પંજાબની રાજ્યસભા બેઠક કેટલામાં વેચી હતી? ગદ્દાર કહેવાતા ભડક્યા હરભજન સિંહ

Harbhajan Singh BJP: આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં સામેલ થયેલા રાજ્યસભા સાંસદ અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે (Harbhajan Singh) પોતાને ‘ગદ્દાર’ કહેનારા વિરોધીઓ સામે મોરચો ખોલ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક આક્રમક પોસ્ટ શેર કરીને પૂર્વ સ્પિનરે કોઈનું નામ લીધા વિના ‘આપ’ ના ટોચના નેતૃત્વ પર પંજાબને લૂંટવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. હરભજન સિંહે પલટવાર કરતાં પૂછ્યું છે કે, “પંજાબમાં રાજ્યસભાની સીટો કેટલામાં વેચી હતી?” અને ઉમેર્યું કે સમય આવ્યે તેઓ દરેક વાતનો પર્દાફાશ કરશે.
‘પંજાબને લૂંટી ખાધું, લાલાને માલ પહોંચાડ્યો’: ભજ્જીનો મોટો વિસ્ફોટ
સોશિયલ મીડિયા પર હરભજન સિંહે વિરોધીઓને પડકાર ફેંકતા લખ્યું, “સમય આવવા પર તમારી દરેક વાતનો જવાબ આપવામાં આવશે. મેં તમારા કોઈ લીડરને ગાળ નથી આપી, હું મારી જીભ કેમ ગંદી કરું? મને ગદ્દાર કહેનારાઓ, પહેલાં પોતાના લોકોને પૂછો કે પંજાબની રાજ્યસભા સીટ કેટલામાં વેચી હતી? જો તેઓ ના બતાવે તો હું તમને કહીશ કે કોને, કેટલો અને કોની તરફથી ચઢાવો (લાંચ) ગયો હતો. પંજાબને લૂંટવા માટે અને લાલાને માલ પહોંચાડવા માટે કેવી રીતે કોને મંત્રી-સંત્રી બનાવવામાં આવ્યા. પંજાબને લૂંટી ખાધું.”
યુઝરે પૂછ્યું- ‘જમીરની કિંમત કેટલી લગાવી?’, ભજ્જીએ આપ્યો કરારો જવાબ
હરભજન સિંહનો આ ગુસ્સો દેવેન્દર યાદવ નામના એક એક્સ યુઝરની પોસ્ટ બાદ ફાટી નીકળ્યો હતો. તે યુઝરે હરભજન સિંહ પર ગદ્દારીનો આરોપ લગાવતા પૂછ્યું હતું કે, “એવી કઈ મજબૂરી હતી કે પંજાબના 800 થી વધુ ખેડૂત ભાઈઓના મોત માટે જવાબદાર ભાજપમાં તમે જતા રહ્યા? તમે તમારા જમીરની કિંમત કેટલી લગાવી? એવી ચર્ચા છે કે ભાજપે ગદ્દારોની બોલી 25-25 કરોડ રૂપિયા લગાવી છે, શું આ સાચું છે? જે ‘આપ’ પાર્ટીએ તમને રાજ્યસભા સીટ આપી, તેના જ નેતાઓને દિવસ-રાત કેમ ભલા-બુરા કહો છો અને હજુ સુધી સાંસદ પદેથી રાજીનામું કેમ નથી આપ્યું?”
7 સાંસદોના પક્ષપલટા બાદ પંજાબમાં થયો હતો ભારે હોબાળો
મહત્વનું છે કે, પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે રાઘવ ચઢ્ઢા સહિત આમ આદમી પાર્ટીના કુલ 7 રાજ્યસભા સાંસદો સાથે ગત 24 એપ્રિલના રોજ ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. આ મોટા રાજકીય ઉલટફેર બાદ ‘આપ’ ના કાર્યકરો ભારે ગુસ્સે ભરાયા હતા. કાર્યકરોએ જાલંધર અને લુધિયાણામાં હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા અને અશોક મિત્તલના ઘરની બહાર જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ઘરની દીવાલો પર સ્પ્રે પેઇન્ટથી ‘ગદ્દાર’ લખી નાખ્યું હતું. આ ઘટના બાદ પંજાબ સરકારે હરભજન સિંહની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી, જેની સામે તેઓ હાઈકોર્ટ પણ ગયા છે. જોકે, પંજાબ પોલીસની સુરક્ષા હટતા જ કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં લઈને જાલંધરમાં હરભજનના નિવાસસ્થાને CRPF ની સુરક્ષા તૈનાત કરી દીધી છે.
ક્રિકેટના મેદાનથી રાજકારણ સુધીની સફર
ટર્બનેટર તરીકે જાણીતા હરભજન સિંહની રાજકીય ઇનિંગ માર્ચ 2022 માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પંજાબ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ‘આપ’ દ્વારા તેમને પંજાબમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નોમિનેટ કરાયા હતા અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. તેમણે 18 જુલાઈ 2022 ના રોજ સાંસદ તરીકે શપથ લીધા હતા, પરંતુ માત્ર 4 વર્ષની અંદર જ તેમણે ‘આપ’ સાથે છેડો ફાડીને ભાજપનો દામન થામી લીધો છે.
આ પણ વાંચોઃ Heatstroke : દેશમાં ગરમી બની જીવલેણ, 300થી વધુ હિટસ્ટ્રોકના કેસ આવ્યા સામે
આ પણ વાંચોઃ NEET પેપર લીકનું મોટું નેટવર્ક મહારાષ્ટ્ર ? હાઈ પ્રોફાઈલ વાલીઓ CBIની રડારમાં
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












