અમદાવાદગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

હાર્દિકની નારાજગી કોંગ્રેસને પડી રહી છે ભારે, હવે રાહુલ ગાંધી મનામણા માટે મેદાને…

Text To Speech

હાર્દિક પટેલની નારાજગી કોંગ્રેસ માટે સાપે છછૂંદર ગળ્યા જેવી પરિસ્થિતી સમાન બની છે. એક તરફ એક બાદ એક ધારાસભ્યો અને નેતાઓને ખેળવતું ભાજપ આક્રમક રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસની શિથિલ નિર્ણાયક શક્તિને કારણે પક્ષમાં એક બાદ એક ગાબડાં પડી રહ્યા છે. તેવામાં હવે નારાજ હાર્દિક પટેલને મનાવવા ખુદ રાહુલ ગાંધી મેદાને આવ્યા છે.

વિવિધ પક્ષોના ભરતી મેળાઓ વચ્ચે હાર્દિક પર નજર
એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી તરફ તમામ રાજકીય પક્ષોમાં નેતાઓમાં નારાજગી અને પક્ષ પલટાનો દોર શરૂ થઇ ગયો છે. તેવામાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ હાલ પ્રદેશ નેતૃત્વથી નારાજ છે. તેમનો દાવો છે કે, તેમણે આ અંગે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને પણ જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી યુનિટમાં મતભેદો દૂર કરવા માટે ગુજરાત કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સાથે વાતચીત કરી છે, જેઓ લાંબા સમયથી નારાજ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હાર્દિક પટેલે ટ્વીટર બાયોમાંથી કોંગ્રેસનો ઉલ્લેખ હટાવ્યો હતો. જીગ્નેશ મેવાણીના સત્કાર સમારોહના બેનરમાંથી પણ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની બાદબાકી કરવામાં આવી હતી.

રાહુલ ગાંધી હાર્દિક સાથે સંપર્કમાં છેઃ સૂરજેવાલા
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને પાર્ટીમાં રહેવાનો સંદેશો પણ મોકલ્યો છે. સાથે સાથે પક્ષના પ્રભારી અને અન્ય આગેવાનોને હાર્દિકનો સંપર્ક કરીને ચાલી રહેલા મતભેદો ઉકેલવા જણાવાયું છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ પણ પુષ્ટિ કરી છે કે, પાર્ટીની ટોચના નેતૃત્વએ હાર્દિક સાથે વાત કરી છે.

 

Back to top button