Happy Mother’s DaY: માતૃ દેવો ભવઃ શાસ્ત્રોમાં પણ છે માની મમતાનો ઉલ્લેખ
- તૈત્તિરીય ઉપનિષદમાં લખવામાં આવ્યું છે કે માતૃ દેવો ભવઃ એટલે કે માતા દેવતાઓ કરતા પણ મહાન છે. માતા એટલે કે જન્મ આપનારી, જેનું સ્થાન સંસારમાં સૌથી ઉપર છે
સનાતન ધર્મમાં માતાનું સ્થાન સર્વોચ્ચ છે. કારણ કે આપણી સંસ્કૃતિમાં માતાની સરખામણી ભગવાન સાથે કરવામાં આવી છે. માતાની મમતાનો ઉલ્લેખ વેદ અને પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. તૈત્તિરીય ઉપનિષદમાં લખવામાં આવ્યું છે કે માતૃ દેવો ભવઃ એટલે કે માતા દેવતાઓ કરતા પણ મહાન છે. માતા એટલે કે જન્મ આપનારી, જેનું સ્થાન સંસારમાં સૌથી ઉપર છે. પ્રેમ, કરુણા, લાગણી અને સ્નેહનું બીજું સ્વરૂપ હોય તો તે છે ‘મા’. માતાને તેના બાળક સાથે વિશેષ લગાવ હોય છે. માતાની ગોદ, સ્નેહ, પ્રેમ, સ્નેહ અને મમતા વિશે ગમે તેટલું લખો ઓછું જ છે. માતાના પ્રેમનું વર્ણન માત્ર કવિતા અને પુસ્તકોમાં જ નહીં, પરંતુ ધાર્મિક ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે.
રામચરિતમાનસમાં સમજાવ્યું માતાના પાલવનું મહત્ત્વ
રામચરિતમાનસના કિષ્કિંધા કાંડમાં એક પ્રસંગ છે કે, જ્યારે માતા સીતાનું રાવણે હરણ કરી લીધું ત્યારે તેમણે પોતાના આભૂષણો પોતાની સાડીના પાલવમાં બાંધીને ફેંકી દીધા હતા, જેથી જો રસ્તામાં ઘરેણાં મળી આવે તો માતા સીતા વિશે કોઈ સંકેતો મળી શકે. આ રીતે સીતાજીના પાલવમાં આભૂષણો બાંધવા અને ફેંકવા અને ભગવાન રામ દ્વારા તેની ઓળખ એ માતાના આંચલની મહત્ત્વપૂર્ણતા જ દર્શાવે છે. આ વાત જ દર્શાવે છે કે તમામ ગ્રંથો, કાવ્યો અને મહાકાવ્યોમાં ‘પાલવ’નું મહત્ત્વ કેટલી સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. સમય અને વાતાવરણ ગમે તેટલું બદલાય, બાળક માટે તેની માતાના ખોળાનો એક ખૂણો વિશ્વની સૌથી સુરક્ષિત જગ્યા છે.
માને માતા, આયી, મમ્મી, માઈ, મહતારી, અમ્મા, માતૃ, અમ્મી, જનની, જન્દાત્રી, જીવનદાયિની, ધાત્રી, પ્રસુ જેવા અનેક નામોથી સંબોધવામાં આવે છે. વિવિધ સંસ્કૃતિઓમાં માતાને બોલાવવાની રીત અલગ અલગ હોઈ શકે છે, પરંતુ માતા અને બાળક વચ્ચેનો સંબંધ હંમેશા પ્રેમ અને સ્નેહથી ભરેલો હોય છે.
ભગવાન શ્રી રામ પોતાની માતાને સ્વર્ગ કરતાં પણ ઉચ્ચ માનીને રામાયણમાં કહે છેઃ
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी।
અથાર્થ માતા અને જન્મભૂમિનું સ્થાન સ્વર્ગ કરતાં પણ ઊંચું છે.
જાણો માતાના મહિમા અને પ્રેમ વિશે વેદ – પુરાણ શું કહે છે.
માતાની મહિમા શબ્દોમાં વ્યક્ત કરવી શક્ય નથી, કેમકે માતા એક એવો અલૌકિક શબ્દ છે કે જેને યાદ કરવાથી શરીરનું રોમ-રોમ પુલકિત થઈ જાય છે અને હૃદયમાં લાગણીઓના અપાર તરંગો ઉછળવા લાગે છે. મા શબ્દના ઉચ્ચારણથી જ શરીરની પીડાનો અંત આવે છે, કારણ કે માના ધન્ય ધારાથી સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે
મહાભારતમાં યક્ષ ધર્મરાજા યુધિષ્ઠરને પૂછે છે કે ભૂમિ કરતાં ભારે શું છે? ત્યારે યુધિષ્ઠિર કહે છે, ‘मता गुरुतरा भूमेरू।’ મતલબ કે માતા આ ભૂમિ કરતાં પણ ભારે છે.
મહર્ષિ વેદવ્યાસ માતાનું વર્ણન કરતાં લખે છેઃ
नास्ति मातृसमा छाया, नास्ति मातृसमा गति:।
नास्ति मातृसमं त्राण, नास्ति मातृसमा प्रिया।।
એટલે કે સંસારમાં મા જેવો કોઈ છાંયો નથી, માતા જેવો કોઈ આધાર નથી. માતા જેવું કોઈ રક્ષક નથી અને માતા જેવું કોઈ પ્રિય નથી.
શતપથ બ્રાહ્મણની સૂક્તિ અનુસાર अथ शिक्षा प्रवक्ष्याम: मातृमान् पितृमानाचार्यवान पुरुषो वेद:।
તેનો અર્થ છે, ત્રણ સારા શિક્ષકો, એક માતા, બીજો પિતા અને ત્રીજા શિક્ષક હોય ત્યારે જ વ્યક્તિ જ્ઞાની બની શકે છે.
રામાયણની પાંડૂલિપિઓમાં ભગવાન શ્રી રામ લક્ષ્મણને કહે છેઃ
अपि स्वर्णमयी लङ्का न मे लक्ष्मण रोचते।
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी॥
અથાર્ત લક્ષ્મણ! ભલે આ લંકા સોનાની બનેલી હોય તો પણ મને તેમાં રસ નથી. કારણ કે જનની અને જન્મભૂમિ તો સ્વર્ગ કરતા પણ મહાન છે.
હેપ્પી મધર્સ ડે
દરેક માતા પોતાના બાળકને આશીર્વાદ આપે છે. માતાએ શાંત ભાવના અને હૃદયથી કરેલી પ્રાર્થનામાં એટલી શક્તિ છે કે તે અકાળ મૃત્યુને પણ ટાળી શકે છે. માતાના આશીર્વાદથી જ વ્યક્તિ સાચા રસ્તે ચાલીને મહાનતાના શિખરે પહોંચે છે. તેથી, તે જીવન નીરસ છે જેમાં માતાના આશીર્વાદ નથી. તો આજના મધર્સ ડે પર તમામ માતાઓને વંદન!
આ પણ વાંચોઃ બદ્રી વિશાલ લાલની જયઃ વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા બદ્રીનાથના દ્વાર