એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ અનેક વખત વિદ્યાર્થીઓને ઇમોશનલ થઇને કહ્યું કે, ભઇ આનાથી દૂર રહેજો
અમદાવાદ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્ય સ્તરે સતત ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. ગુજરાત પોલીસ અનેક જગ્યાએ દરોડા પાડીને ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. દરમિયાન સુરત જિલ્લાના બારડોલી સ્થિત ઉકા તરસાડિયા યુનિવર્સિટી કેમ્પસના ઓડિટોરિયમ હોલમાં પોલીસ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ડ્રગ્સથી દૂર રહેવા માટે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા માટે હર્ષ સંઘવી પહોંચ્યા હતા.
પોલીસ અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમના જીવન વિશે કંઈક એવું કહ્યું જે સાંભળીને બધા દંગ રહી ગયા હતા. હર્ષ સંઘવીએ નિખાલસ ભાવે જણાવ્યું હતુ કે, તે નાની ઉંમરે ધંધા માટે વિદેશ જતા હતા ત્યારે તેમને સિગારેટની લત ક્યારે લાગી ગઈ તેની ખબર પણ ન રહી. તેમના જણાવ્યા અનુસાર, આ લત એવી પડી કે વર્ષો સુધી તેની પકડમાંથી છૂટી શક્યા નહીં. સિગરેટની ચૂંગલમાંથી છૂટવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે, તેઓ જણાવે છે કે તેમની સિગરેટની લત છૂટ્યા પછી તેમને નવું અવતાર મળ્યું હોય તેવો અનુભવ થઇ રહ્યો હતો.
હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને ચેતવતા કહ્યું કે, ધ્યાન રાખજો સિગરેટની લતમાં ફસાતા વાર લાગતી નથી. હર્ષ સંઘવીએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીનું પદ સંભાળ્યું તે પછી તેઓ ડ્રગ્સ અને નશીલા પદાર્થો પાછળ હાથ ધોઇને પડી ગયા છે. કેમ કે તેઓ જાણે છે કે, નશો માણસનું જીવન બર્બાદ કરી નાંખે છે. તેઓ પોતે પોતાના માટે કહી ચૂક્યા છે કે, વ્યસન છોડયું ત્યારે મારૂ નવજીવન શરૂ થયું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, મે સિગારેટ છોડી ત્યારે લાગ્યું કે હું જીવન જીવી રહ્યો છું #bjp #smoking #smoke #drugaddiction #HarshSanghvi #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/G9h7hzcfiz
— Hum Dekhenge News (@humdekhengenews) June 28, 2023
ગુજરાતમાં ડ્રગ્સ પર હર્ષ સંઘવીએ કસ્યો પંજો; અત્યાર સુધી તેમની આગેવાનીમાં પકડ્યું કરોડો રૂપિયાનું ડ્રગ્સ
- 23 એપ્રિલ 2022, વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
- 21 એપ્રિલ 2022, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું
- 3 માર્ચ 2022, અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
- 12 ફેબ્રુઆરી 2022, અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
- 30 ઓક્ટોબર 2022, ગુજરાતના દરિયાકાંઠેથી 200 કરોડનું 40 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું
- 15 નવેમ્બર 2021, મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
- 10 નવેમ્બર 2021, દ્વારકામાંથી 65 કિલો ડ્રગ્સ ઝડપાયું
- 10 નવેમ્બર 2021, સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું
- 24 ઓક્ટોબર 2021, અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું
- 12 ઓક્ટોબર 2021, બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
- 10 ઓક્ટોબર 2021, સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
- 27 સપ્ટેબર 2021, બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું
- 24 સપ્ટેબર 2021, સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
- 23 સપ્ટેબર 2021, પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
- 16 સપ્ટેમ્બર 2021, મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો, 21 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત
આ પણ વાંચો-નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી કોઈ લવજેહાદ કરશે તો છોડીશું નહી: હર્ષ સંઘવી
નશો છોડવા પોતાની જાત સાથે જ કર્યો સંઘર્ષ
હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓ નશાની લતથી દૂર રહે તે માટે તેમને પોતાનો જ દાખલો આપતા કહ્યું હતું કે, હું કહેવા માંગુ છું કે તમારે શા માટે સમજવાની જરૂર છે કે આ ડ્રગ્સ, સિગારેટ, આલ્કોહોલ કેવા પ્રકારની દલદલ છે. હું ખૂબ જ નાની ઉંમરે વિશ્વના ઘણા દેશોમાં ગયો અને મને પણ સિગારેટ પીવાની આદત લાગી ગઈ હતી. મારા જીવનમાં રોજ રોજ હું મારી જાત સાથે લડતો હતો કે આને ક્યારે છોડી દઉં. ઉલ્લેખનિય છે કે, ક્યારેય પણ રાજકીય વ્યક્તિ પોતાની ભવિષ્યની ખરાબ આદતનો ઉલ્લેખ કરતો નથી પરંતુ હર્ષ સંઘવીએ નિસ્વાર્થ અને નિખાલસ ભાવે વિદ્યાર્થીઓને તેમના જ જીવનનો દાખલો આપીને નશાનો શિકાર ન બનાવાની સલાહ આપી હતી. કેમ કે, તેઓ સિગરેટના નશાની આદતમાંથી મહામુશ્કેલીએ બહાર આવી શક્યા હતા. તેઓ જાણે છે કે નશો યુવા પેઢીના ભવિષ્યને બર્બાદ કરી શકે છે.
