છે, તેની યોગ્ય કાળજી રાખવામાં આવે. જો માલધારીઓ પશુઓ માટે ઘાસ-ચારો લાવતા હોય તો તો તેને રોકવામાં આવે નહિ. કારણ કે, પોલીસ સીધી પકડીને પોલીસ મથકે લઇ જાય છે. ઢોર રાખવા લાયસન્સ મેળવવાની આજે છેલ્લી તારીખ છે, પરંતુ ઘણી લાયસન્સ અરજી પેન્ડિંગ છે. જેથી આવા ઢોર માલિકના ઢોર કબજે ન કરાય. AMCએ જણાવ્યું હતું કે, પોલિસી પ્રમાણે કામગીરી થશે જ. કોર્ટે પણ તેમાં હસ્તક્ષેપનો ઇનકાર કરીને વધુ સુનાવણી 12 ડિસેમ્બરે રાખી હતી અને ત્યારે રજૂઆત કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિસિપલ હદ વિસ્તારમાં લાઈસન્સ વિનાના ઢોર પકડાશે તો પશુ માલિક પર કાર્યવાહી થશે

Back to top button