શીખ ધર્મનું અપમાન કરનાર પાકિસ્તાની ક્રિકેટર પર ભડક્યો હરભજન; જુઓ વિડીયો
11 જૂન, ન્યૂયોર્ક: ભૂતકાળમાં પણ ઘણા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો હિંદુ કે અન્ય ધર્મની મજાક ઉડાવતા હોય તેવા ઉદાહરણો આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આ યાદીમાં નામ ઉમેરાયું છે કામરાન અકમલનું. કામરાન અકમલ ભૂતપૂર્વ પાકિસ્તાની વિકેટ કીપર છે અને તેને એક લાઈવ ટીવી ચર્ચામાં શીખ ધર્મનું અપમાન કર્યું હતું. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંઘ અકમલ પર ભડક્યો હતો અને તેને ઇતિહાસની યાદ અપાવી હતી.
આ ઘટના ત્યારે બની હતી જ્યારે રવિવારે મોડી રાત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC T20 World Cup 2024ની રોમાંચક પોતાના ચરમ ઉપર હતી. છેલ્લી બે ઓવર્સ કોણ નાખશે એ બાબતની ચર્ચા કરતાં કામરાન અકમલે કહ્યું હતું કે, ‘છેલ્લી ઓવર કદાચ અર્શદીપ સિંઘને આપવામાં આવશે. પરંતુ તેની આ મેચમાં રીધમ દેખાઈ નથી રહી, એવું નથી કે છેલ્લી ઓવરમાં પણ એને રીધમ ન મળે, એ રીધમમાં પરત પણ આવી શકે છે. બાકી બાર વાગી ગયા છે તો પાજી બારાહ બજ ગયે હૈ..’ આટલું કહીને કામરાન અકમલ હસવા લાગ્યો હતો.
કામરાનની વાત સાંભળીને તેની બાજુમાં બેઠેલો કોઈ પાકિસ્તાની ક્રિકેટ એક્સપર્ટ પણ બોલી ઉઠ્યો હતો કે ‘બાર વાગ્યા પછી કોઇપણ …નો ભરોસો ન કરાય!’
આ ચર્ચાનો વિડીયો સોશિયલ મીડિયા સાઈટ X ઉપર ખાસ્સો વાયરલ થઇ ગયો હતો. જ્યારે પૂર્વ ક્રિકેટર હરભજન સિંઘના ધ્યાનમાં આ વિડીયો આવ્યો ત્યારે તેણે કામરાન અકમલને શીખ ધર્મનું અપમાન કરવા બદલ શાબ્દિકરૂપે ધોઈ નાખ્યો હતો. તેણે અકમલને સંબોધીને લખ્યું હતું કે, ‘કામરાન અકમલ, શીખ ધર્મ અંગે તારું મોઢું ખોલતા અગાઉ તારે તેનો ઈતિહાસ જાણી લેવો જોઈએ. જ્યારે ભૂતકાળમાં તમારી માતાઓ અને બહેનોને આક્રમણખોરો ઉપાડીને લઇ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અમે શીખોએ તેમને બચાવ્યા હતા અને આ સમયે બરાબર બાર વાગ્યા હતા.’
આમ કહીને હરભજને કામરાન અકમલને યોગ્ય જવાબ તો આપી દીધો હતો. પરંતુ અહીં જોવાની ખૂબી એ છે કે એ જ અર્શદીપ સિંઘે જ્યારે પાકિસ્તાનને જીતવા માટે છેલ્લી ઓવરમાં 18 રન્સ જોઈતાં હતા એ કરવા દીધા ન હતા અને ભારતને એક અશક્ય વિજય અપાવવામાં મદદ કરી હતી. ત્યારબાદ એ જ પાકિસ્તાની ટીવી ચેનલ પર એ જ કામરાન અકમલ રડવા જેવો થઇ ગયો હતો.