આ નશામાંથી બહાર આવવાનો રસ્તો ઘણો અઘરો
સંઘવીએ કહ્યું કે, આ સિગારેટ છોડતાં મને ઘણા વર્ષો લાગ્યા અને જે દિવસે મેં છોડી ત્યારે મને લાગ્યું કે મેં મારું જીવન ફરી મેળવ્યું છે. હું તમને બધાને વિનંતી કરું છું કે તમને એ વાતનો અહેસાસ પણ નહીં થાય કે તમે આ દલદલમાં કેવી ફસાઈ ગયા. કારણ કે જ્યારે તમે ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાની દુનિયામાં હશો ત્યારે તમને ખ્યાલ નહીં હોય કે ફેશન જોતા જોતા તમે આ નશામાં ક્યારે ફસાઇ ગયા અને અહીંથી તમને પાછા ફરવાનો કોઈ રસ્તો જ નહીં મળે.
વિદ્યાર્થીઓને વારંવાર કહ્યું- નશાની લતથી દૂર રહેજો
તે ઉપરાંત હર્ષ સંઘવીએ સાવચેતી રાખવા માટે વિદ્યાર્થીઓને કહ્યું કે, તમારા જીવનમાં શાળાથી લઇને કોલેજ સુધીમાં તમને અનેક પ્રકારના લોકો મળશે, જેઓ સિગરેટના ધૂમાડા કાઢતી ફેશન પણ મારતા હશે. તેથી તમારે તેવી સ્ટાઇલ મારતા લોકોથી પ્રભાવિત થવું જોઈએ નહીં. તમે તમારા પરિવાર અને તમારા મિત્રોને તેનાથી દૂર રાખવા માટે તમે હંમેશા પ્રેરણારૂપ સાબિત થજો.
તેમને પોતાના સંબોધનમાં એક વખત નહી પરંતુ અનેક વખત વિદ્યાર્થીઓને નશાની લતથી દૂર રહેવા માટે કહ્યું હતું. આ દરમિયાન તેઓ પોતે પણ ભાવૂક થઇ ઉઠ્યા હતા. સંબોધનના અંતે પણ વિદ્યાર્થીઓને તેમને કહ્યું કે, હું એકવાર ફરીથી તમને કહું છું કે, નશો એક મોટું દૂષણ છે, તે એક એવો કાદવ છે, જેમાંથી છૂટકારો મેળવવો સહેલો નથી.
હર્ષ સંઘવીની નશાની લતને લઇને ગંભીરતા નીચેના આંકડા તપાસશો પછી ખ્યાલ આવશે
WHO પ્રમાણે દુનિયામાં દર વર્ષે આશરે 80 લાખ લોકો તમાકુથી મૃત્યુ પામે છે. 70 લાખ લોકો એવા હોય છે, જેઓ તમાકુનું સેવન કરવાથી મૃત્યુ પામે છે. જ્યારે 12 લાખ લોકો ધૂમ્રપાન કરતાં લોકોના સંપર્કમાં આવીને બીમાર થાય છે અને મૃત્યુ પામે છે. દર વર્ષે તમાકુના સીધા ઉપયોગના કારણે લગભગ 70 લાખ લોકોનાં મૃત્યુ થાય છે. દર વર્ષે બીડી અને સિગારેટના ધુમાડો શ્વાસમાંથી આવવાથી ધૂમ્રપાન ન કરતાં નવ લાખ લોકોનાં પણ મૃત્યુ થાય છે.
ભારતમાં જ દર વર્ષે 10 લાખ લોકોના મોત તમાકુના કારણે થાય છે
WHOના રિપોર્ટસ મુજબ, આ મૃત્યુના આંકડાઓમાં ત્રીજા ભાગના બાળકો હોય છે જેમને ઘર કે આસપાસના વિસ્તારમાં થતા ધૂમ્રપાનના કારણે બીમારી પડી મૃત્યુ પામે છે. બીજા લોકોએ કરેલા વ્યસનના કારણે માસુમ બાળકો ભોગ બની રહ્યા છે. એકલા ભારતમાં જ વર્ષે 10 લાખ લોકો તમાકુના સેવનના કારણે મૃત્યુને ભેટે છે.
ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વેના આંકડાઓ મુજબ, દેશના 35% લોકો તમાકુના વ્યસનના બંધાણી થયેલા છે. તમાકુનું સેવન કરનારા લોકોની ભારતમાં સંખ્યા 27.5 કરોડ માનવામાં આવી રહી છે. આ પૈકી 16.37 કરોડ લોકો ધૂમ્રપાન વગરના તમાકુનું સેવન કરે છે જ્યારે 6.9 કરોડ લોકો ધૂમ્રપાન કરે છે. 4.23 કરોડ લોકો ધૂમ્રપાન પણ કરે છે અને તમાકુ ખાય પણ છે.
ભારતમાં દર વર્ષે ધૂમ્રપાનના કારણે થતી બીમારીઓની સારવાર પાછળ 90 કરોડ ડોલર જેટલી માતબર રકમનો ખર્ચ થાય છે. દેશમાં વર્ષે 29 કરોડ ડોલરનો ખર્ચ અન્ય તમાકુથી થતા રોગની સારવાર પાછળ ખર્ચ થાય છે. આ તમામ આંકડા પાંચ વર્ષ પહેલાના હોવાથી આમાં પણ અનેક ઘણો વધારો થયો હોઇ શકે છે.
આ પણ વાંચો- અમદાવાદમાં રહીને આતંકી સંગઠનનો પ્રચાર પ્રસાર કરતા આરોપીઓનો કેસ NIAને અપાયો